ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં માતાની નજર સામે જ 3 વર્ષના બાળકનું અપહરણ, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ આરંભી
Last Updated: 05:59 PM, 22 November 2026
ADVERTISEMENT
મહેસાણા રેલવે સ્ટેશન પર ત્રણ વર્ષના બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યો શખ્સ નાસ્તો કરાવવાના બહાને બાળકને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારબાદ પરત ફર્યો નહોતો. લાંબી શોધખોળ બાદ પણ પુત્રનો પત્તો ન મળતાં માતાએ મહેસાણા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજની તપાસ સહિત બાળકની શોધખોળ તેજ કરી છે.
ADVERTISEMENT
બાળકોને રમાડીને માતાનો વિશ્વાસ જીત્યો
મળતી માહિતી મુજબ, મૂળ કર્ણાટકના હુબલી-ધારવાડના સોનુર ગામની રેશ્માબેન અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં હોટલમાં કામ અને ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવાળીના બીજા દિવસે સોમવારે સવારે આશરે 6 વાગ્યે તેઓ પોતાના ત્રણ વર્ષના પુત્ર રાહુલ અને બે વર્ષની પુત્રી સોના સાથે સાબરમતી રેલવે સ્ટેશનથી પતિના વતન લોટીવાડા જવા ટ્રેનમાં બેઠાં હતાં.
ADVERTISEMENT
જોકે, ઊંઘમાંથી જાગ્યા બાદ મહેસાણા સ્ટેશન આવતા તેમને ખ્યાલ આવ્યો કે ટ્રેન પાટણ થઈ જોધપુર તરફ જઈ રહી છે. સિરોહી તરફ જવાનું હોવાથી તેઓ બંને બાળકો સાથે મહેસાણા સ્ટેશન પર ઊતરી ગયાં હતાં.
પ્લેટફોર્મ નંબર 4/5 પર ઉત્તર તરફના સ્ટોલ પાસે બેઠાં હતાં ત્યારે તેમની મુલાકાત 25થી 30 વર્ષના અજાણ્યા યુવક સાથે થઈ હતી. રેશ્માબેને તેની પાસેથી વિમલ ગુટખાની બે પડીકી લીધી હતી. ત્યારબાદ યુવક બાળકો સાથે રમવા લાગ્યો હતો અને તેમને સ્ટોલ પરથી ચા-પાણી તથા નાસ્તો પણ કરાવતો હતો. આ રીતે તેણે માતાનો વિશ્વાસ જીતી લીધો હતો.
ADVERTISEMENT
નાસ્તો કરાવવાના બહાને રાહુલને લઈ ગયો
સાંજે આશરે પાંચ વાગ્યે ત્રણ વર્ષના રાહુલને ભૂખ લાગતાં અજાણ્યો યુવક તેને નાસ્તો કરાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. શરૂઆતમાં રેશ્માબેનને યુવક પર વિશ્વાસ હોવાથી તેમણે કોઈ શંકા કરી નહોતી. પરંતુ એક કલાક વીતી જવા છતાં યુવક બાળક સાથે પરત ન ફરતાં તેમણે સ્ટેશન પર શોધખોળ શરૂ કરી હતી.
ADVERTISEMENT
બાળકનો કોઈ પત્તો ન મળતાં તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે યુવક રાહુલને નજીકના પોલીસ સ્ટેશનમાં મૂકી ગયો હશે. આ માન્યતાથી તેઓ આબુરોડ પહોંચ્યાં હતાં. ત્યારબાદ મહેસાણા, અમદાવાદ અને પાલનપુર સહિતના રેલવે સ્ટેશન વિસ્તારોમાં પણ પુત્રની શોધખોળ કરી હતી. જોકે, રાહુલ ન મળતાં અંતે મહેસાણા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીનો દેખાવ કેવો છે?
ADVERTISEMENT
માતાએ ફરિયાદમાં અજાણ્યા યુવકનું વર્ણન આપતાં જણાવ્યું છે કે તેની ઉંમર આશરે 25થી 30 વર્ષની છે. તેના વાળ કાળા અને આશરે ત્રણ ઇંચ લાંબા છે. તે હિન્દી ભાષા બોલે છે. ઘટનાના સમયે તેણે કાળા રંગના શર્ટ પર સફેદ ફૂલોની ભાતવાળું શર્ટ અને આસમાની રંગનું જીન્સ પેન્ટ પહેર્યું હતું. તેના પગમાં ચપ્પલ પણ નહોતાં.
ચારથી પાંચ પોલીસ ટીમો દ્વારા શોધખોળ
ADVERTISEMENT
તપાસ કરી રહેલા PI જે.જી. દેસાઈએ જણાવ્યું હતું કે બાળકની શોધખોળ માટે રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજની તપાસ તથા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. હાલ ચારથી પાંચ પોલીસ ટીમો અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. આ ઉપરાંત અમદાવાદ રેલવેની લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ જાણ કરવામાં આવી છે અને તેમની ટીમ પણ અમદાવાદમાં તપાસ કરી રહી છે.
પતિથી અલગ થયા બાદ બે બાળકોનો ઉછેર કરતી હતી માતા
રેશ્માબેનના જણાવ્યા મુજબ, આશરે આઠ વર્ષ પહેલાં પરિવારજનો સાથે મનદુઃખ થતાં તેઓ મુંબઈ ગયાં હતાં. લોકડાઉન દરમિયાન અમદાવાદ આવ્યા બાદ કાલુપુરમાં મોતીમહેલ સામે આવેલી બાપુ હોટલમાં જમવા જતાં તેમની ઓળખાણ રામસિંહ મારવાડી સાથે થઈ હતી. ત્યારબાદ બંને સાથે રહેવા લાગ્યાં હતાં.
આ પણ વાંચોઃ રાજકોટમાં બાળક ગુમ થવાના કેસમાં મહિલા ASI સસ્પેન્ડ! મામાની ફરિયાદ નોંધવાનો કર્યો હતો ઈનકાર
આ સંબંધથી તેમને રાહુલ અને સોના નામનાં બે બાળકો થયાં હતાં. બંને રાજસ્થાનના શિવગંજ તાલુકાના છોટા લોટીવાડા ખાતે પણ અવરજવર કરતાં હતાં. જોકે, અવારનવાર થતા ઝઘડાઓને કારણે રામસિંહ તેમને છોડીને જતો રહ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી રેશ્માબેન બાપુ હોટલ નજીક ફૂટપાથ પર રહીને બંને બાળકોનો ઉછેર કરી રહ્યાં હતાં. હાલ ત્રણ વર્ષના રાહુલની શોધખોળ માટે રેલવે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં લાગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.