બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / રાજ્યના પોલીસ બેડામાં ટૂંક સમયમાં પ્રમોશન અને પછી બદલીઓની શક્યતા, નજીકના 4 વર્ષમાં 8 IAS થશે નિવૃત્ત
Last Updated: 10:54 AM, 6 October 2025
સર્કિટ હાઉસને સ્ટાર હોટલમાં ફેરવવાનો પ્લાન
ADVERTISEMENT
ગુજરાતના માર્ગ-મકાન વિભાગ હેઠળ આવતા રાજ્યભરના સર્કિટ હાઉસની કાયાપલટનો બીજી વખત નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં જૂના અને ખંડેર થઇ ગયેલા સર્કિટ હાઉસને તોડીને નવી ઇમારત બનાવવામાં આવી છે, પરંતુ તેનાથી સરકારને સંતોષ નહીં હોવાથી હવે તેને ફાઇવસ્ટાર લૂક આપવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં સરકારી પૈસા જ નહીં પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ અપનાવવામાં આવનાર છે. પ્રારંભમાં રાજ્યના તીર્થસ્થાનો જેવાં કે સોમનાથ, દ્વારકા અને અંબાજીમાં આવેલા સર્કિટ હાઉસને મોડલ તરીકે વિકસાવવામાં આવશે. આ સંપત્તિઓનું સંચાલન ખાનગી એજન્સીઓને સોંપવામાંનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે હાઉસકિપિંગ, કેટરીંગ અને અન્ય ઓપરેશન સેવાઓનું સંચાલન કરશે. હમણાં જ માર્ગ-મકાન વિભાગના એક અધિકારીએ દિલ્હી સ્થિત ગુજરાત ભવનની મુલાકાત લીધી હતી અને તેના આધારે એક રિપોર્ટ સરકારને સોંપ્યો છે. સર્કિટ હાઉસનો મહત્તમ ઉપયોગ રાજકીય નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓ કરતાં હોવાથી તેમના માટે કેટલાક રૂમ રિઝર્વ રાખવામાં આવશે. જો આ પહેલા સફળ રહી તો બાકીના સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી એજન્સીઓને અપાશે. આ પરિવર્તનમાં ટુરિઝમ વિભાગને પણ સામેલ કરવામાં આવ્યો છે જે ટુરિસ્ટને ખેંચી લાવશે.
પોલીસમાં પહેલાં પ્રમોશન પછી બદલીની સંભાવના
ADVERTISEMENT
થોડાં સમય પહેલાં 105 પોલીસ અધિકારીઓની બદલી પછી ગુજરાત પોલીસમાં સંભવિત મોટા ફેરફારો અચાનક રોકી રાખવામાં આવ્યા છે, જેમાં PSIમાંથી PIનું પ્રમોશન મેળવતા અધિકારીઓની જિલ્લાફેર બદલી થવાની બાકી છે. ત્રણ-ચાર વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા PI કક્ષાના અધિકારીઓ બદલીની તેમજ DIG રેન્કના કેટલાક અધિકારીઓ પોસ્ટિંગ રાહ જોઇ રહ્યાં છે ત્યારે એવું જાણવા મળ્યું છે, કે જ્યાં સુધી PI થી DySPનું પ્રમોશન ક્લિયર નહીં થાય ત્યાં સુધી બદલીઓના ઓર્ડર માટે રાહ જોવી પડશે. ચર્ચાઇ રહ્યું છે કે ગૃહ વિભાગના ટોચના અધિકારી જ્યારે બદલી અને પ્રમોશનની ફાઇલ લઇને ઉચ્ચકક્ષાએ મંજૂરી અર્થે ગયા ત્યારે તેમને થોડો સમય થોભી જવાનું કહેવામાં આવ્યું હતું તેથી હાલના સમયમાં પોલીસ વિભાગમાં આવા ફેરફારો થવાની શક્યતા ઓછી જણાય છે, પરંતુ દિવાળીના તહેવારો દરમ્યાન પોલીસ અધિકારીઓમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં હોવાનો ઇશારો એક સિનિયર IPS અધિકારીએ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે 2026ના પ્રારંભે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી હોવાથી આ ફેરફારો નિશ્ચિત મનાઇ રહ્યાં છે.
AIના ઉપયોગમાં અનુપમસિંહ એક્કો નીકળ્યા
ADVERTISEMENT
નવરાત્રીના તહેવાર દરમ્યાન મળેલી સફળતા પછી દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરત પોલીસ AIની મદદથી ગુનાઓ ઉકેલવાનો પ્લાન બનાવી રહી છે, જેમાં ડ્રોન ટેકનોલોજીનો પણ પ્રયોગ કરવામાં આવનાર છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કહે છે કે વિશ્વના વિકાસશીલ દેશોમાં પોલીસ પહેલેથી જ AIનો ઉપયોગ કરી રહી છે ત્યારે સુરતમાં અમે નવરાત્રીના ગરબામાં તેનો સફળ પ્રયોગ કર્યો છે. સુરતમાં હવે કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક જાળવણી, માર્ગ સલામતી, બાળકો અને મહિલાઓ સામેના ગુનાઓ ઉકેલવા AI ટેકનોલોજીનો સહારો લેવામાં આવશે. થોડાં સમય પહેલાં UKમાં એક એવી સિસ્ટમ વિકસાવવામાં આવી હતી કે જેમાં ગુનો બનતાં પહેલાં તેની આગાહી કરવા માટે AIનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ સંભવિત ગુનાઓનું ડેટા વિશ્લેષણ અને ઇન્ટરેક્ટિવ મેપીંગ કરવામાં અધિકારીને મદદરૂપ થશે. UK પહેલાં અમેરિકાના લોસ એન્જેલસ અને શિકાગોમાં આવી સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. સુરત પોલીસે આવો પ્રયોગ શરૂ કરતાં પોલીસ અનુપમસિંહ ગેહલોત ચર્ચામાં આવી ગયા છે.
રાજ્યમાં ઘટી રહ્યા છે સીનિયર IAS
ADVERTISEMENT
ત્રણથી ચાર વર્ષ પહેલાં ગુજરાતના વહીવટી તંત્રમાં દર વર્ષે 15 થી 20 જેટલા સિનિયર અધિકારીઓ વયનિવૃત્ત થતાં હતા, પરંતુ હવે નવા યંગ ઓફિસરોની ભરતી થતાં બ્યુરોક્રેસીની પિરામીડ બદલાઇ રહી છે. 2025થી 2029ના વર્ષોમાં માત્ર આઠ (નોમિનેટ સિવાય) સિનિયર અધિકારીઓ નિવૃત્ત થવાના છે, જે પૈકી આ વર્ષે નવેમ્બરમાં સુનયના તોમર અને ડિસેમ્બરમાં એસ.જે. હૈદર નિવૃત્ત થશે. રાજ્ય બ્યુરોક્રસીમાં હાલમાં મુખ્ય સચિવ પંકજ જોશી પછી 1990 બેચના મનોજકુમાર દાસ સૌથી વરિષ્ઠ અધિકારી છે. તેઓ હાલમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે અને ડિસેમ્બર 2026માં નિવૃત્ત થવાના છે. મુખ્ય સચિવ પંકજ જોશી, જે 1989 બેચના છે, તેઓ ઓક્ટોબર 2025માં નિવૃત્ત થશે પરંતુ તેમના એક્સટેન્શનની શક્યતા જોવાઇ રહી છે. બીજીતરફ આગામી ચાર વર્ષમાં નિવૃત્ત થનારા અન્ય સિનીયર અધિકારીઓમાં કે. શ્રીનિવાસ, મનોજકુમાર દાસ, સી.વી. સોમ, અરુણકુમાર સોલંકી, ડૉ. જયંતિ રવિ, ડૉ. અંજુ શર્મા, મોના ખંધાર અને રમેશચંદ્ર મીના શામેલ છે.
ગુજરાતમાં નવી ઔદ્યોગિક પોલિસી ફાસ્ટ ટ્રેક પર
ADVERTISEMENT
ગુજરાતમાં ઓગષ્ટ મહિનામાં જ પૂર્ણ થયેલી ઔદ્યોગિક પોલિસીની જગ્યાએ નવી ટેકનોલોજી આધારિત ઔદ્યોગિક પોલિસીની જાહેરાત કરવા માટે રાજ્ય સરકાર મથામણ કરી રહી છે. આ પોલિસીમાં એટલા માટે ઉતાવળ કરવામાં આવી રહી છે કે ગુજરાત વાયબ્રન્ટ રિઝનલ કોન્ફરન્સ (VGRC)નો પ્રારંભ 9 અને 10 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતના મહેસાણાથી થઇ રહ્યો છે. ઉદ્યોગ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ પછી જાન્યુઆરી 2026માં કચ્છ-સૌરાષ્ટ્ર, એપ્રિલમાં સાઉથ ગુજરાત અને જૂનમાં સેન્ટ્રલ ગુજરાતમાં રિઝનલ કોન્ફરન્સ થવાની છે, જેમાં મૂડીરોકાણ કરવા ઉત્સુક ઉદ્યોગોને વધુમાં વધુ રાહતો તેમજ પ્રોત્સાહન આપી શકાય તે માટે વિભાગ અને તેને સંલગ્ન શાખાઓ અને જાહેર સાહસોના ઉચ્ચ અધિકારીઓને પોલિસીના ઘડતરમાં લગાવી દેવામાં આવ્યા છે. જો કોઇ અડચણ નહીં આવે તો ઓક્ટોબરમાં જ નવી ઔદ્યોગિક પોલિસીનો લાભ આપવાનું શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ)નું આયોજન જાન્યુઆરી 2027માં કરવામાં આવ્યું છે જેના અનુસંધાને આ રિઝનલ કોન્ફરન્સ યોજાઇ રહી હોવાનું કહેવામાં આવે છે.
જ્યાં પોસ્ટિંગ થાય ત્યાં લોકપ્રિય બનતા એક અધિકારી
ADVERTISEMENT
ગુજરાત પોલીસ દળમાં IPS અધિકારી અક્ષય રાજ હાલમાં ‘રાઇઝિંગ સ્ટાર’ તરીકે પ્રગટ થઈ રહ્યા છે. તેમની કામગીરી જોઈને લોકોમાં તેમની પ્રશંસા સતત વધી રહી છે. રાજકોટ જિલ્લાના વતની અને 2014 બેચના આ અધિકારી પાસે પાવર સિસ્ટમ્સમાં માસ્ટર ડિગ્રી છે. તાજેતરમાં જ થયેલી પોલીસ અધિકારીઓના બદલીમાં તેમને બનાસકાંઠાથી ભરૂચ ખસેડવામાં આવ્યા હતા. ભરૂચમાં પહોંચ્યા બાદ તેમણે કુખ્યાત બૂટલેગરની હવેલીને જેસીસીબી વડે ધરાશાયી કરાવીને લોકપ્રિયતા મેળવી છે. એ પહેલા, પાલનપુરમાંથી તેમની બદલી થતા હજારો લોકો તેમને વિદાય આપવા ઉમટી પડ્યા હતા. ગુજરાત પોલીસમાં થોડા ભ્રષ્ટ અધિકારીઓને કારણે દળની છબીને નુકસાન થતું હોવા છતાં અક્ષય રાજ જેવા અધિકારીઓ સાચા જનસેવક બની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરીને સમગ્ર વિભાગનું ગૌરવ વધારતા રહ્યા છે. નિવૃત્ત બેંક કર્મચારીના પુત્ર અક્ષય રાજે 34 વર્ષની ઉંમરે IPS તરીકે સ્થાન મેળવ્યું હતું. IPSમાં જોડાય તે પહેલાં તેઓ પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર તરીકે સેવાઓ આપતા હતા.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસે એવો મોટો કાંડ કર્યો કે હવે નેતાઓ પણ નહી બચાવી શકે
અભયારણ્યો અને પાર્ક માટે નીતિ બનાવવા દબાણ
ગુજરાત વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ (PAC) રાજ્ય સરકારને અભયારણ્યો અને નેશનલ પાર્કોની સીમાઓ વિસ્તારવા નીતિગત નિર્ણય લેવા તાકીદ કરી છે. કમિટીએ સ્પષ્ટ કર્યું કે વન્યજીવ ઉદ્યાનોની આજુબાજુ આવેલી આવક વિભાગની જમીનને વનવિભાગના કબજામાં આપવી જોઈએ, જેથી સંરક્ષણ સુનિશ્ચિત થઈ શકે. કમિટીએ સંરક્ષિત જંગલ વિસ્તારમાં વધતા દબાણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને પોતાની ભલામણોને અમલમાં મુકવા માટે એક્શન પ્લાન બનાવવાની માગણી કરી. ખાસ વાત એ છે કે PAC એ ભારતના કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ની રિપોર્ટને પણ માન્યતા આપી છે, જેમાં રાજ્યના જંગલ વિસ્તારમાં વાવેતરનાં નામે થયેલી મોટી બેદરકારીને ઉજાગર કરવામાં આવી હતી. હવે આ ભલામણોના અમલની જવાબદારી વન અને પર્યાવરણના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર અને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ઉપર આવી છે. ગુજરાતમાં હાલ 25 વન્યજીવ અભ્યારણ્યો આવેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Gautam has over 33 years of experience in print and digital media journalism with passion and dedication. With extensive experience in political and administrative reporting at Gujarat’s Secretariat and Legislative Assembly, his interests include social media, wildlife, and agriculture
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.