ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મનપાની ચૂંટણી: ભાજપનો ગઢ જળવાશે કે કોંગ્રેસ કરશે સત્તા પરિવર્તન? આપની ગેરહાજરીથી કોને થશે ફાયદો?
Last Updated: 08:36 PM, 10 October 2026
ADVERTISEMENT
વર્ષ ૨૦૧૦માં મહાનગરપાલિકાની રચના થઈ ત્યારથી ગાંધીનગરના મતદારોનો ચૂંટણી ઇતિહાસ અનોખો રહ્યો છે. અહીં મતદારો એક જ પક્ષને સતત સમર્થન આપે એવું હંમેશાં બન્યું નથી; પક્ષપલટા અને રાજકીય સમીકરણોએ પણ સત્તા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ADVERTISEMENT
મનપાની પ્રથમ ચૂંટણી વર્ષ ૨૦૧૧માં યોજાઈ હતી, જેમાં કોંગ્રેસે બહુમતી મેળવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો મુકાબલો થયો હતો. જોકે, કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોએ પક્ષપલટો કરતાં ભાજપને સત્તા સ્થાપવાની તક મળી હતી. વર્ષ ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપે ૪૪માંથી ૪૧ બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી હતી. જોકે, ત્યારબાદ કોંગ્રેસના બે કોર્પોરેટરોએ પક્ષપલટો કરતાં વિરોધ પક્ષમાં માત્ર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખ જ રહ્યા હતા.
આ વખતે કોંગ્રેસે સાવચેતીના ભાગરૂપે તેના તમામ ૪૪ ઉમેદવારોને ગાંધીનગરની બહાર અલગ-અલગ સ્થળોએ રાખ્યા હોવાનો દાવો કર્યો છે. ઉમેદવારીપત્રો પાછાં ખેંચવાની છેલ્લી તારીખ સુધી સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા ઉમેદવારો પર દબાણ લાવી તેમને ફોર્મ પાછાં ખેંચાવવા પ્રયાસ કરાયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિકુમાર પટેલે જણાવ્યું હતું કે, તેમના ઉમેદવારો, સમર્થકો અને દરખાસ્તકારોને અલગ-અલગ સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, સ્થાનિક ભાજપના નેતાઓ ત્રણથી ચાર વોર્ડ બિનહરીફ જીતવાના ઇરાદાથી આ પ્રયાસો કરી રહ્યા હતા.
કોંગ્રેસે પક્ષપલટો અટકાવવા તેના ૪૪ ઉમેદવારો પાસેથી સોગંદનામા સ્વરૂપે બાંયધરીપત્રો લીધાં હોવાનું પણ જણાવ્યું છે. તેમાં ચૂંટણી બાદ ભાજપમાં નહીં જોડાવાની ખાતરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
૧૨ બેઠકો પર ભાજપ–કોંગ્રેસ સીધા સામસામે
ચૂંટણી પંચે આપનાં ચાર ઉમેદવારીપત્રો રદ કર્યાં, જ્યારે ત્રણ ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચ્યાં; બાકીની બેઠકો પર પણ પક્ષોની સ્થિતિ અલગ-અલગ આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ૧૨ બેઠકો પર સીધો મુકાબલો છે, જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં નથી. રાજ્ય ચૂંટણી પંચે આપનાં ચાર ઉમેદવારીપત્રો રદ કર્યાં હતાં અને પક્ષના ત્રણ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછાં ખેંચ્યાં હતાં. બાકીની ત્રણ બેઠકો પર પણ આપના ઉમેદવારો નથી.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ૭ના ઉમેદવાર રાહુલ વાઘેલાએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આપના નેતાઓનો આક્ષેપ છે કે ભાજપના કહેવાથી તેમને ધમકી આપવામાં આવી હતી, જેના કારણે તેમણે ચૂંટણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. જોકે, ભાજપે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
આપના નેતાઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ભાજપે ઉમેદવારોને ફોર્મ પાછાં ખેંચવા દબાણ કર્યું હતું. આ અંગે ભાજપે કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી.
ADVERTISEMENT
ગાંધીનગર મનપાની ચૂંટણીનો ઇતિહાસ
ગાંધીનગરની સ્થાપના વર્ષ ૧૯૬૪માં જિલ્લા તરીકે થઈ હતી. વર્ષ ૨૦૧૦માં તેને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો. આ વખતે અહીં ચોથી સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાતમાં ગાંધીનગર ઉપરાંત ૧૬ અન્ય મહાનગરપાલિકાઓ છે, જેમાંથી નવની રચના ગયા વર્ષે કરવામાં આવી હતી. આ નવ મહાનગરપાલિકાઓની પ્રથમ ચૂંટણી આ વર્ષે એપ્રિલમાં જૂની મહાનગરપાલિકાઓની ચૂંટણી સાથે યોજાઈ હતી અને તમામમાં ભાજપે જીત મેળવી હતી.
ADVERTISEMENT
પક્ષપલટાએ અગાઉ પણ બદલ્યું હતું સત્તાનું ચિત્ર
વર્ષ ૨૦૧૧ની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે ૩૩માંથી ૧૮ બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને ૧૫ બેઠકો મળી હતી. જોકે, ઑક્ટોબર ૨૦૧૨માં કોંગ્રેસના મેયર મહેન્દ્રસિંહ રાણા ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે અન્ય બે સભ્યો પણ ભાજપમાં ગયા હતા. પરિણામે કોંગ્રેસે બહુમતી ગુમાવી હતી અને ભાજપે મહાનગરપાલિકામાં સત્તા સ્થાપી હતી. રાણાને મેયરપદે યથાવત્ રાખવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૬ની ચૂંટણી ૩૨ બેઠકો પર યોજાઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ૧૬-૧૬ બેઠકો મળી હતી. જોકે, કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ પટેલ ભાજપમાં જોડાતાં ભાજપને બોર્ડ રચવામાં નિર્ણાયક સરસાઈ મળી હતી. ત્યારબાદ પ્રવીણ પટેલને ભાજપે મેયર બનાવ્યા હતા.
એપ્રિલ ૨૦૨૧માં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં વોર્ડ સીમાંકન બાદ ભાજપે ૪૪માંથી ૪૧ બેઠકો જીતી હતી. કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી હતી, જ્યારે આપને તેની પ્રથમ ચૂંટણીમાં એક બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૪માં કોંગ્રેસના બંને કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા હતા.
ભાજપનું વચન: ગાંધીનગરને ‘સ્પોર્ટ્સ કેપિટલ’ બનાવશું
ગુરુવારે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરને ‘સચિવાલય શહેર’માંથી ‘કોન્ફરન્સનું શહેર’ બનાવવાની સાથે તેને રમતગમતના કેન્દ્ર તરીકે વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરમાં દ્વિવાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે અને અનેક મોટી યુનિવર્સિટીઓ પણ આવેલી છે.
ભાજપે નવા રસ્તા અને ઓવરબ્રિજ, એઆઈ આધારિત ટ્રાફિક સિગ્નલ, દરેક સેક્ટરને અલગ ઓળખ આપે તેવી થીમ આધારિત શહેરી રચના, વિશેષ પ્રવેશદ્વાર અને આધુનિક સુવિધાઓ ઊભી કરવાનાં વચનો આપ્યાં છે. જ્ઞાન આધારિત અર્થતંત્રના ભાગરૂપે એઆઈ, રોબોટિક્સ અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા ઉપરાંત દરેક ગામમાં પુસ્તકાલય બનાવવાની પણ જાહેરાત કરી છે. રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ, પેથાપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અંબાપુર સ્ટેપવેલનો વિકાસ, જાહેર-ખાનગી ભાગીદારીથી ફિઝિયોથેરાપી કેન્દ્રો તથા પશુઓ માટે આશ્રયસ્થાન અને હોસ્પિટલ વિકસાવવાની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે.
કોંગ્રેસનું વચન: ‘ભારતનું પ્રથમ GenZ સિટી’ બનાવશું
કોંગ્રેસે ગાંધીનગરને રમતગમત અને યુવાનો માટેની સુવિધાઓ સાથે ‘ભારતનું પ્રથમ GenZ સિટી’ બનાવવાનું વચન આપ્યું છે.
પક્ષે કેટલીક મુખ્ય જાહેરાતો આ પ્રમાણે કરી છે:
કોંગ્રેસનો આરોપ: ભ્રષ્ટાચાર અને પાયાની સુવિધાઓની અવગણના
ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિકુમાર પટેલે ભાજપના શાસનમાં રસ્તા, ગટર અને પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓના સંચાલનમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “અમે ઘરે-ઘરે પ્રચાર કરવા જઈએ છીએ ત્યારે લોકો પોતાની સમસ્યાઓ જણાવે છે. લોકોના મિજાજ પરથી લાગે છે કે ગાંધીનગરમાં સત્તા પરિવર્તન થશે.” કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા પણ પક્ષના પ્રચારમાં સક્રિય થયા હતા. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, તેમની લોકપ્રિયતા અને અનુભવથી પક્ષને ફાયદો થઈ શકે છે. તેમણે વોર્ડ નંબર ૪માં એક સભા પણ સંબોધી હતી.
ભાજપને તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ
ગાંધીનગર મનપાની ચૂંટણીના પ્રભારી અને એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, પક્ષે કરેલા વિકાસકાર્યોના આધારે તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ છે. તેમણે દાવો કર્યો હતો કે, “છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. ૭૦૦ કરોડની મિલકતવેરાની આવક સામે રૂ. ૭,૦૦૦ કરોડનાં વિકાસકાર્યો કરવામાં આવ્યાં છે. આ અમારી સિદ્ધિ છે.”
આ પણ વાંચોઃ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ, જાણો શું છે કપાસનો ભાવ
વિપક્ષ દ્વારા ભાજપ પર કરવામાં આવતા ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના આક્ષેપો અંગે તેમણે કહ્યું હતું કે, “વિપક્ષનું કામ આક્ષેપો કરવાનું છે, જ્યારે અમારું કામ લોકો માટે કામ કરવાનું અને ચૂંટણી જીતવાનું છે.” મતદાન રવિવારે યોજાશે, જ્યારે પરિણામ ૧૩ ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે. હવે ગાંધીનગરના મતદારો કોના પક્ષે કૌલ આપે છે અને મહાનગરપાલિકાની સત્તા કોના હાથમાં જાય છે તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT