ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના કોટ વિસ્તારમાં હવે 15 મીટરથી ઊંચું બાંધકામ નહીં? UNESCOની તાકીદથી નિયમોમાં થશે મોટો ફેરફાર
Last Updated: 12:46 PM, 10 September 2026
ADVERTISEMENT
Ahmedabad Fort area : અમદાવાદે પોતાનો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જાળવી રાખવો હોય તો કોટ વિસ્તારમાં ૧૫ મીટરથી વધુ ઊંચાઈના બાંધકામને મંજૂરી આપવી નહીં એવી તાકીદ યુનેસ્કોએ કરી છે. જીવંત હેરિટેજ તરીકે ઓળખાતા કોટ વિસ્તારની ઐતિહાસિક ઓળખ અને વારસાને જાળવવા માટે યુનેસ્કોએ અમદાવાદને આ અંગે તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
બે સભ્યોની યુનેસ્કોની ટીમે ૧૬થી ૨૩ માર્ચ દરમિયાન અમદાવાદની મુલાકાત લીધી હતી. આ દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિવિધ માળખાકીય પ્રોજેક્ટની જીવંત હેરિટેજ પર થતી અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ તપાસ હેઠળ કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ, દાણાપીઠ મલ્ટિ-લેવલ પાર્કિંગ અને ગીતામંદિર બસ ટર્મિનલ જેવા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. આ તમામ પ્રોજેક્ટ કોટ વિસ્તારના હેરિટેજ વિસ્તારના બફર ઝોનમાં આવે છે.
મંગળવારે યુનેસ્કોએ ૬૮ પાનાંનો નિરીક્ષણ અહેવાલ જાહેર કર્યો હતો, જેમાં અમદાવાદને યુનેસ્કોની સલાહ અનુસાર કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સમાં સુધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટર અને આઇકોમોસના સંયુક્ત ‘રિએક્ટિવ મોનિટરિંગ મિશન’ના અહેવાલમાં અમદાવાદના ઐતિહાસિક શહેરના હેરિટેજ પરિસરની તપાસ કરવામાં આવી હતી, જેમાં ઉપરોક્ત ત્રણેય પ્રોજેક્ટ સ્થળોએ બાંધકામની ઊંચાઈ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો પ્રોજેક્ટ અમદાવાદના હેરિટેજ વિસ્તારના બફર ઝોનમાં ચાલી રહ્યો છે. એએમસીએ પ્રોજેક્ટમાં કેટલાક ફેરફારો સૂચવ્યા હતા અને તે ફેરફારોનો અમલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ગીતામંદિર બસ સ્ટેશનના પુનઃવિકાસ દરમિયાન હેરિટેજ યાદીમાં સામેલ ન હોય તેવી એક જૂની હેરિટેજ દીવાલને નુકસાન થયું હતું. તેથી આ સ્થળનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
યુનેસ્કોની ટીમે કોટ વિસ્તારમાં આવેલા હેરિટેજ વોક રૂટ પર ચાલી રહેલાં વિકાસકાર્યોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ પહેલ લાંબા ગાળાના આયોજન સાથે સુસંગત હોવાનું અધિકારીઓનું કહેવું છે. ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ જેવી વૈશ્વિક કક્ષાની ઇવેન્ટના કારણે શહેરમાં લોકોની અવરજવર વધવાની ધારણા છે. અમદાવાદ ૨૦૩૬ની ઓલિમ્પિક્સની યજમાની માટે પણ દાવેદારી કરી રહ્યું છે.
ADVERTISEMENT
યુનેસ્કોની ટીમે અમદાવાદને કોટ વિસ્તારમાં નવા બાંધકામને મંજૂરી આપતાં પહેલાં હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (HIA) કરાવવાની સલાહ આપી છે. આ સલાહનો અમલ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. યુનેસ્કોએ કોટ વિસ્તારની તમામ શેરીઓના વિકાસની પણ ભલામણ કરી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન યુનેસ્કોએ કોટ વિસ્તારનાં હેરિટેજ મકાનોની જાળવણી અને પુનઃસ્થાપન માટે એએમસી દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી છે. હેરિટેજ મકાનોના સમારકામ અને જાળવણી માટે આપવામાં આવતા *ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR)*ની જોગવાઈને પણ આવકારવામાં આવી છે.
ADVERTISEMENT
એએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે, “મહાનગરપાલિકાએ અમદાવાદ માટે ટૂરિઝમ મેનેજમેન્ટ પ્લાન અને હેરિટેજ કન્ઝર્વેશન પ્લાન (લોકલ એરિયા પ્લાન) તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો.” જોકે, બંને યોજનાઓ હજુ અંતિમ સ્વરૂપ પામી નથી. તેથી યુનેસ્કોની ટીમે બંને યોજનાઓને તાત્કાલિક અંતિમ સ્વરૂપ આપવાની ભલામણ કરી છે. અધિકારીના જણાવ્યા મુજબ, હેરિટેજ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને હેરિટેજ પ્રદર્શનો યોજવાની યોજનાઓનો પણ અમલ થયો નથી. હેરિટેજ સંરક્ષણ માટે કારીગરોને તાલીમ આપવા માટેનું હેરિટેજ સેન્ટર સ્થાપવાની યોજના પણ સાકાર થઈ નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો