ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ લૂંટ-મર્ડર કેસના આરોપીએ ક્રાઈમ બ્રાન્ચ પર કર્યો હુમલો, વળતા જવાબમાં PSIએ ગોળી ધરબી
Last Updated: 11:19 PM, 16 October 2026
ADVERTISEMENT
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ રિફાઇનરીની બહાર થયેલા ચકચારી લૂંટ અને હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. કેસનો મુખ્ય શૂટર અનુરાગ સિંહ રાજપૂતે ઘટનાસ્થળે પંચનામું અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમ પર અચાનક ફાયરિંગ કરતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ સ્થળ પર છુપાવી રાખેલા અન્ય હથિયારથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જવાબમાં ક્રાઇમ બ્રાન્ચના PSI વનરાજસિંહ ડોડીયાએ સ્વબચાવમાં ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ પોલીસે તેને કાબૂમાં લઈ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
તન્વી ગોલ્ડ રિફાઇનરી લૂંટ અને હત્યા કેસમાં તપાસના ભાગરૂપે પોલીસ આરોપી અનુરાગ સિંહ રાજપૂતને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. ત્યાં પંચનામું કરવાની અને ગુનાને લગતા પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન આરોપીએ અચાનક છુપાવેલા હથિયારથી પોલીસ જવાનોને નિશાન બનાવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ADVERTISEMENT
અચાનક થયેલા ગોળીબારથી સ્થળ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, PSI વનરાજસિંહ ડોડીયાએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્વબચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું. પોલીસની ગોળી આરોપીના પગમાં વાગતાં તે ઘાયલ થયો હતો. પોલીસે તેને તાત્કાલિક કસ્ટડીમાં લીધો હતો અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પોલીસ પર થયેલા ફાયરિંગને પગલે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT
₹1.52 કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ રિફાઇનરીની બહાર 14 ઓક્ટોબરે લાલજીભાઈ સરધારા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીઓએ એક કિલો સોનું અને ત્રણ કિલો ચાંદીની લૂંટ ચલાવી હતી.
ADVERTISEMENT

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 10થી 15 ટીમોએ ત્રણથી ચાર જિલ્લાની પોલીસ અને બે રાજ્યોની પોલીસ સાથે સંકલન કરીને કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશની ગેંગ સાથે સંકળાયેલા તમામ 10 આરોપીઓને આશરે નવ કલાકમાં ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે લૂંટમાં ગયેલા સોના-ચાંદી સહિત ₹1.52 કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો હોવાનો દાવો કર્યો છે. આ ઝડપી કાર્યવાહીથી કેસના તપાસકર્તાઓને મોટી સફળતા મળી છે.
ADVERTISEMENT
શૂઝ અને કારનાં સીટ-કવરમાં છુપાવ્યું હતું સોનું
જોઇન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે આપેલી વિગતો મુજબ, લૂંટ બાદ આરોપીઓએ પોલીસથી બચવા માટે સોના-ચાંદીના ઢાળિયા પોતાના શૂઝ અને કારનાં સીટ-કવરમાં છુપાવ્યા હતા. આરોપીઓએ મુદ્દામાલ છુપાવવા માટે અલગ-અલગ રીતો અપનાવી હોવા છતાં પોલીસ તપાસમાં તેમની કડી મળી આવી હતી. પોલીસે AI ટેક્નોલોજી, CCTV કેમેરાના નેટવર્ક અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ તમામ 10 આરોપીઓને ઝડપી લઈ લૂંટનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ચૈતર વસાવાના હંગામી જામીન મંજૂર, ઝેરી દવા ગટગટાવી લેતાં હોસ્પિટલમાં દાખલ ભાઈને મળવા હાઈકોર્ટે જામીન આપ્યા
લૂંટ અને હત્યાના ગંભીર ગુનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરવા બદલ ગૃહમંત્રી દ્વારા પણ રાજકોટ પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હોવાનું જણાવાયું છે. હવે મુખ્ય શૂટર અનુરાગ સિંહ રાજપૂત દ્વારા પોલીસ ટીમ પર કરવામાં આવેલા ફાયરિંગની ઘટના તપાસનો નવો મુદ્દો બની છે. આરોપીની સારવાર, ફાયરિંગમાં વપરાયેલા હથિયારની તપાસ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.