રાજ્યમાં વરસેલા ભારે વરસાદને કારણે કૃષિ પાકોને નુકસાન થયું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 33 ટકાથી વધુ નુકસાની સહન કરનારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. જ્યારે 33%થી વધુ નુકસાનીના કેસમાં વિશેષ સહાય પેકેજની વિચારણા કરવામાં આવશે. આ સહાય ચૂકવવા માટે સરકારે સર્વે શરૂ કરી દીધો છે. આ તરફ હવે રાજ્ય સરકારના સર્વે પહેલા VTVNEWS દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેની માટે તમારે 079-40089127 અને 079-40089128 નંબર પર નુકસાનીની વાત કરવી પડશે. આ સાથે આપના ગામ, સીમમાં નુકસાની કેવી છે તે તમારી ચેનલ VTVNEWSને જણાવો.
ગુજરાતમાં સરકારના સર્વે પહેલા VTV NEWSનો સર્વે
રાજ્ય સરકારના સર્વે પહેલા VTV NEWS દ્વારા પાક નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં અનેક ખેડૂતોએ પોતાના ખેતરોમાં થયેલા નુકશાનની રજૂઆત કરી છે. જેની માટે VTV NEWS દ્વારા 079-40089127 અને 079-40089128 નંબર પણ જાહેર કર્યો છે. જેમાં ફોન કરી ખેડૂતે ફોન લાગે ત્યારે ગામ, જિલ્લો અને તેમનું નામ કહેવાનું રહેશે.
રાજ્યના કેટલાક વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ
રાજ્યમાં ભારે વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યું ન હોવાથી સર્વેની કામગીરી અટકી છે. જેથી સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સહાયનું પેકેજ જાહેર કરવામાં આવશે. આ સહાય મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલન દ્વારા જાહેર કરવામાં આવશે. જેમાં માત્ર બિયારણનું ધોવાણ થવા પર સહાય ચૂકવવામાં આવશે નહીં.
નવસારીમાં વરસાદે સર્જી તારાજી
નવસારી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાના અનેક ગામોમાં હજુ પણ પાણી છે. ત્યારે સૌથી વધુ નુકસાન નવસારી વાંસદા અને ખેરગામ તાલુકામાં થયું છે. વાંસદા તાલુકામાં અંદાજિત 53 હજાર હેક્ટરમાં પાણી ફરી વળતાં ડાંગર, શેરડી, વેઘણ, ભીંડાના પાકને નુકસાન થયું છે. નવસારીમાં નુકસાની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના માટે 45 જેટલી ટીમોની રચના કરી નવસારીના જુદા-જુદા તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. હજુ પણ ખેતરોમાં પાણી ઓસર્યા નથી ત્યાં ડ્રોન કેમેરાની મદદથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં પણ પુષ્કળ પાણી ખેતરોમાં ઘૂસ્યા
દ્વારકા જિલ્લા કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈ ભારે વરસાદ બાદ સાની ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. આ તરફ ડેમની જળસપાટી વધતા પાણી ખેતરોમાં ઘૂસ્યા છે. આ સાથે સૂર્યાવદર, રાણપરા, ડાંગરવડ, રાવલના ખેતરોમાં પાણી ભરાવાથી નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ ગયો છે. તો ગામોમાં સાની ડેમના પાણી ફરી વળતા પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી ખેડૂતોએ સર્વે કરી યોગ્ય વળતળ મળે તેવી અપીલ કરી છે.
ગીરસોમનાથના ખેતરો પાણીમાં ગરકાવ
ગીર સોમનાથ જિલ્લામાં સતત એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કોડીનાર, સુત્રાપાડા અને ગીર ગઢડાના ખેતરોમાં નુકસાન થયું છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું છે. જેનું પાણી ખેતરોમાં ભરાતા પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. કોડીનાર, તાલાળા, ગીર ગઢડા અને સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જેને કારણે મગફળી-સોયાબીનના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.