બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / મિત્રતાના નામે કલંક! આ એક ભૂલ અમેરિકામાં રહેતા ગુજરાતી યુવકને ભારે પડી, છ મહિનાથી છે જેલમાં
Last Updated: 12:14 PM, 11 June 2024
વિદેશ ભણવા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું ગુજરાતીઓને ઘેલું લાગ્યું છે. વિદેશ જવા માટે ગુજરાતીઓ અવનવા રસ્તાઓ અપનાવે છે. કાયદેસર રીતે ન જવાય તો ગેરકાયદે પણ અમેરિકા જવાનું ચલણ વધી રહ્યું છે. પણ આમાં ક્યારેક ગુજરાતીઓની હાલત ખરાબ પણ થઈ રહી છે. હમણાં-હમણાં આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે આજે આવા જ એક કિસ્સા વિશે વાત કરીએ કે જેમાં અમેરિકા અભ્યાસ કરવા ગયેલા ગુજરાતી યુવકને અમેરિકાની જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
ન્યૂજર્સીમાં રહેતો એક ગુજરાતી યુવક ફ્લોરિડા એક પાર્સલ કલેક્ટ કરવા ગયો હતો અને સીધો જ જેલ પહોંચી ગયો. આ યુવક છ મહિનાથી જેલમાં બંધ છે. ત્યારે તેના ભરોસે અમેરિકા ગયેલા તેના માતાપિતાની હાલત કફોડી થઈ ગઈ છે. આ યુવકને તેના અમદાવાદમાં રહેતા એક મિત્રએ ફોન કરીને ન્યૂજર્સીથી ફ્લોરિડા પાર્સલ લેવા જવા રિક્વેસ્ટ કરી હતી. યુવકે મિત્રનું કામ કરવાની મનાઈ કરી તો મિત્રએ તેને પ્રેશર કર્યું અને પૈસાની લાલચ આપી. અમદાવાદમાં રહેતા મિત્રએ ડિસેમ્બર 2023માં યુવકને ફોન કરીને ફ્લોરિડાથી એક પાર્સલ કલેક્ટ કરવા માટે રિક્વેસ્ટ કરી. યુવકે આનાકાની કરી તો આ કામના બદલામાં 400 ડોલર આપવાની અને આવવા-જવાનો ખર્ચો આપવાની પણ તેના મિત્રએ તૈયારી બતાવી. આ યુવકને મિત્રની વાતમાં આવીને પાર્સલ કલેક્ટ કરીને 400 ડોલર કમાવવાની તક ખૂબ જ ભારે પડી છે.
એ જાણકારી વિના જ કે પાર્સલમાં શું છે અને ક્યાં પહોંચાડવાનું છે, ગુજરાતી યુવક ન્યૂજર્સીથી ફ્લોરિડા તો પહોંચી ગયો, જેવો એ તેને આપવામાં આવેલા એડ્રેસ પર પહોંચ્યો તો તરત જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. ગુજરાતી યુવક પર અમેરિકામાં સિનીયર સિટિઝન્સની સાથે ઠગાઈ કરીને તેમની પાસેથી મોટી રકમ પડાવતી ગેંગ તરફથી પૈસા કલેક્ટ કરવા સહિતના બીજા ગંભીર આરોપ લાગ્યા છે, અને તે આજે પણ જેલમાં બંધ છે. FBI તેની સામે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
હવે ખરાબ હાલત તો તેના માતાપિતાની થઈ ગઈ છે કે તેમનો એકનો એક દીકરો છેલ્લા 6 મહિનાથી જેલમાં બંધ છે. આ યુવક સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકામાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરવા માટે ગયો હતો અને પછી અભ્યાસ પૂર્ણ થયા પછી તેને ત્યાં વર્ક પરમિટ પણ મળી ગઈ. જેથી તેને તેના માતાપિતાને પણ વિઝિટર વિઝા પર અમેરિકા બોલાવી લીધા. આ પછી માતાપિતા પણ સ્ટેટસ બદલીને અમેરિકા જ રોકાઈ ગયા. આ ગુજરાતી યુવક અમેરિકામાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે મહેનત કરી રહ્યો હતો. જો કે બિઝનેસ શરૂ કરતા પહેલા યુવક નોકરીની સાથે છૂટક કામ પણ કરી રહ્યો હતો. એવામાં જ તેને તેના મિત્રનો અમદાવાદથી ફોન આવ્યો અને પૈસાની લાલચે મિત્રનું કામ કરવા જતા તેની સાથે જોવાજેવી થઈ ગઈ.
હવે આ યુવકના પિતાનું કહેવું છે કે દીકરાને છોડાવવા માટે તેમણે અત્યાર સુધીમાં વકીલને 20 હજાર ડોલર જેટલી રકમ ચૂકવી છે, પણ દીકરો જેલમાંથી ક્યારે બહાર આવશે એ નક્કી નથી. એકનો એક દીકરો જેલમાં છે, ત્યારે આ ગુજરાતી પરિવાર માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. યુવકના પિતા ત્યાં જે પણ કોઈ છૂટક કામ મળે એ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે અમેરિકામાં રહેતા આ પરિવારની સ્થિતિ ઘણી કફોડી બની ગઈ છે.
વધુ વાંચો: કેનેડામાં ભારતીય મૂળની ગોળી મારીને હત્યા, થોડી જ ક્ષણો પહેલા માંને કહ્યું હતું 'ગુડનાઇટ'
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં આવી જ રીતે કેટલાય ગુજરાતીઓ પકડાયા છે અને જેલની હવા ખાઈ રહ્યા છે. ઘણા એવા કૉલ સેન્ટર્સ ચાલે છે કે જે અમેરિકાના સિનીયર સિટીઝન્સને ટાર્ગેટ બનાવીને તેમની પાસેથી પૈસા પડાવી લે છે અને પાર્સલ કલેક્ટ કરવા માટેનું કામ એવા લોકોને સોંપવામાં આવે છે કે જે સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયા હોય કે ગેરકાયદે અમેરિકામાં રહેતા હોય. આ લોકોને પૈસાની લાલચ આપવામાં આવે છે અને શોર્ટકટથી પૈસા કમાવાની લાલચે આ લોકોને જેલની હવા ખાવાનો વારો આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.