બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / જાણો કેવી રીતે પટેલોએ અમેરિકામાં મોટેલ બિઝનેસમાં જમાવ્યું પોતાનું વર્ચસ્વ, આજે 60% મોટેલના માલિક ગુજરાતી

NRI / જાણો કેવી રીતે પટેલોએ અમેરિકામાં મોટેલ બિઝનેસમાં જમાવ્યું પોતાનું વર્ચસ્વ, આજે 60% મોટેલના માલિક ગુજરાતી

Published By: Vidhata Gothi

Last Updated: 03:16 PM, 7 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujaratis and Motel Business in USA: અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની સાથે થતા ગુનાની ઘટનાઓ તાજેતરમાં ઘણી વધી ગઈ છે. આ એક વર્ષની અંદર જ 7 જેટલા ગુજરાતીઓની હત્યા થઈ છે. ત્યારે જાણો અમેરિકાના મોટેલ ઉદ્યોગ પર પટેલોનું શાસન કેવી રીતે શરૂ થયું?

અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસ્યા છે અને એમાં પણ મોટા ભાગના ગુજરાતીઓ પટેલ સમુદાયથી છે, જેઓ આખા અમેરિકામાં પ્રોફિટેબલ બિઝનેસ ચલાવવા માટે જાણીતા છે. પરંતુ તાજેતરના વર્ષોમાં આવા બિઝનેસ ધરાવતા લોકો સાથે થતા ગુનાની સંખ્યા વધી રહી છે, જેને લીધે લોકોમાં ડર પેદા થયો છે. આ વર્ષે જ અમેરિકામાં મોટેલ ચલાવતા અથવા મોટેલના માલિક એવા ઓછામાં ઓછા સાત ગુજરાતીઓના મૃત્યુ થયા છે.

સૌથી તાજેતરની ઘટના સોમવારે પેન્સિલવેનિયાના એલેઘેની કાઉન્ટીમાં બની હતી, જ્યાં સુરતના વતની 50 વર્ષીય રાકેશ પટેલની માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. મોટેલના પાર્ટનર રાકેશ પટેલ ત્યાં મેનેજર તરીકે કામ કરતા હતા. એ પહેલા 5 ઓક્ટોબરે નોર્થ કેરોલિનામાં બે ગુજરાતીઓ, અનિલ પટેલ અને પંકજ પટેલની મોટેલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ અગાઉ સાઉથ કેરોલિનામાં કન્વીનિયન્સ સ્ટોર પર લૂંટના પ્રયાસ દરમિયાન એક ગુજરાતી મહિલા અને તેના પિતાની હત્યા થઈ હતી.

ઇન્ડિયા ટુડેના એહવાલ પ્રમાણે, અમેરિકામાં ગુજરાતીઓ પરના મોટાભાગના હુમલાઓ મોટેલ, ગેસ સ્ટેશન અને કન્વીનિયન્સ સ્ટોર્સ જેવા વ્યવસાયો પર લૂંટ દરમિયાન થાય છે અથવા કોઈ વિવાદો બાદ થાય છે. નોંધનીય છે કે જેમની હત્યા થાય છે તે ગુજરાતીઓ આવી જગ્યાઓના માલિકો હોય છે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, આ વ્યવસાયો ઘણીવાર હાઈવેની આસપાસ અને દૂરના વિસ્તારોમાં આવેલા હોય છે, જ્યાં ડ્રગ ડીલિંગ, પ્રોસ્ટિટ્યુશન, તોડફોડ અને ગોળીબાર જેવી ઘટનાઓ થવી સામાન્ય છે અને આ જગ્યાઓ આવા ગુનાઓ માટે હોટસ્પોટ હોય છે.

10 સપ્ટેમ્બરના રોજ, ડાઉનટાઉન સ્યુટ્સ ડલ્લાસ મોટેલનું સંચાલન કરતા કર્ણાટકના ચંદ્ર મૌલી 'બોબ' નાગમલ્લાહનું તેના કેમ્પસમાં જ માથું કાપીને હત્યા કરી દીધી. નાગમલ્લાહ જે મોટેલને મેનેજ કરી રહ્યા હતા, તે પણ ગુજરાતી મૂળના વ્યક્તિની હતી.

અમેરિકાના 60% મોટેલના માલિકો ગુજરાતીઓ

ઇન્ડિયા ટુડેના એક એહવાલ પ્રમાણે, અમેરિકામાં ગુજરાતીઓની આર્થિક સફળતાનો મોટો હિસ્સો મોટેલ અને ગેસ સ્ટેશન વ્યવસાયમાંથી આવે છે. 1960ના દાયકાથી ગુજરાતીઓએ આ વ્યવસાયમાં પોતાનો પગદંડો મજબૂત કર્યો છે. આજે ગુજરાતીઓ અમેરિકાની કુલ વસ્તીના ફક્ત 1% હોવા છતાં, અમેરિકાના 60%થી વધુ મોટેલોના માલિકો છે. ન્યૂયોર્કના ટ્રિબેકા ફેસ્ટિવલમાં પ્રીમિયર થયેલી અમર શાહ દ્વારા નિર્મિત The Patel Motel Story નામની શોર્ટ ફિલ્મમાં આ કથાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ શોર્ટ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગુજરાતી પ્રવાસીઓએ ફેમિલી નેટવર્ક અને મહેનતથી અમેરિકામાં મોટેલ સામ્રાજ્ય ઉભું કર્યું છે.

પરંતુ USA Todayના 2021ના ઇન્વેસ્ટિગેશન પ્રમાણે, મોટેલ વ્યવસાય ગુનાહિત પ્રવૃત્તિઓ માટે 'હોટસ્પોટ' છે. પોલીસને મળતા 911 કૉલ્સમાંથી મોટાભાગના મોટેલથી આવતા હોય છે. કારણ કે મોટેલોમાં આવનારાઓ ઘણી વાર અસ્થાયી અને અજાણ્યા લોકો હોય છે. ઘણીવાર અહીં આવતા લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા હોય છે. ઘણા કેસોમાં લાંબા સમયથી રોકાયેલા ગ્રાહકો અને માલિક વચ્ચેના વિવાદો, બાકી ચૂકવણી અથવા લૂંટના પ્રયાસો દરમિયાન ગોળીબાર જેવી ઘટનાઓ બને છે.

એવા અહેવાલો પણ છે જેના પરથી જાણવા મળે છે લે મોટેલ માલિકો અને લાંબા સમયથી રહેનારાઓ વચ્ચે પૈસા બાકી હોવાના કારણે બબાલ થાય છે, જે કોઈને કોઈ ગુનામાં પરિવર્તિત થાય છે. આવા જ કારણોસર ભૂતકાળમાં પણ ગોળીબાર થયા છે. ક્યારેક દૂરના વિસ્તારોમાં મોટેલ, ગેસ સ્ટેશન અને કન્વીનિયન્સ સ્ટોર્સ પર લૂંટની ઘટનાઓ પછી ગોળીબાર પણ થાય છે.

આ કારણોસર અમેરિકામાં મોટેલ વ્યવસાય બને છે જોખમી

મોટેલોમાં ડ્રગ ઓવરડોઝના કિસ્સાઓ એકદમ સામાન્ય છે. અમેરિકામાં મોટા ભાગના મોટેલના માલિકો ગુજરાતીઓ છે, જેઓએ ઘણીવાર ક્રાઇમ સીન, ડ્રગ ઓવરડોઝથી મૃત્યુ જેવા કેસ સાથે ડીલ કરવી પડે છે. ઘણીવાર માનવ તસ્કરી સાથે જોડાયેલા કેસનો પણ સામનો કરવો પડે છે, જેના માટે મોટેલ કુખ્યાત છે.

X પર ઘણી પોસ્ટ્સમાં ભારતીય માલિકીની મોટેલમાં નબળી સુરક્ષા વ્યવસ્થા વિશે જણાવવામાં આવ્યું છે, જેમાં ગુમ થયેલા કેમેરા, ખરાબ લોક્સ અને સ્ટાફની અછત વિશે જણાવવામાં આવ્યું છે. ઘણીવાર આવું ખર્ચ ઘટાડવા માટે પણ થતું હોય છે. આવી ઘણી મોટેલમાં ફ્રન્ટ ડેસ્ક માલિકોના પરિવાર માટે લિવિંગ રૂમ તરીકે પણ કામ આવતી હોય છે, જેના લીધે તેમના પર જોખમ વધી જાય છે. જ્યાં વધુ ગુનાઓ થતા હોય એવા વિસ્તારોમાં આવેલી મોટેલ્સ આખા વિસ્તારમાં "નો-ગો ઝોન" માં ફેરવાઈ શકે છે. આ વ્યવસાયોને લીધે ભલે ઘણા લોકોને સફળતા મળી છે, પણ સાથે જ આ વ્યવસાયોના ઘણા જોખમો પણ હોય છે.

અમેરિકાના મોટેલ ઉદ્યોગ પર પટેલોનું શાસન કેવી રીતે શરૂ થયું?

ભારત અને વિદેશમાં તેમના મજબૂત સમુદાય સમર્થન માટે જાણીતા ગુજરાતીઓએ વર્ષોથી અમેરિકામાં એક વિશાળ વેપાર સામ્રાજ્ય બનાવ્યું છે. તેઓ તેમની વ્યક્તિગત જીવનશૈલીને અપગ્રેડ કરવાને બદલે તેમની કમાણીનું ફરીથી રોકાણ કરે છે અને સાથી સમુદાયના સભ્યોને ટેકો આપે છે, આમ કરીને તેઓ પેઢીઓથી તેમના વ્યવસાયને આગળ વધારતા આવ્યા છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, અમેરિકામાં મોટેલ ક્ષેત્રમાં ગુજરાતી પટેલોની પકડ 1960ના દાયકાના મધ્યમાં જ શરૂ થઈ ગઈ હતી. 1990ના દાયકા સુધીમાં, અમેરિકામાં મોટેલ ઉદ્યોગ પર તેમની પકડ 50% સુધી વધી ગઈ. 1999માં, ન્યૂયોર્ક ટાઇમ્સે તેના આર્ટિકલ "A Patel Motel Cartel?" માં આ વાત પર પ્રકાશ પાડ્યો હતો. જો કે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં ગુજરાતી સમુદાયની પકડનો પાયો 1930ના દાયકાના મધ્યમાં નંખાયો હતો.

'સુરત ટુ સાન ફ્રાન્સિસ્કો: હાઉ ધ પટેલ્સ ફ્રોમ ગુજરાત એસ્ટાબ્લિશ્ડ ધ હોટેલ બિઝનેસ ઇન કેલિફોર્નિયા, 1942-1960' પુસ્તકના લેખક પત્રકાર મહેન્દ્ર કે દોશીએ હોટેલ માલિક પરિવારોની વાર્તાઓનું ડોક્યુમેન્ટેશન કર્યું છે. તેમના મતે, "અમેરિકામાં ભારતીય માલિકીની હોટલોના ગોડફાધર" તરીકે ઓળખાતા કાનજી મંચુ દેસાઈ 1934માં ત્રિનિદાદથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા આવ્યા હતા અને અમેરિકામાં પહેલા પટેલ હોટેલિયર બન્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેમણે સેક્રામેન્ટોમાં એક હોટેલની દેખરેખ રાખી હતી, જેના જાપાની-અમેરિકન માલિકને ઇન્ટર્નમેન્ટ કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા. યુદ્ધ પછીના અમેરિકામાં દેસાઈએ સાન ફ્રાન્સિસ્કોમાં હોટેલ ગોલ્ડફિલ્ડ ભાડે લીધી હતી, જ્યાં તેઓ ગુજરાતી ઇમિગ્રન્ટ્સને રાખતા હતા, હેન્ડશેક લોન ઓફર કરતા અને સલાહ આપતા કે -

"જો તમે પટેલ છો, તો હોટેલ ભાડે લો."

તેમના માર્ગદર્શનથી ચેઇન રિએક્શન શરૂ થયું, પરિવારો મિલકતો ખરીદવા માટે સંસાધનો એકત્રિત કરતા, ખર્ચ ઘટાડવા માટે ત્યાં જ રહેતા અને નફાનું ફરીથી રોકાણ કરીને વ્યવસાય આગળ વધારતા, જે હજુ પણ ચાલુ છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, 1950 અને 1960ના દાયકા સુધીમાં, 1965 પછીના યુએસ ઇમિગ્રેશન સુધારાઓને લીધે અમેરિકામાં પ્રવેશ સરળ બની ગયો, જેથી ગુજરાતીઓ વ્યવસાય તરફ આગળ વધ્યા. ગુજરાતીઓની સ્ટ્રેટેજી હતી કે તેઓ લોન ચૂકવવાને બદલે આગળ બીજાને લોન આપતા, જેનાથી તેમના નજીકના સંબંધીઓ બીજી મોટેલ ખરીદતા.

ઇન્ડિયા ટુડેના અહેવાલમાં ઇડાહોના એન્ટરપ્રેન્યોર નાથન બેરીના X થ્રેડને ટાંકીને જણાવાયું કે 1950 ના દાયકામાં ભારતીય પરિવારો પરિવારની સહાયથી સ્થળાંતર કરતા, અથાક મહેનત કરતા અને વધુ સંપત્તિ ખરીદવા માટે કમાણી ભેગી કરતા. વેન્ચર કેપીટાલીસ્ટ સિવા કોઝિન્સ્કીએ એક્સ પર પોસ્ટ કરી -

"પટેલોએ 70 વર્ષમાં 52-બિલિયન ડોલરનું મોટેલ સામ્રાજ્ય ઉભું કરી દીધું."

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી બિઝનેસ માસ્ટરમાઇન્ડ

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, અમેરિકામાં ગુજરાતીઓના વર્ચસ્વની ચાવી હતી - સામૂહિક ખરીદી અને કૌટુંબિક મજૂરી, ઓવરહેડ ખર્ચ ઘટાડવો અને કોમ્પિટિશન ઘટાડવી. ઘણા ગુજરાતીઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે અમેરિકા વસ્યા પરંતુ એક મોટું સામ્રાજ્ય ઉભું કરી દીધું.

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, ત્રણ શરૂઆતના પટેલો - નાનાલાલ પટેલ, કાનજી મંચુ દેસાઈ અને ડી લાલ - પનામા અને ત્રિનિદાદ થઈને ગેરકાયદેસર રીતે ઘૂસ્યા પછી મોટેલ ખરીદી, સ્ટાફને કાઢી મૂક્યા અને તેમના પરિવારને રોજગારી આપવા માટે સંસાધનો એકઠા કર્યા, જેનાથી કિંમતો ઘટી ગઈ અને મુશ્કેલીમાં મુકાયેલી મિલકતોને હસ્તગત કરી.

vtv app promotion

એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA) જેવા નેટવર્ક્સ, જેમાં 20,000 સભ્યો 33,000 મિલકતો ધરાવતા હતા, તેમણે સંમેલનો અને હિમાયત દ્વારા આ વધુ મજબૂત બન્યું, AAHOA એક ગુજરાતી-પ્રભુત્વ ધરાવતી સંસ્થા છે. આજે, મોટેલ, ગેસ સ્ટેશન અને સુવિધા સ્ટોર્સના ગુજરાતી માલિકો અબજોની આવક અને લાખો નોકરીઓ ઉત્પન્ન કરે છે. જ્યારે અમેરિકામાં ગુજરાતી માલિકીની મોટેલ અને વ્યવસાયો વિદેશમાં સમુદાયની સૌથી મોટી સફળતાની વાર્તાઓમાંની એક છે, ત્યારે અમેરિકાના દૂરના ખૂણામાં ભારતીયો સામે રોષની સાથે જાતિવાદ પણ થાય છે, જેના લીધે હોટલના માલિકો સાથે લૂંટફાટ, ગોળીબાર અને હત્યા જેવા ગુનાઓ બને છે.

આ પણ વાંચો: હવે OPT ઈન્કમ પર ટેક્સ લગાવવાની તૈયારી! અમેરિકામાં ભણતા ભારતીયો ખાસ વાંચે

તાજેતરના વર્ષોમાં, સમુદાયના નેતાઓએ હેટ-ક્રાઇમ અને ભારત વિરોધી ભાવનામાં થઇ રહેલા વધારા વિશે જણાવ્યું છે, ખાસ કરીને નાના અમેરિકન શહેરોમાં. મોટેલ અને ગેસ સ્ટેશનોના માલિક હોવું, એ તેમની સ્પષ્ટ સફળતા છે. પણ સાથે જ ગુજરાતીઓ જાતિવાદના ભોગ પણ બને છે.

વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ અને તેમના "મેક અમેરિકા ગ્રેટ અગેઇન" (MAGA) અભિયાન સાથે ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને દક્ષિણ એશિયનો પ્રત્યે દુશ્મનાવટમાં વધારો થયો. નોકરી ચોરી કરનારા તરીકે જોવામાં આવતા ભારતીયો, ખાસ કરીને નાના શહેર અમેરિકામાં, વધુને વધુ જાતિવાદ, તોડફોડ અને ટાર્ગેટેડ એટેકનો સામનો કરી રહ્યા છે. તેઓએ સમૃદ્ધિ મેળવી છે, પરંતુ આ વર્ષે મોટેલ, ગેસ સ્ટેશન અને કન્વીનિયન્સ સ્ટોર્સમાં સાત ગુજરાતીઓના મૃત્યુ દર્શાવે છે કે તેમાં ઉચ્ચ જોખમ સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujaratis in USA Gujaratis in Motel Business America Motel Business

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ