Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચોમાસું / મહાબળેશ્વરમાં વરસાદે તોડ્યો ચેરાપૂંજીનો રેકોર્ડ, દેશમાં મેઘરાજાએ કર્યા રાજ્યોને બેહાલ

મહાબળેશ્વરમાં વરસાદે તોડ્યો ચેરાપૂંજીનો રેકોર્ડ, દેશમાં મેઘરાજાએ કર્યા રાજ્યોને બેહાલ

ચોમાસાએ બીજા રાઉન્ડમાં સમગ્ર દેશને ધમરોળવાનું શરૂ કર્યું છે. દેશના અનેક રાજ્યોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા અનેક રાજ્યોમાં પૂરના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ હજુ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 

મહાબળેશ્વરે ચેરાપૂંજીનો રેકોર્ડ તોડ્યો

ઉલ્લેખનીય છે કે, દેશના અનેક  રાજ્યોમાં વરસાદના કારણે  પરિસ્થિતિ વણસી ગઈ છે.ખાસ કરીને દક્ષિણ ભારતમાં  કેરલથી માંડીને મહારાષ્ટ્ર સુધી પૂરના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. વાત કરીએ મહારાષ્ટ્રના મહાબળેશ્વરની તો મહાબળેશ્વરે ચેરાપૂંજીનો રેકોર્ડ તોડ્યો છે. મહાબળેશ્વરમાં એક મહિનામાં 230 ઈંચ વરસાદ પડ્યો છે. 

જેના કારણે મહાબળેશ્વરના ધોમ ડેમમાંથી ક્રિષ્ણા નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે. જેના કારણે  કોલ્હાપુર સહિત  સાંગલી અને સોલાપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કોલ્હાપુરમાં એનડીઆરએફની ટીમ રાહત અને બચાવકાર્ય માટે ઉતારવી પડી છે. 

કર્ણાટકમાં એરલિફ્ટ કરી લોકોને બચાવાયા

તો આ તરફ કર્ણાટકમાં જળ કહેરે માત્ર મનુષ્યોને જ નહી પરંતુ અબોલ પશુઓના જીવન પણ જોખમમાં મૂકી દીધા છે. ભારે વરસાદથી  લોકોની હાલાકી વધી ગઈ છે. અનેક લોકો પૂરમાં ફસાઇ ગયા હતા. પૂરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. મકાનની છત પર ફસાયેલા લોકોને નેવીએ હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવા પડયા હતા. સુરક્ષિત સ્થળે ખસેડવા પડયા હતા. 

કર્ણાટકમાં જ્યાં એક તરફ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીર ચાલુ છે ત્યાં બીજી તરફ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. ઉત્તર કર્ણાટકના મોટા ભાગના જિલ્લા પૂરની ઝપેટમાં આવ્યા છે. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

કેરળમાં પણ ભારે વરસાદ

તો આ તરફ કેરળમાં પણ ભારે વરસાદ અને પૂરે વિનાશના દ્રશ્યો સર્જ્યા છે. કેરળના કાલીકટમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.  આ દ્રશ્યો કાલીકટના કોદાંચેરી ગામના છે. જ્યાં નદીના પાણી ગામમાં ફરી વળ્યા..ધસમસતો પાણીઓ આ પ્રવાહ જોઈને એમ જ લાગે કે ગામની વચ્ચેથી કોઈ નદી વહેતી હોય.. અહીં પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોને  સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે  રાહત અને બચાવ ટીમ દ્વરા જહેમત  કરવામાં આવી હતી. 

વાયનાડમાં ભૂસ્ખલન

કેરળમાં પૂરના કારણે સૌથી વધારે તબાહી સર્જાઈ છે. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના  કારણે સૌથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે. જ્યાં  પાણીના પ્રવાહમાં એક મકાન તાજના પત્તાની જેમ તૂટી પડ્યું હતું. રહેણાંક વિસ્તારની બાજુમાંથી નદી પસાર થઈ રહી હતી. જેના કારણે મકાન ક્ષતિગ્રસ્ત  થયું અને બાદમાં 10 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયું હતું.

તો આ તરફ મધ્યપ્રદેશમાં  વરસાદ અને પૂરના કારણે તબાહી સર્જાઈ છે. મધ્ય પ્રદેશના મંડલામાં એક કાર પૂરમાં ફસાઇ ગઇ હતી. મંડલામાં પિકનિક મનાવા ગયેલા ત્રણ યુવકો પૂરમાં ફસાઇ ગયા હતા. ત્રણેય યુવકો પૂરથી બચવા માટે કાર પર ચઢી ગયા હતા. જોકે પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા ત્રણેય યુવકને બચાવી લેવાયા હતા.  

વરસાદ સાથે સાથે આપણે મધ્યપ્રદેશથી થોડા આગળ વધીએ તો આ તરફ ઓરિસ્સામાં પણ વરસાદ અને પૂરે વિનાશના દ્રશ્યો સર્જ્યા છે. ઓડિશામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે.. ગોદાવરી નદી પર બનેલા ઈદ્રવતી ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે. જેના કારણે ગોદાવરી નદીના  હેઠવાસમાં પાણી છોડાઈ રહ્યું છે.ગોદાવરી નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકો અને ગામડાઓને અલર્ટ પર મુકવામાં આવ્યા છે.  

આંધ્રપ્રદેશના હાલ બેહાલ

અડધા દેશને વરસાદે બાનમાં લીધો છે..ત્યારે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમથી પણ હૃદય થંભાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શ્રીકાકુલમમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વામાધાર અને નાગવલી નદીમાં ભારે પૂર આવ્યું છે. જેના કારણે નદી કિનારાના વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. કલિંગપટનમ શહેરમાં  નદી કિનારે બનેલા પ્રાણીઓના સ્ટેચ્યુના છે. 

જે નદીમાં વહી ગયા છે. નદી કિનારે બનેલા હાથીના સ્ટેચ્યૂના પહેલા પાછળના બે પગ પાણીમાં વહી ગયા અને ત્યાર બાદ આખે આખો હાથી પાણીમાં વહી ગયો. તો બીજી તરફ જીરાફનું સ્ટેચ્યૂ પણ પાણીમાં વહી ગયું છે.  

ટૂંકમાં અર્ધુ હિંદુસ્તાન આજે જળમગ્ન થઈ ગયું છે. વરસાદ પ્રભાવિત દરેક રાજ્યની સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે અને રાહત અને બચાવ કામગીરી ચાલું છે. આશા રાખીએ જીવનદાતા એવો વરસાદ નાગરિકો માટે જીવલેણ ન બની જાય. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ