બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ભોળાનાથ સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા, લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બીલીમોરાનું સોમનાથ મહાદેવ મંદિર
Last Updated: 07:24 AM, 25 May 2024
બીલીમોરામાં આવેલુ દક્ષિણ ગુજરાતનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ, પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના દર્શનાર્થે વિદેશ અને ભારતભરમાંથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. બીલીમોરામાં આવેલા લોકોની આસ્થાના પ્રતીક સમા ભગવાન ભોળાનાથ શંભુ મહાદેવના પૌરાણિક સોમનાથ મંદિરમાં ભગવાન ભોળાનાથ સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે. 11મી 12મી સદીના સોલંકીયુગથી આ મંદિર લોકોમાં શ્રદ્ધા નું અનેરું મહત્વ ધરાવે છે.
ADVERTISEMENT
બીલીમોરામાં સોમનાથ મહાદેવ બિરાજમાન
ADVERTISEMENT
108 ફૂટ ઊંચા શિખર ઉત્તમ કલા કારીગીરી સાથે મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરની બહાર ઉત્તરમાં ગૌમુખી વહે છે. મંદિરમાં એક તરફ ગણપતિ બાપ્પા અને બીજી તરફ હનુમાનજી બિરાજે છે. તેમજ ભગવાન ભોળાનાથના શિવલિંગ સામે માતા પાર્વતી બિરાજમાન છે. મંદિરની સામે ભગવાન ભોળાનાથ શંકરનું વાહન નંદી સાથે કાચબો બિરાજમાન છે. વર્ષો પહેલા રાજા ઢોરોને ચરાવવા ગોવાળ ઝાડી જંગલ તરફ લઈ જતા. બધા ઢોરોમાંથી એક દુધાળી ગાય ધણમાંથી છૂટી પડી ઝાડી ઝાંખરામાં ચોક્કસ સ્થાને તેના આંચળમાંથી દૂધની ધારા કરતી હતી. આ વાતની જાણ ગોવાળને થતા, તેણે સમગ્ર ઘટનાની જાણ રાણીને કરી. રાણી સ્થળ પર જઈ તપાસ કરી અને ગાય જ્યાં દૂધની ધારા કરતી હતી તે સ્થાને સફાઈ કરી. તો ત્યાં મહાદેવજીનું શિવલિંગ દેખાયું હતું. અને તેણે રોજ શિવલિંગનુ પૂજનઅર્ચન કરવાનુ ચાલુ કરી દીધુ. રાણી રોજ જંગલ તરફ જતી હતી એટલે તેના રાજાને શંકા થઈ. અને એક દિવસ રાજાએ રાણીનો પીછો કરી શિવલિંગના સ્થાને પૂજા કરતી રાણીને મારવા તલવાર ઉગામી, પરંતુ ચમત્કારીત શિવલિંગના દર્શનથી તલવાર ઉગામેલો તેનો હાથ હવામાંજ થંભી ગયો. નિત્ય પૂજા કરતી ધ્યાનમાં બેઠેલી રાણીની આંખો ખુલતા તેણે પોતાની પાછળ તલવાર ઉગામેલ અવસ્થામાં તેના પતિને જોતા એકદમ ભયભીત થઈ ગઈ અને ડરના માર્યા તેણીએ હે ભગવાન ભોળાનાથ મને બચાવોના ઉદ્દગાર કરી શિવલિંગને ભેટી પડતા અચાનક જમીનમાંથી શિવલીંગ જમીન બહાર આવ્યું અને તેમાં બે ફાડચા થયા હતા. જેમાં રાણી સમાઈ ગઈ હતી.
મહાદેવજીના દર્શને દેશ વિદેશની ભાવિકો આવે છે
રાણીને ભગવાન ભોળાનાથના ચરણોમાં સમાઈ તે સમગ્ર ઘટના નજરે જોનાર રાજાએ સમગ્ર ઘટનાની જાણ કરતા લોકોએ શિવલિંગની પૂજા અર્ચના કરવાનુ ચાલુ કર્યુ અને સમય જતાં પૌરાણિક શિવલિંગનું મહત્વ લોકોના ધ્યાને આવતા આ સ્થળ પર મંદિર બાંધવામાં આવ્યુ હતુ. સોલંકી શાસનકાળમાં સ્વયંભુ પ્રગટ થયેલા પૌરાણિક શિવલિંગની મહિમા અનેરી છે. વર્ષો પહેલા બીલીમોરા નજીકના ગણદેવીગામમાં રહેતા દેસાઈજી કુટુંબના વડાને મહાદેવજીએ સ્વપ્નમાં આવી શિવલિંગની વાત જણાવી હોવાની લોકવાયકા છે. સ્વપ્ન પરથી પ્રેરણા લઈ દેસાઈજી કુટુંબે જીર્ણ થયેલા શિવમંદિરનો 1925માં જીર્ણોદ્ધાર કર્યો હતો. મહાદેવજીના દર્શને દેશ વિદેશની ભાવિકો આવે છે અને ભોળેબાબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે
સોલંકીયુગથી આસ્થાનું કેન્દ્ર
પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ પૌરાણિક શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણમાસમાં સોમનાથ મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. મહાદેવના દર્શન કરી ભાવિકો મેળાની મોજ પણ માણે છે. વર્ષોથી મહાદેવના દર્શને આવતા ભાવિકોની સોમનાથદાદામાં અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે મહાદેવજીના દર્શન કરવાનુ ચૂકતા નથી. આખા માસમાં બ્રહ્મમુહૂર્તમાં રણકતા ઘંટારવ અને ૐ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે. વહેલી સવારથી મોડી રાત સુધી લોકો દર્શનનો લાભ લેય છે. સોમનાથ દર્શને આવતા દર્શનાર્થીઓ નજીકમાં આવેલા ગાયત્રી મંદિર, જલારામ મંદિર અને સાંઈ બાબાના મંદિરના દર્શનનો પણ લ્હાવો લેવાનું ચુકતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.