હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે સાંજે મોડી રાત્રે વાવાઝોડું જખૌ ટકરાશે તેમજ તેની તે સમયની સ્પિડ 110થી 125 રહેવાની સંભવનાઓ છે.
બિપરજોય અંગે હવામાન વિભાગની આગાહી
"આજે સાંજે વાવાઝોડું લેન્ડફોલ થશે"
"અત્યારે વાવાઝોડું જખૌથી 140 કિમી દૂર"
ગુજરાત પર તોળાતા ખતરા બિપરજોય વાવાઝોડાને લઈ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે સાંજે મોડી રાત્રે વાવાઝોડું જખૌ ટકરાશે તેમજ તેની તે સમય તેની સ્પિડ 110થી 125 રહેવાની સંભવનાઓ છે.
'વરસાદ ભારેથી અતિભારે વરસી શકે છે'
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે વરસાદ ભારેથી અતિભારે વરસી શકે છે. તેમજ અત્યારે વાવાઝોડું જખૌ પોર્ટથી 140 કિમી દૂર છે. વધુમાં જણાવ્યું છે કે, વાવાઝોડું 5 કિમીની ઝડપે દરિયામાં આગળ વધી રહ્યું છે અને ઉત્તર પૂર્વીય દિશામાં આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. દ્વારકા અને કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર થશે. અમદાવાદમાં પણ વાવાઝોડાની અસર થશે.
'ઉત્તર પૂર્વીય દિશામાં વાવાઝોડુ આગળ વધી રહ્યું છે'
બિપરજોયને લઈ હવામાન વિભાગના અધિકારીએ કહ્યું કે, ઉત્તર પૂર્વીય દિશામાં આ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે તેમજ દ્વારકા, કચ્છ અને અમદાવાદમાં પણ વરસાદ થશે.
કચ્છમાં ફૂંકાઈ શકે છે 125થી 135 કિમીની ઝડપે પવન
ભારે પવન ફૂંકાવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે જામનગર, દ્વારકા, કચ્છમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે મોરબીમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદરમાં 80થી 100 કિમીની ઝડપે, જૂનાગઢ-ગીર સોમનાથમાં 60થી 80 કિમીની ઝડપે, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
મહેસાણા અને ગાંધીનગરમાં પણ ફૂંકાઈ શકે છે ભારે પવન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખેડા, મહેસાણા, મહિસાગરમાં 50 કિમીની ઝડપે, દાહોદ, વડોદરા અને પંચમહાલમાં પણ 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે જખૌ નજીક બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. વાવાઝોડાને કારણે આજે જે વરસાદ પડશે. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં વર્તાશે. તેઓએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું કચ્છ, માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ અસર કરશે. જ્યારે કચ્છમાં તબાહી મચાવે તેવો વરસાદ થવાની શકયતા છે. આજે સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે. આજે ઓખા, દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ રહેશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે.