SHRI Sanwaliya Seth TEMPLE received such HUGE amount in donation that people got tired of counting cash
OMG /
રાજસ્થાનના આ મંદિરમાં કરોડોના ઢગલા : દાનપેટીમાં જ એટલી નોટો કે ગણતાં ગણતાં થાકી ગયા લોકો
Team VTV02:12 PM, 12 Feb 21
| Updated: 02:12 PM, 12 Feb 21
રાજસ્થાનના જગવિખ્યાત સાંવલિયા સેઠ મંદિરમાં બે દિવસ પહેલા દાનપેટી ખોલવામાં આવી છે અને છેલ્લા દિવસથી ગણતરી ચાલુ હોવા છતાં દાનમાં આવેલી રકમ ગણી શકાઈ નથી.
વિશ્વભરમાં પ્રખ્યાત છે સાંવલિયા સેઠ મંદિર
દર મહિને અમાસ પહેલા ખોલવામાં આવે છે ભંડાર
આ વખતે દાનપેટીમાં આવેલી નોટોની સંખ્યાએ તોડયા રેકોર્ડ
આસ્થાના મામલે ભારતીયો સૌથી આગળ રહે છે ત્યારે ભારતના અનેક મંદિરોમાં આસ્થાને આધારે દાન કરવામાં આવે છે. આ દાનની રકમ મોટા મંદિરોમાં અબજોમાં રહે છે ત્યારે રાજસ્થાનના જગવિખ્યાત મંદિરનો ખજાનો ખૂલતાં જ જે જોવા મળ્યું તે દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે.
બે દિવસ બાદ પણ દાનની રકમ ગણતરી પૂર્ણ થઈ શકી નથી
રાજસ્થાનના મેવાડમાં તીર્થ ક્ષેત્ર સાંવલિયા સેઠ મંદિર જે સાંવરિયા સેઠના નામથી પણ ઓળખાય છે તે મંદિરની દાનપેટી 10મી ફેબ્રુઆરીના રોજ ખોલવામાં આવી હતી. બે દિવસના માસિક મેળાના પહેલા જ દિવસે આ દાન પાત્રને ખોલવામાં આવ્યો અને તે બાદ જેમાં એટલા બધા નાણાં મળી આવ્યા છે કે છેલ્લા બે દિવસથી આ રકમની ગણતરી કરવામાં આવી રહી છે. ભંડારમાં ભેટની રકમની ગણતરી કરવા માટે બેન્કના પણ કર્મચારીઓ કામે લાગ્યા છે પરંતુ બે દિવસ બાદ પણ દાનની રકમ ગણતરી પૂર્ણ થઈ શકી નથી.
બુધવારે મંદિરમાં આવેલ દાનની રકમ ગણવાની શરૂઆત થઈ અને એક દિવસમાં 6 કરોડથી વધારે રકમની ગણતરી થઈ છે અને કામ હજુ પણ ચાલુ જ છે. કોરોનાકાળ હોવા છતાં આ ચોથી વાર છે જ્યારે મંદિરના ભંડારમાં આટલી મોટી દાનની રકમ આવી હોય.
PHOTO : srisanwaliyaji.org
નોંધનીય છે કે મંદિરમાં પહેલા જ દિવસે આશરે 6.17 કરોડ રૂપિયા રોકડા મળ્યા અને સાથે સાથે 91 ગ્રામ સોનું અને 23 કિલો ચાંદી મેળવવામાં આવી છે. જ્યારે 71.83 લાખ રૂપિયા ઓનલાઈન દાન આપવામાં આવ્યા છે. મંદિર સમિતિના જણાવ્યા મુજબ ગણતરીમાં 2.80 કરોડની 2 હજારની નોટો અને 50-100 તથા સિક્કાઓથી 8 થેલા ભરાઇ ગયા છે. અગાઉના અનામતમાંથી 4 કરોડ 54 લાખ રૂપિયા જાહેર કરાયા હોવાનું કહેવાય છે. પરંતુ આ વખતે રેકોર્ડ પહેલા જ દિવસે તૂટી ગયો છે.
PHOTO : WEKIPEDIA
નોંધનીય છે કે આ મંદિરની ભારતભરમાં ખૂબ આસ્થા છે અને દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. દર મહિને અમાસ પહેલા દાન પાત્ર ખોલવામાં આવે છે અને નોટોની ગણતરી માટે કર્મચારીઓની ડ્યુટી લગાવવામાં આવે છે અને આશરે દર મહિને ત્રણથી ચાર કરોડ રૂપિયાનું દાન આ મંદિરમાં આવે છે. આ કામ માટે તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
નોંધનીય છે કે આ મંદિરનું નિર્માણ મેવાડના રાજપરિવર દ્વારા કરવામાં આવ્યું હતું અને દર વર્ષે લાખો ભક્તો આ મંદિરમાં પ્રભુના દર્શન કરવા આવે છે. આ મંદિરમાં વિદેશોથી પણ મોટા પ્રમાણમાં દાન આવે છે.