ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઓપરેશન થિયેટરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ, છતાં ડૉ.કિંજલ પરીખે મેડિકલ કાઉન્સિલના નિયમો મૂક્યા નેવે, સિઝેરિયન ડિલિવરીનો વીડિયો વાયરલ કર્યો
Last Updated: 10:33 PM, 22 November 2026
ADVERTISEMENT
અંબાજી: બનાસકાંઠા જિલ્લાના અંબાજીની સબ-ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની અંદર મોબાઇલથી વીડિયો અને ફોટોગ્રાફી કરવાના મામલે વિવાદ ઊભો થયો છે. હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં સિઝેરિયન ડિલિવરી (LSCS) દરમિયાન ઉતારવામાં આવેલા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હોવાના આક્ષેપથી દર્દીની ગોપનીયતા અને તબીબી નૈતિકતા અંગે ગંભીર સવાલો ઊઠ્યા છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલો ડેપ્યુટેશન પર અંબાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. કિંજલ પરીખની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં પ્રસૂતિની સર્જરી દરમિયાનના દૃશ્યો પોસ્ટ કરવામાં આવ્યા હતા.
સર્જરી દરમિયાનના વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયાનો આક્ષેપ
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર સામે આવેલી પોસ્ટમાં ઓપરેશન ટેબલ પર પ્રસૂતા દર્દી હોવાના દૃશ્યો તેમજ સિઝેરિયન સર્જરીની પ્રક્રિયા દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સર્જરી દરમિયાન બહાર કાઢવામાં આવેલા અંગ અથવા ટિશ્યૂના દૃશ્યો પણ વીડિયોમાં હોવાના આક્ષેપ છે. પોસ્ટ સાથે ડૉ. પરીખે અંગ્રેજીમાં 'એન કોલ બર્થ' (En Caul Birth) અંગે માહિતી આપી હતી. આ એક દુર્લભ પ્રસૂતિની ઘટના છે, જેમાં બાળક એમ્નિઓટિક કોથળીની અંદર જ જન્મે છે. પોસ્ટમાં આ ઘટનાને આશરે 80,000 જન્મમાંથી એક વખત બનતી દુર્લભ ઘટના તરીકે વર્ણવવામાં આવી હતી.
અંબાજી સબ-ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલ વિવાદમાં, ગાયનેક ડૉક્ટરે ઓપરેશનનો વીડિયો વાયરલ કરતા ચકચાર, હોસ્પિટલ તંત્રએ માત્ર નોટિસ ફટકારી માન્યો સંતોષ #Ambaji #GovernmentHospital #DoctorControversy #KinjalParikh #HospitalNews #VTVDigital https://t.co/gI2rjebIxr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 22, 2026
ADVERTISEMENT
દર્દીની સંમતિ અંગે ઊઠ્યા ગંભીર સવાલો
આ ઘટનાએ હોસ્પિટલમાં દર્દીઓની ગોપનીયતા અને ગરિમા જાળવવાના નિયમો અંગે ચર્ચા જગાવી છે. ઓપરેશન થિયેટર જેવા અત્યંત સંવેદનશીલ સ્થળે સર્જરી દરમિયાન મોબાઇલથી રેકોર્ડિંગ કરવાની મંજૂરી કોણે આપી હતી તેવો સવાલ ઊઠી રહ્યો છે. સાથે જ, દર્દીની લેખિત અને સ્પષ્ટ સંમતિ લેવામાં આવી હતી કે નહીં, સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતાં પહેલાં હોસ્પિટલ પ્રશાસનની મંજૂરી મેળવવામાં આવી હતી કે નહીં અને તબીબી ગોપનીયતાના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે મુદ્દે તપાસની માગ થઈ રહી છે.
ADVERTISEMENT
હોસ્પિટલ પ્રશાસન દ્વારા તબીબને નોટિસ
વિવાદ વધતાં હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા સંબંધિત તબીબને નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરી જવાબદારી નક્કી કરવામાં આવશે. તપાસમાં જરૂર જણાશે તો સંબંધિત તબીબ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ હોસ્પિટલ પ્રશાસન દ્વારા જણાવાયું છે.
ADVERTISEMENT
સરકારી હોસ્પિટલોમાં મોબાઇલના ઉપયોગ પર નિયંત્રણની માગ
ADVERTISEMENT
આ ઘટનાને પગલે સરકારી હોસ્પિટલોના ઓપરેશન થિયેટરમાં મોબાઇલ ફોન અને કેમેરાના ઉપયોગ અંગે સ્પષ્ટ તથા કડક માર્ગદર્શિકા અમલમાં મૂકવાની માગ ઊઠી છે. દર્દીની સંમતિ, ગોપનીયતા અને ગરિમા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. હવે આ મામલે હોસ્પિટલ પ્રશાસનની તપાસમાં શું બહાર આવે છે અને સંબંધિત તબીબ સામે આગળ કેવાં પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.