ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિકાસથી વંચિત રહી ગયું અમરેલીનું આ ગામ, આંગણવાડી પણ નથી, ખુલ્લામાં બેસી ભણવા મજબૂર બન્યાં બાળકો
Last Updated: 05:04 PM, 12 October 2026
ADVERTISEMENT
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાનપર ગામમાં બાળકોના શિક્ષણ અને સુરક્ષાને લઈને એક ગંભીર સ્થિતિ સામે આવી છે. ગામમાં સરકારી સુવિધાઓ અને વિકાસના દાવાઓ વચ્ચે નાના બાળકોને ભણવા માટે યોગ્ય જગ્યા પણ ઉપલબ્ધ નથી. સાડા ત્રણ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા દસ વર્ષથી આંગણવાડી નથી. પરિણામે, 40થી 50 જેટલા નાનાં ભૂલકાં રોડના કાંઠે ગંદકી અને જીવજંતુઓ વચ્ચે લીમડાના ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યાં છે. કાળઝાળ ગરમી હોય, કડકડતી ઠંડી હોય કે ચોમાસાની ઋતુ, બાળકોને ખુલ્લા વાતાવરણમાં જ ભણવું પડે છે. આ સ્થિતિને કારણે બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ખાનપર ગામમાં અગાઉ આંગણવાડી હતી, પરંતુ સમય જતાં આંગણવાડીનું મકાન જર્જરિત થઈ ગયું હતું. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જર્જરિત મકાનને પાડી નાખવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ બાળકો માટે નવી આંગણવાડી બનાવવાની જરૂરિયાત હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી.
ADVERTISEMENT
આંગણવાડીનું જૂનું મકાન તોડી પાડવામાં આવ્યા બાદ તે જગ્યાએ દસ વર્ષ પહેલાં ગ્રામજનોએ મંદિર બનાવી દીધું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ગામમાં નવી આંગણવાડી ઊભી થઈ શકી નથી. આટલા લાંબા સમયગાળા દરમિયાન પણ બાળકોને યોગ્ય જગ્યાએ અભ્યાસ કરવાની સુવિધા ન મળતાં સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
હાલમાં ગામનાં 40થી 50 જેટલાં નાનાં બાળકો લીમડાના ઝાડ નીચે બેસીને અભ્યાસ કરે છે. બાળકોને ભણવા માટે કોઈ યોગ્ય મકાન કે સુરક્ષિત જગ્યા ઉપલબ્ધ ન હોવાથી ખુલ્લા વાતાવરણમાં જ બેસવું પડે છે. આ જગ્યા રોડના કાંઠે આવેલી હોવાથી બાળકો માટે અકસ્માતનો પણ સતત ભય રહે છે. આ ઉપરાંત, આસપાસ ગંદકી અને જીવજંતુઓની હાજરીને કારણે બાળકોના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા વધી છે. નાના બાળકો માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ ખૂબ જરૂરી છે, પરંતુ ખાનપર ગામમાં બાળકોને આવી પાયાની સુવિધા પણ મળી રહી નથી. ગરમીમાં તડકો, ઠંડીમાં ઠંડું વાતાવરણ અને ચોમાસામાં વરસાદ જેવી પરિસ્થિતિઓ વચ્ચે બાળકોને અભ્યાસ કરવો પડે છે.
ADVERTISEMENT
ગામમાં આંગણવાડી ન હોવાને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાના બાળકોના શિક્ષણ, સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને વાલીઓ સતત ચિંતિત છે. બાળકોને યોગ્ય જગ્યાએ ભણવાની સુવિધા મળે અને તેમને જોખમી પરિસ્થિતિમાં બેસવું ન પડે, તેવી તેમની માંગ છે. સ્થાનિક લોકો અને વાલીઓએ VTV ન્યૂઝના માધ્યમથી તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે જવાબદાર અધિકારીઓ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે અને ગામમાં બાળકો માટે સારી સુવિધાઓ ધરાવતી નવી આંગણવાડી બનાવવામાં આવે.
ADVERTISEMENT
ખાનપર ગામની આ સ્થિતિએ નાના બાળકો માટેની પાયાની સુવિધાઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક તરફ બાળકોના શિક્ષણ અને વિકાસને મહત્ત્વ આપવામાં આવે છે, તો બીજી તરફ ગામનાં ભૂલકાંને છેલ્લા દસ વર્ષથી આંગણવાડી જેવી જરૂરી સુવિધા મળી નથી.
આ પણ વાંચો : વડોદરાના યુનાઈટેડ વે ગરબામાં વિવાદ, 3 બિનહિન્દુ યુવકોને પોલીસને સોંપ્યા
હવે સ્થાનિક લોકો અને વાલીઓની નજર તંત્ર પર છે. શું જવાબદાર અધિકારીઓ આ સમસ્યાને ગંભીરતાથી લઈને નવી આંગણવાડીનું નિર્માણ કરાવશે? કે પછી બાળકોને હજુ પણ લીમડાના ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવાની મજબૂરીનો સામનો કરવો પડશે? હાલ ગ્રામજનોની મુખ્ય માંગ એટલી જ છે કે તંત્ર વહેલી તકે જાગે અને ખાનપર ગામનાં બાળકોને સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરવાની યોગ્ય સુવિધા પૂરી પાડે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.