બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Politics / new cm of rajasthan : vasundha raje scindia and om mathur into race
Parth
Last Updated: 08:56 AM, 10 December 2023
ADVERTISEMENT
ત્રીજી ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીએ હિન્દી હાર્ટલેન્ડના ત્રણ મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરી. જોકે આજે એક સપ્તાહ પૂર્ણ થયા બાદ પણ નવા મુખ્યમંત્રીઓના નામનું એલાન કરવામાં આવ્યું નથી. ચૂંટણી પરિણામો આવ્યાના એક અઠવાડિયા પછી પણ ભાજપ નક્કી નથી કરી શકી કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ બનશે. મુખ્યમંત્રીનું નામ નક્કી કર્યા બાદ પાર્ટીની અંદર કોઈપણ પ્રકારના જૂથવાદને કારણે થતા નુકસાનને ટાળવાના ઈરાદાથી ભાજપ સમજી વિચારીને નિર્ણય લેવા માંગે છે. આ સાથે જ એમ પણ કહેવાય રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ આ વિલંબનું મોટું કારણ હોય શકે છે.
રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈને ફરીવાર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે, સવાલ એ થાય છે કે કયા નેતાને પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહ પસંદ કરે છે. વસુંધરા રાજેની વાપસી કે પછી નવા નેતાને મોકો આપવામાં આવશે. આજે છત્તીસગઢમાં નવા CMનું એલાન કરી દેવામાં આવશે જ્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સોમવાર સુધી સસ્પેન્સ યથાવત રહે તેવી શક્યતાઓ છે.
ADVERTISEMENT
ઓમ માથુરનું નામ હવે સૌથી આગળ
રાજસ્થાનમાં વસુંધરા રાજે, ઓમ માથુ, કિરોડી લાલ મીણા, અશ્વિની વૈષ્ણવ, અર્જુન મેઘવાલ, ગજેન્દ્ર સિંહ શેખાવતનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જોકે કિરોડી લાલ મીણા તથા બાબા બાળકનાથે પોતે જ રેસમાં ન હોવાનું એલાન કર્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર લડી છે, એટલે નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે નિશ્ચિત છે, જેના કારણે વસુંધરા રાજેનું પત્તું કપાઈ શકે છે. જો વસુંધરાને જ CM બનાવવાના હોત તો ભારતીય જનતા પાર્ટીએ પહેલા જ એલાન કરી દીધું હોત.
ઓમ માથુરનું નામ પણ રેસમાં આગળ ચાલી રહ્યું છે. તેઓ સંગઠનમાં લાંબા સમયથી કામ કરી રહ્યા છે અને જે પણ રાજ્યમાં તેમને જવાબદારી આપી ત્યાં પાર્ટીને જીત અપાવી છે પછી એ યુપી હોય કે પછી છત્તીસગઢ.
બીજી તરફ ગજેન્દ્ર સિંહ શેખાવતનું નામ પણ રેસમાંથી બહાર થઈ રહ્યું છે. ભલે તેઓ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહની નજીક હોય પરંતુ તેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ છે. ઉપરાંત વસુંધરા રાજે તથા તેમના નેતાઓ સાથે ગજેન્દ્ર સિંહનો 36નો આંકડો છે.
એક CM, બે ડેપ્યુટી CM અને સ્પીકર પદ પર દલિત મહિલા
રાજનીતિની ગલીઓમાં એવી ચર્ચા છે કે ભાજપ તરફથી મુખ્યમંત્રીના નામની ઘોષણાના આ વિલંબનું એક કારણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાજિક અને રાજકીય ગણિત વિશે જાણવાનું પણ છે. એવામાં પાર્ટી રાજસ્થાનમાં મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી CM પણ બનાવી શકે છે. હવે અંહિયા ગણિત વિશે વાત કરીએ તો આ ત્રણેય પદો પર રાજપૂત, બ્રાહ્મણ, મીણા અને જાટ સમુદાયના નેતાઓની નિમણૂક કરીને આ સમુદાયોને ભાજપ સાથે જોડાયેલા રાખી શકે છે. આ સાથે જ પાર્ટી સ્પીકર તરીકે કોઈ દલિત મહિલા ધારાસભ્યને તક આપીને આ વર્ગને રીઝવવાના પ્રયાસો પણ કરી શકે છે.
કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ નામ જાહેર કરવામાં આવશે
કહેવાય રહ્યું છે કે આ બધા પાછળ ભાજપનો ઇરાદો એવો છે કે પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બધા જ સમુદાયોના લોકોને મહત્વપૂર્ણ પદો પર બેસાડીને આવનાર ચૂંટણીમાં એમના વોટ મેળવી શકે. આ સાથે જ એવી પણ વાત ચાલી રહી છે કે ભાજપના નેતાઓ આ વ્યૂહરચના અંગે ચર્ચા કરી રહ્યા છે અને કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ જ તેને આગળ વધારવામાં આવશે. એકવાર મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ જાય પછી નાયબ મુખ્યમંત્રી અને સ્પીકરને લઈને આ રણનીતિને આગળ વધારી શકાય છે.
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના સમયથી ભાજપ પર વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા તેમના સમુદાયમાંથી આવતા નેતાઓને તેમની જ્ઞાતિ-સમુદાયની સંખ્યા અનુસાર ઉમેદવાર બનાવવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. હવે પરિણામો બાદ પણ આ દબાણ યથાવત છે. આગામી લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી આ બમ્પર જીતનો લાભ લેવા માટે ભાજપ પણ તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.