બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 700 વર્ષ જૂના કેદારેશ્વર મહાદેવ; એક ગાય રોજ દૂધથી અભિષેક કરતી, માલિકને સપનામાં આવ્યા મહાદેવ

દેવ દર્શન / 700 વર્ષ જૂના કેદારેશ્વર મહાદેવ; એક ગાય રોજ દૂધથી અભિષેક કરતી, માલિકને સપનામાં આવ્યા મહાદેવ

Last Updated: 07:13 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેદારેશ્વર મંદિર સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ હોવાની સાથે જ્યોતિર્લીંગ સમાન છે અને મંદિરનું ધાર્મિક રીતે જ નહિ પણ રાષ્ટ્રીય રીતે પણ વિશેષ સ્થાન ધરાવે છે

સુરત જિલ્લાના બારડોલી નજીક મીંઢોળા નદીના કિનારે ૭૦૦ વર્ષ જુનું પૌરાણિક '' કેદારેશ્વર મહાદેવ '' નું મંદિર આવેલું છે. શ્રી કેદારેશ્વર મહાદેવનું સુપ્રસિદ્ધ પ્રાચીન મંદિર બારડોલી ધૂલિયા રોડ પર બારડોલીથી આશરે ચાર કિ.મી. દૂર આવેલુ છે. શ્રી કેદારેશ્વર મહાદેવના દિશા સૂચન બોર્ડ પાસે ડાબે વળતા- ભવ્ય કમાન છે. ત્યાંથી થોડેક જ દૂર મંદિરનું સ્થાન છે.

મંદિર પાછળની લોકવાયકા

પવિત્રધામની મધ્યે શ્રી શિવનું પ્રાગટય રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું પેઢીઓથી કહેવાતું આવ્યું છે. તે પ્રમાણે આ સ્થળ અસલ જંગલનો છેવાડાનો ગોચર વિભાગ હતો. અહીં નિયમિત ઢોર ચારવા લવાતા હતા. તે સમયે કોઈ એક ગાય રોજ એક જગ્યાએ ઉભી રહી પોતાના દૂધની શેર છોડતી હતી. આથી ઘરે ગાયનું દૂધ ઓછું નીકળતું. શ્રી શિવજીએ સ્વપ્નમાં ગાયના માલિકને ત્યાં ખનન કરી શિવને બહાર કાઢવા પ્રેરણા આપી. આથી અહીં મંદિર બન્યું.

સ્વયંભૂ પ્રગટ શિવનું સ્વરૂપ શિલારૂપે

શિવ પંચાયતન તથા વિઘ્ન નિવારણ સ્વરૂપ હનુમાનજીની ધોકાવાળી મોટી મૂર્તિ પુરાણકાળથી સ્થપાયેલ છે. વાસ્તવિકતા એ છે કે અહીં પ્રાચીન સમયથી સ્વયંભૂ પ્રગટ શિવનું સ્વરૂપ શિલારૂપે છે. ભવ્ય ચાંદીનો મોટો નાગ, આરસનું થાળું, છત્ર અને જલધારા માટે કમાનની રચના છે. મંદિર એકથી વધુ વખત નિર્માણ થયાનું જણાય છે. જૂના પત્થરો જે લાલ રંગના છે તેના અવશેષ તથા કોતરણી અને અન્ય વસ્તુ જોતાં, પહેલાં આ પથ્થરોનું ભવ્ય મંદિર ભગ્નાવશેષ થતાં હાલનું મંદિર થયું હશે તેમ મનાય છે.

પવિત્ર યાત્રાધામ હોવાની સાથે જ્યોતિર્લીંગ સમાન

કેદારેશ્વર મંદિર સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ હોવાની સાથે જ્યોતિર્લીંગ સમાન છે અને મંદિર ધાર્મિક રીતે જ નહિ પણ રાષ્ટ્રીય રીતે પણ વિશેષ સ્થાન ધરાવે છે. છત્રપતિ શિવાજી મહારાજ આ જ રસ્તેથી સુરત પર ચડાઈ કરવા જતા હતા. તેઓએ શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરે પધારીને શ્રધ્ધાપૂર્વક શિવનું પૂજન વગેરે કરીને તથા પવિત્ર મંદિર શિખરે સ્વયં ભગવી ધજા ચઢાવી શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યાનું કહેવાય છે.

અલગ અલગ મહાનુભવોના અનુભવો

સ્વામી શ્રી સત્યમિત્રાનંદગિરીજી બારડોલી પધાર્યા ત્યારે શ્રી કેદારેશ્વર મહાદેવના દર્શન પૂજન કરતા એવા ભાવાવેશમાં આવ્યા હતા કે એમને અહીં સાક્ષાત્ હિમાલયના કેદારનાથ મંદિર જેવી જ્યોતિની લાગણીઓ થઈ હતી.

હિમાલય નિવાસી તપસ્વી અને મહાજ્ઞાની શ્રી પરમત્યાગી પ.પૂ. અભિરામદાસ બાબા શ્રી કેદારેશ્વર મહાદેવના દર્શને પધાર્યા હતા. તેઓને અહીં પશુપતિનાથના જેવી અનુભૂતિ થઈ હતી....

શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર એકાંત અને નદી કિનારે હોઈ કેટલાય સંતો-સાધકો, અઘોરી બાવાઓ, નાથપંથી સાધુઓ વગેરે પુણ્યકારીજનો અહીં આવી રહે છે અને તેમની સાધના-ભકિત-અનુષ્ઠાન, યજ્ઞ તથા તપશ્ચર્યાને કારણે આ દૈવધામ વધુ કરુણાવંત થાય છે.

ચૈત્ર માસની પુનમે મેળો ભરાય છે

ચૈત્ર માસની પૂનમે કેદારેશ્વર મહાદેવના મંદિરે મોટો મેળો ભરાય છે મેળામાં મોટી સંખ્યામાં લોકો આવી આનંદ માણે છે. કેદારેશ્વર મહાદેવની ખાસ પૂજા કરવી અને સગાવ્હાલાં, મિત્રો, સ્નેહીઓ તથા બ્રહ્મભોજન કરાવવું એ પુણ્યકાર્ય ગણાય છે.

પાંચેય મહાદેવ મંદિરના એક સાથે દર્શન કરવાનું મહત્વ

સ્વયંભૂ શિવલિંગ તરીકે જ્યારે કેદારેશ્વર મહાદેવથી પ્રસિદ્ધ થયા અને પાંચ ભાઈઓના દર્શન કરવા એવી પણ એક લોકવાયકા છે. મોટાભાઈ કેદારેશ્વર મહાદેવ મંદિર, બાલપુર વ્યારામાં આવેલ કડમેશ્વર મહાદેવ મંદિર, કનાવમાં આવેલ કણકેશ્વર મહાદેવ મંદિર, કતારગામમાં આવેલ કંટાળેશ્વર મહાદેવ મંદિર અને પેરા સણનામાં આવેલ કપિલેશ્વર મહાદેવ મંદિર, એવી લોકવાયકા છે કે આ પાંચેય મહાદેવ મંદિરના એક સાથે દર્શન કરવામાં આવે તો ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

આ પણ વાંચોઃ ભોળાનાથ સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા, લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બીલીમોરાનું સોમનાથ મહાદેવ મંદિર

કેદારેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર, મહારુદ્ર જેવી શિવપૂજા તેમજ કથા, મૂળ વિધાન, લગ્ન વગેરે અનેક કારણોથી અહીં પ્રસંગ ઊજવવા લોકો આવે છે. અહીં આવવાથી લોકોને શાંતિ મળે છે. શહેરથી થોડે જ દૂર એકાંત અને નૈસર્ગિક વાતાવરણ તથા સુવિધાને લઈ ભકતો વાહનો તથા ચાલતા શ્રી કેદારદાદાના દર્શન કરવા અને ફરવાનાં આશયથી પણ આવે છે

સંકળાયેલા મુદ્દાઓ

Shiv Temple Kedareshwar Mahadev Dev Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ