બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:39 PM, 5 September 2025
આજે ભારતના મુસ્લિમો પયગંબર-એ-ઇસ્લામ હઝરત મોહમ્મદના જન્મદિવસ તરીકે બારાવફાત ઉજવી રહ્યા છે. બારાવફાતને મિલાદ-ઉન-નબી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા મહિના રબી-ઉલ-અવ્વલમાં બારાવફાત ઉજવાય છે. મુસ્લિમ સમુદાયના સુન્ની અને શિયા સંપ્રદાયો મુજબ પયગંબર મોહમ્મદના જન્મની તારીખ અલગ અલગ છે. સુન્નીઓ રબી-ઉલ-અવ્વલના 12મા દિવસને પયગંબર મોહમ્મદની જન્મ તારીખ માને છે. તો શિયાઓ રબી-ઉલ-અવ્વલના 17મા દિવસને તેમની જન્મ તારીખ માને છે. "મિલાદ-ઉન-નબી" નો શાબ્દિક અર્થ પયગંબરનો જન્મ થાય છે. જો કે આ દિવસને મૌલિદ તરીકે પણ ઉજવવામાં આવે છે. મૌલિદ એ અરબી મૂળનો શબ્દ છે, જેનો અર્થ જન્મ આપવો થાય છે.
ADVERTISEMENT
મુસ્લિમ સ્કોલર્સ મુજબ, પયગંબર મોહમ્મદનો જન્મ 570 ની આસપાસ મક્કામાં થયો હતો. તેઓ ઇસ્લામના સ્થાપક હતા. પયગંબર મોહમ્મદને એકેશ્વરવાદના (એટલે કે ભગવાન એક છે) છેલ્લા પયગંબર માનવામાં આવે છે. જે આદમ, ઈસા મસીહ અને અબ્રાહમ જેવા અન્ય પયગંબર બાદ આવ્યા હતા. પયગંબર મોહમ્મદ છ વર્ષની ઉંમરે અનાથ બન્યા હતા, તેમનો ઉછેર તેમના દાદા અને પછી કાકા અબુ તાલિબે કર્યો હતો. જ્યારે તેઓ 40 વર્ષના હતા ત્યારે તેમને હીરાની ગુફામાં ફરિશ્તા જિબ્રીલ અલૈહિસ્સલામ તરફથી અલ્લાહનો પહેલો સંદેશ મળ્યો હતો. પયગંબર મોહમ્મદને જિબ્રીલ અલૈહિસ્સલામ તરફથી જે સંદેશ મળ્યો તે જ કુરાનની પહેલી આયત પણ છે. આ ઘટનાએ પયગંબર મોહમ્મદના જીવનમાં એક મોટો વળાંક હતો. ત્યાર બાદ તેમને પોતાનું સમગ્ર જીવન અલ્લાહના સંદેશને ફેલાવવામાં પસાર કરી દીધું હતું.
ADVERTISEMENT
શરૂઆતમાં પયગંબર મોહમ્મદને માનનારા ખૂબ ઓછા હતા. તેમને મક્કાના બહુદેવવાદીઓ (અનેક દેવતાઓમાં માનનારા) તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 615માં પયગંબર મોહમ્મદ અને તેમના અનુયાયીઓને મક્કાના લોકો તરફથી ખૂબ મુશ્કેલી અને યાતનાઓ સહન કરવી પડી. આથી પયગંબર મોહમ્મદે તેમના કેટલાક સાથીઓને સુરક્ષિત જગ્યાએ મોકલી દીધા હતા. પયગંબર મોહમ્મદના અનુયાયીઓ અક્સુમ સામ્રાજ્યમાં જતા રહ્યા હતા, જ્યાં ઈસાઈ શાસન હતું. જે વિસ્તાર અત્યારે ઉત્તરીય ઇથોપિયા અને એરિટ્રિયામાં આવે છે.
ADVERTISEMENT
સાત વર્ષ બાદ 622મા પયગંબર મોહમ્મદ અને તેમના અનુયાયીઓ મક્કાથી 300 કિલોમીટર ઉત્તરમાં મદીના શહેરમાં ગયા હતા. પયગંબર મોહમ્મદ હત્યાના ડરને કારણે મક્કાથી મદીના પલાયન થયા હતા. આ ઘટનાને "હિજરા" કહેવાય છે. જેને ઇસ્લામિક હિજરી કેલેન્ડરની શરૂઆત મનાય છે.
ADVERTISEMENT
મદીના પહોંચ્યા બાદ પયગંબર મોહમ્મદે "મદીના ચાર્ટર" તૈયાર કર્યું હતું, જેને મદીનાનું બંધારણ પણ કહેવાય છે. આ ચાર્ટર અલગ અલગ કબીલાઓને એક કરતું હતું. 630 એડીમાં પયગંબર મોહમ્મદે 10,000 ની સેના સાથે મક્કા પર હુમલો કર્યો હતો. પયગંબર મુહમ્મદ અને તેમની સેનાએ આ યુદ્ધ જીત્યું. ત્યાર બાદ મક્કાની મોટાભાગની વસ્તીએ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો.
ADVERTISEMENT
632 એડીમાં પયગંબર મોહમ્મદે હજ (તીર્થયાત્રા) કરી હતી, જેને તમામ મુસ્લિમ તીર્થ યાત્રાઓ માટે એક મોટું ઉદાહરણ માનવામાં આવે છે. હજ બાદ પયગંબર મોહમ્મદ મદીના પરત ફર્યા હતા. મદીનામાં તેઓ ઘણા દિવસો સુધી બીમાર રહ્યા હતા. અને 632 એડીમાં તેમનું અવસાન થયું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.