બ્રેકિંગ ન્યુઝ
Dhwani Lakhani
Last Updated: 08:00 AM, 6 July 2025
આજકાલ, કાનૂની નોટિસ મળવી એક સામાન્ય બાબત બની ગઈ છે. જો કે ઘણા લોકો હજુ પણ જાણતા નથી કે તે શું છે, તે શા માટે આવે છે અને તે મળ્યા પછી શું કરવું. વ્યાપાર, મિલ્કત, કરાર કે અન્ય કોઈ પણ નાણાકીય અથવા નૈતિક દાવાઓમાં જ્યારે એક પક્ષ બીજાને પોતાનો કાયદેસર હક યાદ અપાવે છે, અથવા કાયદેસર કાર્યવાહી કરતાં પહેલાં ચેતવણી આપે છે, ત્યારે તેને કાનૂની નોટિસ કહેવામાં આવે છે. આ નોટિસ એ માત્ર કાગળનો ટુકડો નથી પણ તે કાયદાની ભાષામાં પ્રથમ દસ્તાવેજી પગલું છે, જે આગળ ચાલીને અદાલતી કાર્યવાહીનું આધાર બનતું હોય છે.
ADVERTISEMENT
કાનૂની નોટિસનો જવાબ ક્યારે અને કેવી રીતે આપવો?
આ એક લેખિત પત્ર હોય છે, જે બે લોકો વચ્ચે પૈસાની લેવડદેવડ, મિલકતના વિવાદ, નોકરી સંબંધિત સમસ્યાઓ અથવા કોઈની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો કેસ જેવા વિવાદો થાય ત્યારે મોકલવામાં આવે છે. જો તમને કોર્ટ કાર્યવાહી પહેલા પણ નોટિસ મળી હોય અથવા ભવિષ્યમાં મળી શકે, તો આ નોટિસ મળ્યા પછી શું પગલાં લેવા અને તેનો જવાબ કેવી રીતે આપવો તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લેખમાં, અમે તમને આ વિષયને લગતી બધી માહિતી સરળ ભાષામાં જણાવીશું. કાનૂની નોટિસ શું છે? કાનૂની નોટિસનો જવાબ ક્યારે અને કેવી રીતે આપવો જોઈએ? જો તમે જવાબ ન આપો અથવા મોડો જવાબ ન આપો તો શું થઈ શકે છે?
ADVERTISEMENT
કાનૂની નોટિસ સામાન્ય રીતે વકીલ દ્વારા મોકલવામાં આવે છે, જે પોતાના ક્લાયન્ટના જણાવેલા તથ્યો અને દાવાઓને આધારે સ્પષ્ટ રીતે નોટિસના માધ્યમથી સામે પક્ષને જણાવે છે કે શું માંગણી છે, શું હક છે અને શું ઉપાય માંગવામાં આવી રહ્યો છે. નોટિસમાં તારીખ, ઘટનાક્રમ, કાયદાની જોગવાઈઓ અને માંગણી વિશે સંપૂર્ણ વિગતો હોયવી જરૂરી છે. કાયદેસર નોટિસ કોઈ પણ સમયે મોકલી શકાય છે. એ ફક્ત ગુનાખોરી માટે જ નહીં, પણ નાગરિક દાવા માટે, મિલ્કતના વિવાદ માટે, ઋણ વસૂલી માટે કે કોન્ટ્રાકટના ભંગ માટે પણ મોકલાતી હોય છે.
ADVERTISEMENT
નોટિસ મળ્યા પછી શું કરવું?
જ્યારે કોઈને કાનૂની નોટિસ મળે ત્યારે સૌથી પહેલા તે વ્યક્તિએ તે નોટિસનો સ્વીકાર કરો. ઘણીવાર નોટિસ મળ્યા પછી લોકો ડરી જાય છે કે હવે કોર્ટ કચેરીનો મૂંઝવણભર્યો રસ્તો શરૂ થવાનો છે અને નોટિસને લેવાનો ઇન્કાર કરે છે. પણ કાયદામાં સ્પષ્ટ માન્યતા છે કે નોટિસનો ઇન્કાર કરવો એ અસરકારક સેવા (Effective Service) તરીકે માનવામાં આવે છે. એટલે કે જો તમે નોટિસ સ્વીકારો કે ન સ્વીકારો, તેમાં લખેલા દાવાઓ કે તથ્યો સામે તમને કાયદેસર જવાબ આપવો પડશે અને તમારી મૌનતાને કોર્ટ ભવિષ્યમાં દાવાની સ્વીકૃતિ માને છે.
ADVERTISEMENT
યોગ્ય કાયદેસર જવાબ મોકલવો જોઈએ
નોટિસ મેળવવી એટલે એક તક મળે છે. તમારી વાત રાખવાની દલીલો રજૂ કરવાની અને સંભવિત વિવાદ દૂર કરવાની. એટલે કે નોટિસ મળ્યા પછી વકીલની સલાહથી તમારે યોગ્ય જવાબ આપવો ખૂબ જરૂરી છે. જો તરત જવાબ આપવા માટે પૂરતી માહિતી, દસ્તાવેજો કે સમજ ઉપલબ્ધ ન હોય, તો નોટિસ આપનાર પક્ષને વચગાળાનો જવાબ આપી શકાય છે, જેમાં જણાવવામાં આવે કે વિગતવાર જવાબ માટે થોડો સમય જોઇએ છે. અને પછી યોગ્ય કાયદેસર જવાબ મોકલવો જોઈએ.
ADVERTISEMENT
નોટિસ મોકલવાની પદ્ધતિ
કાનૂની નોટિસ મોકલવાની સૌથી સુસંગત પદ્ધતિ છે પહોચાવાની પુરાવા સાથેનો દાખલ પત્ર (આર.પી.એ.ડી.). આ વિધિ કાયદા હેઠળ સ્વીકૃત સેવા તરીકે માન્ય છે. આજે ઘણા ન્યાયધિકરણો તથા કાયદાકીય વ્યવહારોમાં ઇ-મેઇલ દ્વારા મોકલેલી નોટિસ પણ માન્ય ધરી શકાય છે, જો મોકલનાર પાસે પુરાવા હોય કે નોટિસ સમયસર અને યોગ્ય રીતે મોકલવામાં આવી છે. એટલે દરેક નાગરિકે એવો રેકોર્ડ રાખવો જોઈએ કે કઈ તારીખે કઈ નોટિસ મોકલવામાં આવી અને એની તે ક્યારે મળી હતી તેનો પુરાવો પણ સાચવી રાખવો જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચો : જો કાનૂની કાર્યવાહીમાં પોલીસ સહકાર ન આપે તો શું કરવું?, જાણો એક્સપર્ટ પાસેથી
મૌન અને નબળો પ્રતિસાદ
જો કોઈ વ્યક્તિ નોટિસમાં કરાયેલા દાવા કે તથ્યોનો જવાબ આપતો નથી. તો ભવિષ્યમાં જ્યારે આ મુદ્દો અદાલતમાં લઇ જવામાં આવે ત્યારે કોર્ટ એ માન્ય રાખે છે કે નોટિસમાં જણાવેલા તથ્યો સામે કોઈ પણ અસ્વીકાર કરવામાં આવ્યો નથી એટલે એ દાવાઓ ન્યાયાલય દ્રષ્ટિએ મૌન સ્વીકૃતિ તરીકે ગણાય છે.
એટલે જ, જો નોટિસમાં મૂકવામાં આવેલા તથ્યો ખોટા, ભ્રામક કે અપૂર્વ છે. તો તેમની સામે લેખિત અને પુરાવાઓ આધારિત જવાબ આપવો અગત્યનો છે. નહીતર, ભવિષ્યના દાવા કે જવાબદારીમાં જવાબદાર પક્ષ તરીકે જાતે સાબિત થવાનો જોખમ ઊભો થાય છે. વિશેષ કરીને જ્યારે નોટિસ કોઈ ન્યાયિક મંચ, ઔપચારિક ફોરમ કે કોર્ટ તરફથી આવે, ત્યારે તે ઔપચારિક કાર્યવાહીનો ભાગ હોય છે અને તેનો સમયસર પ્રતિસાદ આપવો કાયદેસર ફરજરૂપ છે.
તાર્કિક, દસ્તાવેજ આધારિત જવાબ
નોટિસનો જવાબ આપતી વખતે એ યાદ રાખવું જરૂરી છે કે જેમ નોટિસ દસ્તાવેજી પુરાવા છે, તેમ તેનો જવાબ પણ એ જ રીતે પુરાવા રૂપે ગણાય છે. એટલે એ જવાબ વ્યવસ્થિત ભાષામાં, સંપૂર્ણ દસ્તાવેજ આધારિત, સમયસર અને કાયદેસર રીતે આપવો જોઈએ. જો કિસ્સો આગળ ચાલી અદાલત સુધી પહોંચે, તો નોટિસનો જવાબ એ પ્રથમ સંરક્ષણરૂપ દસ્તાવેજ બને છે. જે કહે છે કે તમે પહેલા જ તમારા પક્ષની સ્પષ્ટ સ્થિતિ રજુ કરી હતી અને આ રીતે જવાબ આપવાથી તમારું ભવિષ્યનું કાનૂની રક્ષણ વધુ મજબૂત બને છે.
અદાલત કે અન્ય કાનૂની મંચથી મળેલી નોટિસ
ઉલ્લેખનીય છે કે ઉપર દર્શાવેલા બધા સિદ્ધાંતો અને કાયદેસર નિયમો માત્ર ખાનગી પક્ષો દ્વારા મોકલાયેલી નોટિસ સુધી મર્યાદિત નથી રહેતા. જો કોઈ નાગરિકને અદાલત, કોર્ટ, ટ્રિબ્યુનલ, અથવા અન્ય કોઇ કાનૂની મંચ તરફથી નોટિસ પ્રાપ્ત થાય છે તો તેનું મહત્વ તો વધી જ જાય છે.
વધુ વાંચો : ઓફિસના સાથી કર્મચારી જેવા તેવા મેસેજ કરે, ખરાબ નજરે જુએ તો અહીં કરો ફરિયાદ, કાયદો આપશે સજા
કારણકે આવી નોટિસો કાનૂની કાર્યવાહીનો સચોટ ભાગ હોય છે. જેના જવાબ ન આપવાથી એકપક્ષીય નિર્ણય (ex parte order) થઈ શકે છે, અથવા ન્યાયાલયે તમારું મૌન તમારાં વિરૂદ્ધ વાપરી શકે છે. એવી નોટિસમાં આપેલી તારીખો, જવાબદારીના દાવા, કે હાજરી માટેના આદેશોને અવગણવા કે ટાળવાનો કોઇ અધિકાર નથી. અદાલત તરફથી મળેલી નોટિસ અંગે પણ વકીલની સલાહ લઈને, સમયસર જવાબ આપવો, તથા લેખિત રીતે યોગ્ય રજૂઆત કરવી એ કાયદેસર ફરજ તરીકે માનવામાં આવે છે. વધુમાં, આવી નોટિસનું તથા તેના જવાબનું પુરાવા તરીકે દસ્તાવેજીકરણ તો ફરજિયાત જ છે.
નોટિસ એ ઘેરાવ નહીં પણ અવસર છે
કાયદેસર નોટિસ એ દુઃસ્વપ્ત નથી કે અને તેનાથી ડરી જવાનું ન હોય. આવી નોટિસ તો તમને તમારા દસ્તાવેજ અને દાવા યોગ્ય રીતે મૂકવાની એક તક આપે છે. નોટિસ મળવી એ કાયદાની પ્રક્રિયામાંનો પહેલો પડાવ છે. જે તમને સ્પષ્ટ સંકેત આપે છે કે હવે વિવાદ કાયદેસર રીતે આગળ વધશે. નોટિસ મળ્યા પછી મૌન રહેવું. તપાસ કર્યા વગર નકારવું, કે અવગણના કરવી એ ત્રણેય પગલાં ભવિષ્યમાં ગંભીર નુકસાની પહોંચાડી શકે છે. કોર્ટ વારંવાર કહી ચૂક્યાં છે કે જો નોટિસનો જવાબ ન અપાયો હોય, તો તેમાં કરાયેલા દાવાઓ અનપાત્ર રીતે અસ્વીકારાયેલ નથી એવું માનવામાં આવે છે.
આ માટે કાયદેસર નોટિસ મળ્યા બાદ વકીલની સલાહ લેવી, વચગાળાનો જવાબ આપીને સમય માંગવો જોઈએ. અને પછી યોગ્ય પુરાવાના આધારિત વિગતવાર જવાબ આપવો એ તમામ નાગરિકોના હિતમાં છે. એ જવાબ પછી ભવિષ્યના દાવા કે આરોપ સામે રક્ષણરૂપ બને છે અને એ કાયદેસર પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dhwani Lakhani is practicing lawyer at Gujarat High Court and state courts, and author of this article, passionately promoting legal awareness through media and platforms.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.