ભાભર પોલીસ મથકના કોન્સ્ટેબલ નાગજી ભાઈ ઠાકોરની કહેવાતી આત્મહત્યાને મામલે બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે પાલનપુરનાં ગુરુનાનક ચોક ખાતે પૂતળા દહન કરાયું હતુ. ત્યારબાદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતુ. ક્ષત્રિય ઠાકોર સેનાએ કોન્સ્ટેબલની આત્મહત્યાનાં મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
બનાસકાંઠાનાં ભાભર પોલીસ મથકનાં કોન્સ્ટેબલ નાગજીભાઈ ઠાકોરની આત્મહત્યાનું રહસ્ય હજુ અકબંધ છે. ગતરોજ નાગજી ભાઈનો મૃતદેહ ભાભર નજીક રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો હતો. જોકે મૃતકે આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઇડ નોટમાં રાજકીય અગ્રણીઓ પોલીસ તેમજ બુટલેગરનો ઉલ્લેખ કર્યો હતો. જોકે વ્યસન્મુક્તિ અભિયાનને ટેકો આપતા આ કોન્સ્ટેબલના મોતથી ઠાકોર સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. અને આ સંદર્ભે બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે પાલનપુર ગુરૂનાનક ચોક ખાતે 3 પૂતળાનું દહન કરાયું હતુ ભ્રષ્ટ નેતા બુટલેગર અને પોલીસ અધિકારીનાં પૂતળા દહન બાદ ઠાકોર સેનાએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. આ મામલાની સીબીઆઇને તપાસ સોંપવાની માંગ કરાઈ હતી અને આરોપીઓને 4 દિવસમાં પકડી પાડવાનું અલ્ટીમેટમ આપ્યું હતુ અને જો 4 દિવસમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો ક્ષત્રિય ઠાકોર સેનાનાં જિલ્લા પ્રમુખ મેલાજી ઠાકોરે બનાસકાંઠા બંધની ચિમકી ઉચ્ચારી છે. જોકે કોન્સ્ટેબલની હત્યાનાં મામલામાં સ્યુસાઇડ નોટને આધારે 8 સામે ફરીયાદ નોંધાઇ છે.