બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / અમેરિકામાં રહેતા ગુજરાતીઓને ગ્રીન કાર્ડ મળશે? સેનેટરે સંસદમાં રજૂ કર્યું બિલ, જાણો બધી જ માહિતી
Last Updated: 10:54 AM, 30 July 2026
US Green Card : અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે લાખો લોકો વર્ષો સુધી રાહ જોતા હોય છે. ખાસ કરીને ભારતીયો માટે ગ્રીન કાર્ડનું વેઇટિંગ હવે દાયકાઓ સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં અમેરિકામાં વર્ષોથી કોઈ કાયદેસર સ્ટેટસ વિના રહેતા ઇમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ આપવાની દરખાસ્ત ફરી ચર્ચામાં આવી છે. કેલિફોર્નિયાના ડેમોક્રેટિક સેનેટર એલેક્સ પાડિલાએ આ મુદ્દે પોતાનું જૂનું બિલ ફરી સેનેટમાં રજૂ કર્યું છે.
ADVERTISEMENT
સેનેટર પાડિલાએ આ બિલ પ્રથમ વખત 2025માં રજૂ કર્યું હતું, પરંતુ તે પાસ નહોતું થયું. હવે ફરી રજૂ કરાયેલા બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જે લોકો છેલ્લા સાત વર્ષથી અમેરિકામાં રહે છે, દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યા છે અને જેમનો કોઈ ગંભીર ગુનાહિત રેકોર્ડ નથી, તેમને ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની તક મળવી જોઈએ.
ADVERTISEMENT
હાલના અમેરિકન ઇમિગ્રેશન કાયદા હેઠળ 'Registry Provision'નો લાભ માત્ર ખૂબ જૂના કેસોમાં જ મળે છે. છેલ્લે 1986માં તેમાં સુધારો કરીને 1 જાન્યુઆરી, 1972 પહેલાં અમેરિકામાં આવેલા અને કાયદેસર સ્ટેટસ વગર રહેતા લોકો માટે ગ્રીન કાર્ડનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
એલેક્સ પાડિલાના નવા પ્રસ્તાવ મુજબ હવે આ જૂની કટ-ઓફ તારીખ દૂર કરીને, કોઈપણ વ્યક્તિ જો અમેરિકામાં સતત સાત વર્ષથી રહેતી હોય, ઇમિગ્રેશનના અન્ય નિયમોનું પાલન કરતી હોય અને તેનો કોઈ ડિસક્વોલિફાઇંગ ક્રિમિનલ રેકોર્ડ ન હોય તો તેને ગ્રીન કાર્ડ માટે પાત્ર ગણવામાં આવે.
ADVERTISEMENT
જો આ બિલ કાયદાનું સ્વરૂપ લે તો વર્ષો પહેલાં ગેરકાયદે અમેરિકા પ્રવેશેલા લોકો, વિઝા પર ઓવરસ્ટે થઈ ગયેલા ઇમિગ્રન્ટ્સ અથવા લાંબા સમયથી ત્યાં પરિવાર અને કારકિર્દી બનાવી ચૂકેલા લાખો લોકો માટે કાયદેસર પરમેનન્ટ રેસિડન્સી મેળવવાનો રસ્તો ખુલ્લો થઈ શકે છે.બિલના સમર્થકોનું કહેવું છે કે આવા લોકો વર્ષોથી ટેક્સ ભરે છે, અમેરિકાની અર્થવ્યવસ્થામાં યોગદાન આપે છે અને ઘણા તો સ્થાનિક સમાજનો મહત્વનો ભાગ બની ગયા છે. તેમને સતત અનિશ્ચિતતામાં રાખવા કરતાં કાયદેસર સ્ટેટસ આપવો વધુ યોગ્ય રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પ્રસ્તાવનો ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. વિરોધીઓનું કહેવું છે કે જો ગેરકાયદે રીતે રહેતા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવશે તો ભવિષ્યમાં વધુ લોકો ગેરકાયદે અમેરિકા આવવા પ્રોત્સાહિત થશે. તેનાથી ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરનારાઓને ખોટો સંદેશ જશે અને બોર્ડર સુરક્ષા વધુ પડકારજનક બનશે. સોશિયલ મીડિયા પર પણ સેનેટર એલેક્સ પાડિલાની પોસ્ટ સામે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સે દલીલ કરી છે કે જ્યારે લાખો લોકો કાયદેસર રીતે ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ગેરકાયદે રહેનારાઓને પ્રાથમિકતા આપવી યોગ્ય નથી.
ADVERTISEMENT
અમેરિકન કોંગ્રેસમાં ઇમિગ્રેશન સંબંધિત આવા અનેક બિલ વર્ષોથી રજૂ થતા રહ્યા છે, પરંતુ મોટાભાગના બિલ કાયદા બની શક્યા નથી. રાજકીય મતભેદો અને ઇમિગ્રેશન મુદ્દે ડેમોક્રેટ્સ તથા રિપબ્લિકન વચ્ચેનો તીવ્ર મતભેદ આવા પ્રસ્તાવોને આગળ વધવા દેતો નથી. આ કારણે નિષ્ણાતોનું માનવું છે કે એલેક્સ પાડિલાનું આ બિલ પણ ચર્ચામાં રહેશે, પરંતુ હાલની રાજકીય સ્થિતિમાં તેના કાયદો બનવાની શક્યતા ખૂબ ઓછી છે.
અમેરિકામાં હજારો ભારતીયો કાયદેસર રીતે ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ બિલ ચર્ચાનો વિષય તો બન્યું છે, પરંતુ હાલના સંજોગોમાં તેની અસર તાત્કાલિક જોવા મળે તેવી શક્યતા નથી. તેથી ગેરકાયદે રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ મળશે તેવી અપેક્ષા રાખવી વાસ્તવિક માનવામાં આવતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.