બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / સિદ્ધિ વિનાયક મંદિરના ઘુમ્મટમાં થાય છે બાર જ્યોતિર્લિંગના દર્શન, લાખો ભક્તોની આસ્થાનું છે કેન્દ્ર
Last Updated: 06:03 AM, 3 September 2025
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 68 વર્ષથી ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરતા સોસાયટીના રહીશોએ નક્કી કર્યું કે દર વર્ષે ગણપતિ બાપાનું વિસર્જન કરીએ છીએ એના કરતાં કાયમી ધોરણે ગણપતિજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ જેથી ગણપતિ પ્રત્યેની લોકોની શ્રદ્ધા જળવાઈ રહે અને લોકો ધાર્મિકતા તરફ પણ વળે. સોસાયટીના રહીશોના વિચારને વેગ મળતા સોસાયટીના જ કોમન પ્લોટમાં સિધ્ધી વિનાયક ગણેશજીનું મંદિર બનાવી 1997માં ગણપતિ બાપાને ધામધૂમથી બિરાજમાન કરવામાં આવ્યા.
ADVERTISEMENT
બાપુનગર પોલીસ સ્ટેશનની સામે આવેલા વર્ષો જૂના સિધ્ધી વિનાયક ગણેશ મંદિરે ભાવિકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. ભાવિકો દૂરદૂરથી પગપાળા મંદિરે દાદાના દર્શને આવી પોતાની મનોકામના દાદા સમક્ષ રજૂ કરે છે. અને દાદા તેમના તમામ દુઃખ દુર કરી તેમની મનોકામના પૂર્ણ કરે છે. મંદિરની આસપાસની સોસાયટીના રહીશો નિયમિત ગણપતિજીની પૂજા અર્ચના કરે છે મંદિરે સવાર સાંજ બે સમય ગણપતિદાદાની આરતી કરવામાં આવે છે.

ADVERTISEMENT
સિધ્ધી વિનાયક ગણેશ મંદિરનું પરિસર વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. મંદિરને કાચના વિવિધ ડિઝાઈનના આભલાથી શણગારવામાં આવ્યુ છે. મંદિરના ઘુમ્મટમાં પણ કાચના આભલાથી બાર જ્યોતીર્લીગ બનાવવામાં આવ્યા છે. જે મંદિરની સુંદરતા નિખારે છે. અને મંદિરે આવતા ભક્તો ભગવાન ગણપતિની સાથે સાથે ભગવાન શિવના બાર જ્યોતીર્લીગના દર્શન કરી ધન્ય થાય છે. મંદિરની સ્થાપના થઈ ત્યારથી મંદિરમાં અખંડ જ્યોતિ પ્રજ્જવલિત છે. મંદિરે દર મંગળવારે અને રવિવારે ભાવિક ભક્તો દુરદુરથી પગપાળા દાદાના દર્શન કરવા આવે છે. અને ભગવાન તમામ ભાવિકોને સદાય આશીર્વાદ આપે છે
સિધ્ધી વિનાયક ગણેશ મંદિરમાં ભગવાનની બંને બાજુની દિવાલ પાસે રીધ્ધી અને સિધ્ધીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અને દાદાની આસપાસમાં અરીસાને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જે પણ ભાવિક દાદાના દર્શન કરે ત્યારે રિધ્ધી સિધ્ધી તેમની આજુ બાજુમાં બિરાજમાન છે તેમ દ્રશ્યમાન થાય. સિધ્ધી વિનાયક ગણેશ મંદિરમાં મંગલકારી હનુમાનજી દાદાનું પણ મંદિર બનાવવામાં આવેલું છે. ગણપતિ મંદિરે આવતા તમામ ભક્તો હનુમાનદાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ADVERTISEMENT

મંદિરના પ્રાંગણમાં વિશાળ શિવાલય આવેલું છે. જે સિધ્ધેશ્વર મહાદેવના નામથી પ્રચલિત છે વર્ષો પહેલા મંદિરે નાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ સોસાયટીના સભ્યો દ્વારા વિશાળ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. મંદિરે આવતા ભક્તો ગણપતિબાપાના દર્શન કરવા આવે ત્યારે મહાદેવ અને હનુમાનજીના દર્શન કરી ધન્ય થાય છે. મંદિરની આસપાસ રહેતા લોકો દિવસની શરૂઆત મંદિરે આવી દર્શન બાદ જ કરે છે.
ADVERTISEMENT
સિધ્ધી વિનાયક ગણેશ મંદિરમાં વિવિધ ઉત્સવોની ઉજવણી ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. સંકટ ચોથ, અંગારકી ચોથ, શિવરાત્રી, શ્રાવણ માસ, જન્માષ્ટમી, હનુમાન જયંતી, રામનવમી જેવા ઉત્સવોની મંદિરે ઉજવણી કરવામાં આવે છે. જેમાં હજ્જારોની સંખ્યામાં ભાવિકો જોડાય છે. ગણેશ ઉત્સવ દરમિયાન દસ દિવસ ધામધૂમથી ગણપતિ બાપાના મંદિરે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને છેલ્લા દિવસે ભગવાન ગણપતિનો વરઘોડો નીકળવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ભગવાનના દર્શન કરી ધન્ય થાય છે. મંદિરમાં વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદનો લ્હાવો લે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વાત્રકના કિનારે છે 73 ફૂટ ઉંચુ ગણપતિનું આ મંદિર, મુંબઇના સિદ્ધિ વિનાયકથી લવાઇ છે અખંડ જ્યોત
સિધ્ધી વિનાયક ગણેશ મંદિર પરિસરમાં અનેક દેવી દેવતાઓ નાના નાના મંદિરો પણ બનાવવામાં આવેલા છે. જેમાં તિરુપતિ બાલાજી, રાધાકૃષ્ણ, બાબા રામદેવપીર, શ્રી લક્ષ્મીનારાયણ, બળીયા બાપા, સાઈબાબા, મહાકાળી માતાજી, અંબા માતાજી, રામ લક્ષ્મણ હનુમાનજી અને રામ દરબાર મંદિર આવેલા છે.. અહીં દર્શને આવતા ભક્તો અનેક દેવી દેવતાના દર્શન કરી દિવસની શરૂઆત કરે છે.
ADVERTISEMENT
સિધ્ધી વિનાયક ગણેશ મંદિર અમદાવાદીઓની આસ્થાનું કેન્દ્ર છે. અંગારકી ચોથે મંદિરે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દાદાના દર્શન કરવા મંદિરે ભક્તોની લાંબી કતારો થાય છે. ભાવિકો પોતાના પરિવાર સાથે દાદાના દર્શને આવે છે.. અને આસ્થા સાથે ગણેશજીની સામે શિશ નમાવી ધન્યતા અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.