ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલાં જયેશ રાદડિયાનો વિરોધીઓ પર પ્રહાર, કહ્યું- ‘કામ અમે કરીએ છીએ, મત માંગવા એ આવશે’
Last Updated: 10:44 PM, 7 October 2026
ADVERTISEMENT
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખેડૂત નેતા અને ‘છોટે સરદાર’ તરીકે ઓળખાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ખેડૂતોની સુવિધામાં વધારો કરવા માટે રૂ. 12 કરોડના ખર્ચે નવનિર્મિત ઓક્શન શેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના અગ્રણી જયેશ રાદડિયા સહિત માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જયેશ રાદડિયાએ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના ખેડૂતો અને સહકારી ક્ષેત્ર માટેના આજીવન યોગદાનને યાદ કરી યાર્ડના ચેરમેન અને બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
‘રાજનીતિમાં પાડી દેવાની વાતો ચાલે, પણ ખેડૂતોનો ભરોસો જીતવો મોટી વાત’
કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયાએ રાજકીય વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “રાજનીતિમાં પાડી દેવાની વાતો સમયે સમયે ચાલતી હોય છે, પરંતુ સહકારી ક્ષેત્ર અને ખેડૂતોનો ભરોસો જીતવો એ ખૂબ મોટી વાત છે. ખેડૂતોના સર્ટિફિકેટ લેવા માટે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે હું મેદાનમાં જાઉં છું.”
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું હતું કે, “અમે જે કામ કર્યું છે તે કામને લઈને માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મત માંગવા આવીશું. પાંચ વર્ષ પહેલાં અમુક લોકો ચૂંટણી લડવા આવ્યા હતા, તેમને 1400માંથી માત્ર 80 મત મળ્યા હતા. 50-60 મત તો ગાંડાને પણ મળે. મેં પાંચ વર્ષ પહેલાં કહ્યું હતું કે અમારી ટીમ પર વિશ્વાસ મૂકજો. લાગશે વાર, પણ આવશે મજા.”
જીતુ વાઘાણીએ 25 વર્ષ જૂની સ્થિતિ યાદ કરી
ADVERTISEMENT
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પણ કાર્યક્રમમાં જૂના સમયની વાતો યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 25 વર્ષ પહેલાં ગુજરાતમાં મત આપવા જનારાઓને ગામના ચોરા પર મારવામાં આવતા હોવાની ઘટનાઓ તેમણે જોઈ છે. તેમણે ખેડૂતો પર થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ધોળા દિવસે પોપટ લાખા સોરઠીયા જેવા ખેડૂતોની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે આજે જયેશ રાદડિયા ખેડૂતોની સુરક્ષા માટે મર્દાનગીથી આગળ આવ્યા છે.
ADVERTISEMENT
5 વર્ષમાં યાર્ડમાં રૂ. 60 કરોડના વિકાસ કાર્યોનો દાવો
માર્કેટિંગ યાર્ડની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં નવી યુવા પેનલ માટે મત માંગવા ગયા ત્યારે ખેડૂતોએ 98 ટકા મતથી ટીમને વિજય અપાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, ચેરમેન જયેશ બોઘરાના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં યાર્ડમાં અંદાજે રૂ. 60 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. ખેડૂતોનો માલ વરસાદમાં પલળી ન જાય તે માટે અલગ-અલગ ઓક્શન શેડ બનાવવામાં આવ્યા છે. રાદડિયાએ કહ્યું હતું કે આજે ખેડૂતોને એવું લાગે છે કે આ યાર્ડ પોતાનું જ છે અને અહીં તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડતી નથી.
ADVERTISEMENT
‘સહકારી માળખું બિનરાજકીય અને પ્રામાણિક રીતે ચલાવવાનો પ્રયાસ’
સહકારી ક્ષેત્રની આગામી ચૂંટણીઓ અંગે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, “જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે અમે 100 ટકા મેદાનમાં હોઈશું.” તેમણે રાજકોટ જિલ્લા સહકારી બેંક, રાજકોટ ડેરી અને માર્કેટિંગ યાર્ડનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે સહકારી માળખું બિનરાજકીય અને પ્રામાણિક રીતે ચાલે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં બેંકે રૂ. 280 કરોડથી વધુનો નફો કર્યો હોવાનું જાહેર થયું હતું અને વર્ષના અંતે રૂ. 200 કરોડ ખેડૂતો તથા મંડળીઓને રિટર્ન આપવામાં આવ્યા હતા.
ખેડૂતોને 0% વ્યાજે લોન અને રૂ. 15 લાખનો અકસ્માત વીમો
વિઘ્નસંતોષીઓ અંગેના સવાલના જવાબમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે બેંકના ચેરમેન તરીકે તેમણે હંમેશા ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કામગીરી કરી છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન ઉપરાંત રૂ. 15 લાખની અકસ્માત વીમા પોલિસી આપવામાં આવે છે. “અમે માત્ર વાતો નથી કરતા, પરંતુ ખેડૂતો સુધી પરિણામ પહોંચાડવાના પ્રયાસો કર્યા છે,” તેમ તેમણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, પાંચ વીઘા કે દસ વીઘા જમીન ધરાવતા નાના ખેડૂતથી લઈને અન્ય ખેડૂતો સુધી રાજકોટ જિલ્લા સહકારી બેંક અને સહકારી માળખા પર વિશ્વાસ છે.
આ પણ વાંચોઃ જામનગરમાં સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ, 3 હજાર કિલો ઘઉં સાથે 5 ઝડપાયા
વિઠ્ઠલભાઈની યાદમાં પ્રતિમા, ખેડૂતો માટે નવી સુવિધા
બેડી માર્કેટિંગ યાર્ડમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ અને નવા ઓક્શન શેડનું લોકાર્પણ એક જ કાર્યક્રમમાં થતાં ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સ્વ. વિઠ્ઠલભાઈના સહકારી ક્ષેત્રમાં યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પણ ખેડૂતોને વધુ સુવિધાઓ મળે તે માટે સહકારી માળખા દ્વારા કામગીરી ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો