ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અસારવામાં પાણીની ટાંકીમાંથી મળેલાં માનવ કંકાલની ઓળખનું રહસ્ય ઘેરાયું
Last Updated: 01:50 PM, 15 October 2026
ADVERTISEMENT
અમદાવાદના અસારવા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) સંચાલિત પાણીની ટાંકીમાંથી મળી આવેલાં માનવ કંકાલની ઓળખ કરવાના પ્રયાસોને પ્રારંભિક ડીએનએ પરીક્ષણમાં સફળતા ન મળતાં તપાસ અટવાઈ છે. મૃતકની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)એ વધુ તપાસ માટે પોલીસ પાસે રહેલા અનામત નમૂનાઓની મદદ લેવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
સિવિલ હોસ્પિટલ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ તપાસ બાદ પુષ્ટિ કરી છે કે મળી આવેલા અવશેષો માનવના છે, જોકે ડીએનએ પ્રોફાઈલ તૈયાર કરવા માટે મોકલવામાં આવેલાં હાથના હાડકાંમાંથી ડીએનએ મેળવી શકાયું નથી. લાંબા સમય સુધી પાણીમાં રહેવાના કારણે હાડકું સડી ગયું હોવાની આશંકા છે.
સિવિલ હોસ્પિટલ અને એફએસએલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર વિવિધ પરીક્ષણોમાં અવશેષો માનવના હોવાનું સામે આવ્યું છે, પરંતુ મૃતકનું લિંગ અને ઓળખ હજુ જાણી શકાયાં નથી. હાથનાં હાડકાંની સરખામણીએ ખોપરી અથવા જાંઘનાં હાડકાંમાંથી ઉપયોગી ડીએનએ નમૂનો મળવાની શક્યતા વધુ હોવાથી તપાસમાં આવા નમૂનાઓ મહત્ત્વના બની શકે છે.
ADVERTISEMENT
એફએસએલ હવે પોલીસ પાસે રહેલા નમૂનાઓની વધુ તપાસ કરશે. જો તેમાંથી સફળતાપૂર્વક ડીએનએ મેળવી શકાય તો તપાસકર્તાઓને મૃતકની ઓળખ સ્થાપિત કરવામાં પ્રગતિ થઈ શકે છે.
પાણીની ટાંકીમાં માનવ કંકાલ કેવી રીતે પહોંચ્યાં?
ADVERTISEMENT
શાહીબાગ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે માનવ કંકાલ પાણીની ટાંકીમાં કેવી રીતે પહોંચ્યાં. તપાસના એક સંભવિત પાસા તરીકે કોઈ વ્યક્તિ અકસ્માતે ટાંકીમાં પડી ગઈ હતી કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે. પોલીસ ટાંકીના પરિસર અને તેની આસપાસની અવરજવર અંગેની માહિતી પણ એકત્રિત કરી રહી છે, જોકે અત્યાર સુધી આ મામલે કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી.
અસારવા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટરની ટાંકીમાંથી ખોપરી અને બે-ત્રણ હાડકાં મળી આવતાં તેની જાળવણી અંગે પણ સવાલો ઊભા થયા છે. એએમસીના સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર દર છ મહિને સફાઈ કરવાની જોગવાઈ હોવા છતાં ટાંકીની છેલ્લે સફાઈ જાન્યુઆરી-ર૦૨૫માં કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.