બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ભારતના ગ્રીન એનર્જી મિશનમાં ગુજરાતનો સિંહફાળો, 50.386 GW ક્ષમતા સાથે પહેલા નંબરે

ગુજરાત / ભારતના ગ્રીન એનર્જી મિશનમાં ગુજરાતનો સિંહફાળો, 50.386 GW ક્ષમતા સાથે પહેલા નંબરે

Kalpesh Kandoria

Last Updated: 09:18 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડેના અવસરે ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે પોતાની મજબૂત સ્થિતિ વધુ સ્પષ્ટ કરી છે. પવન ઊર્જા અને રૂફટોપ સોલારમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે, જ્યારે સૌર ઊર્જામાં બીજા ક્રમે છે.

10 જુલાઈએ ઉજવાતા ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે, જે ભારતની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં 17.82 ટકા ફાળો આપે છે. આ સાથે ગુજરાત દેશના અગ્રણી રિન્યૂએબલ એનર્જી રાજ્ય તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહ્યું છે.

રાજ્યમાં હાલ 15,850.56 મેગાવોટ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા છે, જેના આધારે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે 32,302.7 મેગાવોટ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા સાથે રાજ્ય દેશના બીજા ક્રમે છે. રૂફટોપ સોલાર ક્ષેત્રે પણ ગુજરાતે આગવું સ્થાન જાળવી રાખ્યું છે. રાજ્યમાં 13.45 લાખથી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન દ્વારા 7,408.10 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, જે દેશમાં સૌથી વધુ છે.

સૌર ઊર્જાના વિકાસમાં ચારણકા, રાધાનેસડા અને ધોલેરા જેવા સોલાર પાર્કનું મહત્વનું યોગદાન રહ્યું છે. કચ્છનો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ બની રહ્યો છે, જ્યાં મે 2026 સુધીમાં 15.54 ગીગાવોટ ક્ષમતા સ્થાપિત થઈ ચૂકી છે, જ્યારે તેની આયોજિત ક્ષમતા 37.35 ગીગાવોટ છે.

પવન ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત સતત મોખરે છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 8,191.42 મેગાવોટ પવન ઊર્જા ક્ષમતા નોંધાઈ છે. ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાઓ પણ પવન ઊર્જા ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે.

રાજ્ય સરકારે વર્ષોથી અમલમાં મૂકેલી વિવિધ નીતિઓના કારણે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રને વેગ મળ્યો છે. વિન્ડ પાવર પોલિસી, સૌર ઊર્જા નીતિ, વિન્ડ-સોલાર હાઇબ્રિડ પોલિસી તેમજ તાજેતરની ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025 દ્વારા સૌર, પવન, હાઇબ્રિડ, બેટરી એનર્જી સ્ટોરેજ અને વિકેન્દ્રિત ઊર્જા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ખેતી ક્ષેત્રમાં પણ પીએમ-કુસુમ યોજના હેઠળ હજારો ઓફ-ગ્રીડ સોલાર વોટર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે રૂફટોપ સોલારના વ્યાપક ઉપયોગથી રહેણાંક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના વિસ્તરણથી રાજ્યમાં અંદાજે 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. હાલ ગુજરાતમાં 1,531 નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સ વિવિધ તબક્કે અમલીકરણ હેઠળ છે.

રાજ્ય સરકારે વર્ષ 2030 સુધીમાં 105 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ લક્ષ્ય ભારતના 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાના રાષ્ટ્રીય લક્ષ્યમાં આશરે 20 ટકા ફાળો આપશે અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે ગુજરાતને વધુ મજબૂત સ્થાન અપાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Renewable Energy Global Energy Independence Day Gujarat Wind Energy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ