બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / સાન ફ્રાંસિસ્કોમાં ગુજરાતી વાનગીઓ માટે ફેમસ ‘બેશરમ’ રેસ્ટોરાંના મહિલા ઓનરની સક્સેસ સ્ટોરી
Last Updated: 09:11 PM, 22 May 2024
એમ તો વિશ્વના દરેક ખૂણે ગુજરાતીઓ વસેલા છે. દુનિયામાં કશે પણ જતાં રહો તો તમને ગુજરાતીઓ મળી જ જશે. ત્યારે આજે એક એવી ગુજરાતી મહિલા વિશે વાત કરીએ કે જે સાન ફ્રાંસિસ્કોમાં રેસ્ટોરંટ ચલાવે છે અને તેમની રેસ્ટોરાં તેના ફૂડની સાથે સાથે તેના નામ માટે પણ જાણીતી છે. આ મહિલાનું નામ છે હિના પટેલ. તેઓ સાન ફ્રાંસિસ્કોમાં 'બેશરમ' નામથી રેસ્ટોરંટ ચલાવે છે. તેમની રેસ્ટોરાંમાં ખીચડીથી લઈને ખીચું સુધી અને જલેબીથી લઈને સુરતી ઊંધિયા સુધીની તમામ ગુજરાતી અને ભારતીય શાકાહારી વાનગીઓ પિરસવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ રેસ્ટોરાંમાં માત્ર શાકાહારી ફુડ જ મળે છે.
ADVERTISEMENT
હિના પટેલનો જન્મ ગુજરાતના બાલાસિનોરમાં 1960નાં દાયકામાં થયો હતો અને તેમના પિતા ઠાસરાનાં હતા. ભલે તેમનો ઉછેર મુંબઈમાં થયો હોય, પરંતુ દર વર્ષે ઉનાળાનું વેકેશન તેઓ ગુજરાતમાં ગાળતા હતા. ત્યારે તેમણે પોતાનો આ ગુજરાત પ્રેમ જ બેશરમ રેસ્ટોરાં શરૂ કરવા તરફ લઈ ગયો. તેમની રેસ્ટોરાંમાં આણંદના ગોટાથી, વડોદરાનો ચેવડો, જલેબી-ફાફડાથી લઈને ખીચું પણ મળી રહે છે. તેમની આ કલીનરી કારકિર્દી લગભગ 10 વર્ષ પહેલાં લા કોસિના ખાતેના એક કાર્યક્રમ દ્વારા શરૂ થઈ હતી, જે મહિલાઓને સ્થાનિક ફૂડ બિઝનેસમાં કિકસ્ટાર્ટ કરવામાં મદદ કરે છે. સાન ફ્રાંસિસ્કોમાં થોડા વર્ષો સુધી કેટરિંગ બિઝનેસ ચલાવ્યા પછી તેમણે 2018માં બેશરમ શરૂ કરી. તેની શરૂઆત એક અમેરિકન ગ્રુપ સાથે પાર્ટનરશીપમાં થઈ હતી પણ ધીમે-ધીમે તેમણે બિઝનેસનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હસ્તક કરી લીધો અને રેસ્ટોરાંને સંપૂર્ણ સહકારી બનાવી દીધી. વર્ષ 2019માં 'બેશરામ'ને Eater SFનાં રેસ્ટોરાં ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો.
ADVERTISEMENT
મુંબઈથી લંડન અને પછી સાન ફ્રાંસિસ્કો
હિના પટેલ બેશરમ રેસ્ટોરાં તેમના પતિ પરેશ પટેલ સાથે મળીને ચલાવે છે. જયારે તેઓ 20 વર્ષનાં હતા ત્યારે તેઓ લગ્ન કરીને મુંબઈથી લંડન આવીને વસ્યા. અહીં લગભગ 5 વર્ષ રહ્યા પછી તેઓ 1992માં તેઓ કેલિફોર્નિયા આવીને વસ્યા હતા. ગુજરાતના ગામડામાં જન્મેલા, મુંબઈમાં મોટા થયેલા હિના પટેલ માટે વિદેશમાં વસવું એક ખૂબ જ મોટું પગલું હતું, પણ સાહસ કરવાનો વારસો તેમને પિતા તરફથી મળ્યો હતો. તેમના પિતાને વિદેશ જવાની ઇચ્છા હતી, જે પૂરી ન થઈ પણ તેમને પોતાનું સપનું પોતાની દીકરીને વિદેશ મોકલીને પૂરું કર્યું. હિના પટેલને બે સંતાનો છે, એકનો જન્મ લંડનમાં થયો હતો અને બીજાનો જન્મ અમેરિકામાં થયો. તેમણે બાળકોનો ઉછેર વિદેશમાં જ કર્યો છે. ક્યારેય તેમના સંતાનો પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી કર્યું, ન તો તેમને પોતાની સંસ્કૃતિને બાળકો પર ઠોકી બેસાડવાનો પ્રયાસ કર્યો.
બેશરમ રેસ્ટોરાં શરૂ કરતા પહેલા હિના પટેલ અને તેમના પતિએ કેલિફોર્નિયામાં 20 વર્ષ સુધી લીકર-કમ-ફ્લાવર સ્ટોર ચલાવ્યો હતો. અહીંથી તેઓ શીખ્યા કે બિઝનેસ કેવી રીતે ચલાવવો અને કસ્ટમર સર્વિસનો અર્થ શું થાય. તેમણે રંગભેદનો પણ અનુભવ કર્યો. તેમને અંગ્રેજી ન આવડતું હોવાને કારણે ખાસો સંઘર્ષ કરવો પડ્યો. ખાસ કરીને લંડનમાં તેમને રંગભેદનો સામનો કરવો પડ્યો હતો. હિના પટેલના કહેવા અનુસાર, 30 વર્ષથી કેલિફોર્નિયામાં રહેવા છતાં અત્યારે પણ અહીં રંગભેદની સ્થિતિ વધારે સુધરી નથી. પરંતુ તેઓ બદલાઈ ગયા છે અને હવે વસ્તુઓને જુદા નજરીયાથી જોવે છે. હવે તેઓ એટલા ભોળા કે નાસમજ નથી. હિના પટેલ કહે છે કે લંડનમાં તેમને પહેલી વખત સુપરમાર્કેટ જોયા. ત્યારે શાકભાજી ખરીદવા જવું પણ પડકાર હતું. દૂધનું કાર્ટુન ખોલતા પણ નહોતું આવડતું. પરંતુ આવા નુંભાવોએ જ તેમને સંજોગો સાથે લડવાની અને રેસ્ટોરાં શરૂ કરવાની હિંમત મળી.
હિના પટેલે જણાવ્યું કે બેશરમ નામ ઘણી રીતે તેમના રેસ્ટોરન્ટનું વ્યક્તિત્વ પણ છે. તેઓ કહે છે કે મારી પહેલી રેસ્ટોરન્ટ બેશરમ ખોલવી એ એક નિર્લજ્જ કૃત્ય જેવું લાગ્યું, જે આખરે હું મારા માટે કરી રહી હતી. લોકોના મંતવ્યો વિશે વિચાર્યા વિના મેં મારા માટે વિચાર્યું અને પોતાની જાતને સ્પોટલાઈટમાં મૂકીને મારા માટે અંગત મારું ફૂડ લોકોને પીરસવાનું શરૂ કર્યું. હું એક મહિલા અને ઇમિગ્રન્ટ તરીકે પડછાયામાં જીવી રહી છું એવો અનુભવ કર્યા પછી મારે આ જગ્યા પર પહોંચવા માટે સખત મહેનત કરવી પડી. હવે મને મારા ફૂડ માટે ઓળખવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.