ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / બેંક લોન લેનારનું મૃત્યુ થાય તો પત્ની કે બાળકો પાસે વસૂલી કરી શકે? જાણો તમારા કાયદાકીય અધિકારો!

બિઝનેસ / બેંક લોન લેનારનું મૃત્યુ થાય તો પત્ની કે બાળકો પાસે વસૂલી કરી શકે? જાણો તમારા કાયદાકીય અધિકારો!

Published By: Jinal Chauhan

Last Updated: 12:35 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિવારમાં કમાતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય અને તેના નામે બેંક લોન બાકી હોય તો પરિવારની ચિંતા વધી જાય છે. આવી સ્થિતિમાં શું બેંક પત્ની, બાળકો કે માતા-પિતા પાસેથી લોનની વસૂલી કરી શકે છે?

ADVERTISEMENT

ઘણી વખત લોકો હોમ લોન, પર્સનલ લોન કે અન્ય જરૂરિયાતો માટે બેંકમાંથી લોન લેતા હોય છે. પરંતુ લોન ચૂકવતા પહેલાં જ લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો બાકી રકમનું શું થાય તેવો સવાલ ઊભો થાય છે. ખાસ કરીને પત્ની અને બાળકોને ડર હોય છે કે હવે બેંક તેમની પાસેથી પૈસા માગશે કે નહીં. શું પરિવારનું ઘર, જમીન કે બચત પણ જોખમમાં આવી શકે છે? જોકે, આ મામલે કાયદામાં કેટલીક સ્પષ્ટ જોગવાઈઓ છે, જે જાણવી દરેક પરિવાર માટે જરૂરી છે.

વ્યક્તિના મૃત્યુ પછી બેંક લોનનું શું થાય છે?

કોઈ વ્યક્તિએ બેંકમાંથી લોન લીધી હોય અને તેનું મૃત્યુ થાય તો તેની સાથે લોન પણ આપોઆપ માફ થઈ જતી નથી. બેંક પાસે બાકી રકમ વસૂલવા માટે કાયદાકીય અધિકાર રહે છે. જોકે, આનો અર્થ એવો નથી કે મૃતકના પરિવારના દરેક સભ્યએ લોન ચૂકવવી જ પડે.જો લોન લેનાર વ્યક્તિએ પોતાના નામે લોન લીધી હોય અને તેની પત્ની, બાળકો કે માતા-પિતા લોનના દસ્તાવેજોમાં સહકર્જદાર (કો-બોરોઅર) કે ગેરંટર ન હોય તો બેંક તેમની અંગત આવકમાંથી લોનની વસૂલી કરી શકતી નથી. જોકે, મૃતક વ્યક્તિ પોતાની પાછળ જે સંપત્તિ કે પૈસા મૂકીને ગયો હોય અને પરિવારને તે વારસામાં મળ્યા હોય તો તેમાંથી બાકી લોનની વસૂલી થઈ શકે છે.

loan-final

શું બેંક પત્ની કે બાળકો પાસેથી લોન વસૂલી શકે?

આ સવાલ ઘણા પરિવારો માટે ચિંતાનો વિષય હોય છે. ખાસ કરીને ઘરના મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે પત્ની અને બાળકોને લાગે છે કે હવે બેંક તેમની પાસેથી લોનની રકમ માગશે.પરંતુ કાયદા પ્રમાણે માત્ર પત્ની, પુત્ર કે પુત્રી હોવાના કારણે કોઈ વ્યક્તિ બીજાની લોન માટે જવાબદાર બની જતી નથી. જો પત્ની કે બાળકો લોનમાં કો-બોરોઅર કે ગેરંટર નથી તો બેંક તેમની અંગત કમાણી, પગાર કે પોતાની બચતમાંથી પૈસા વસૂલ કરી શકતી નથી.જોકે, મૃતકના નામે બેંક બેલેન્સ, મિલકત કે અન્ય સંપત્તિ હોય અને તે પરિવારના સભ્યોને વારસામાં મળી હોય તો બેંક કાયદાકીય પ્રક્રિયા દ્વારા તે સંપત્તિમાંથી બાકી રકમ મેળવવાનો પ્રયાસ કરી શકે છે. એટલે કે પરિવારની જવાબદારી સામાન્ય રીતે મૃતક પાસેથી મળેલી સંપત્તિની હદ સુધી જ રહે છે.

પિતાનું મૃત્યુ થાય તો બાળકોએ લોન ચૂકવવી પડે?

ધારો કે કોઈ વ્યક્તિએ બેંકમાંથી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી હતી. લોનની કેટલીક હપ્તા ભર્યા બાદ તેનું મૃત્યુ થઈ જાય છે અને હજુ 6 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. હવે તેના બે બાળકો છે. આવી સ્થિતિમાં શું બાળકોએ પિતાની લોન ચૂકવવી પડશે?જો બાળકો લોનમાં કો-બોરોઅર કે ગેરંટર નથી તો તેમણે પોતાના પગાર કે અંગત બચતમાંથી 6 લાખ રૂપિયા ચૂકવવાની ફરજ પડતી નથી. માત્ર પિતાના સંતાન હોવાના કારણે તેઓ બેંકના સીધા દેવાદાર બની જતા નથી.પરંતુ જો પિતા પોતાની પાછળ ઘર, જમીન, પૈસા કે બીજી કોઈ સંપત્તિ મૂકીને ગયા હોય અને તે બાળકોને વારસામાં મળી હોય તો બેંક તે સંપત્તિમાંથી બાકી લોનની વસૂલી માટે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

શું બેંક મૃતકનું ઘર કે જમીન જપ્ત કરી શકે?

આ બાબત લોનના પ્રકાર અને લોન લેતી વખતે કઈ સંપત્તિ બેંક પાસે ગીરવે મૂકવામાં આવી હતી તેના પર આધાર રાખે છે. દરેક લોનમાં બેંકને ઘર કે જમીન જપ્ત કરવાનો અધિકાર મળતો નથી.

vtv app promotion

આ પણ વાંચોઃ સોના-ચાંદીની ચમક સતત ફિક્કી પડી, ભાવમાં આજેય કડાકો, ગ્રાહકોને રાહત!

હોમ લોન લીધી હોય તો શું થાય?

જો કોઈ વ્યક્તિએ ઘર ખરીદવા માટે હોમ લોન લીધી હોય અને તે ઘર બેંક પાસે ગીરવે રાખ્યું હોય તો લોનની ચુકવણી ન થવાના કિસ્સામાં બેંક કાયદા મુજબ તે ઘર સામે કાર્યવાહી કરી શકે છે. જરૂર પડે તો બાકી રકમ મેળવવા માટે ઘરની હરાજી પણ થઈ શકે છે.આવી સ્થિતિમાં પરિવાર ઘર બચાવવા માગતો હોય તો બેંક સાથે વાત કરીને બાકી હપ્તા ભરવા અથવા લોનની ચુકવણી માટેની બીજી વ્યવસ્થા અંગે ચર્ચા કરી શકે છે.

પર્સનલ લોન લીધી હોય તો શું થાય?

પર્સનલ લોન સામાન્ય રીતે કોઈ મિલકત ગીરવે મૂક્યા વગર આપવામાં આવે છે. આવી લોનમાં લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક તેની પાછળ રહી ગયેલી સંપત્તિમાંથી કાયદાકીય રીતે વસૂલી કરવાનો પ્રયાસ કરી શકે છે.પરંતુ પરિવારના સભ્યોએ પોતાની કમાણીથી અલગથી ખરીદેલું ઘર, જમીન કે અન્ય સંપત્તિ માત્ર મૃતક સાથેના સંબંધના આધારે બેંક જપ્ત કરી શકતી નથી. જો પરિવારનો કોઈ સભ્ય લોનમાં ગેરંટર કે કો-બોરોઅર હોય તો સ્થિતિ અલગ બની શકે છે.

પત્ની કે પરિવારનો સભ્ય ગેરંટર હોય તો શું થશે?

લોન લેતી વખતે જો કોઈ વ્યક્તિએ પોતાની પત્ની, ભાઈ, પિતા કે અન્ય પરિવારના સભ્યને ગેરંટર બનાવ્યા હોય તો લોન લેનારના મૃત્યુ પછી પણ ગેરંટરની જવાબદારી ચાલુ રહી શકે છે.ગેરંટર એટલે એવી વ્યક્તિ જે લોન લેનાર વ્યક્તિ પૈસા ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેની જગ્યાએ બાકી લોન ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે. ભારતીય કરાર અધિનિયમ, 1872ની કલમ 128 મુજબ ગેરંટરની જવાબદારી સામાન્ય રીતે મુખ્ય દેવાદાર જેટલી હોય છે, સિવાય કે કરારમાં અલગ શરત નક્કી કરવામાં આવી હોય.એટલે લોન લેનારનું મૃત્યુ થાય તો પણ ગેરંટર પોતાની જવાબદારીમાંથી આપોઆપ મુક્ત થઈ જતું નથી. આવી સ્થિતિમાં બેંક ગેરંટર પાસેથી પણ બાકી રકમની માંગણી કરી શકે છે.

પરિવારનો સભ્ય કો-બોરોઅર હોય તો શું થાય?

ઘણી વખત પતિ-પત્ની સાથે મળીને હોમ લોન લેતા હોય છે. તો કેટલીક વખત પરિવારના અન્ય સભ્યને પણ લોનમાં કો-બોરોઅર બનાવવામાં આવે છે.કો-બોરોઅર એટલે લોન લેવામાં મુખ્ય લોન લેનારની સાથે સામેલ થયેલી બીજી વ્યક્તિ, જેની પણ લોન ચૂકવવાની જવાબદારી હોય છે. જો પતિ અને પત્નીએ સંયુક્ત રીતે હોમ લોન લીધી હોય અને પતિનું મૃત્યુ થાય તો પત્નીની લોન ચૂકવવાની જવાબદારી ખતમ થતી નથી.આવા કિસ્સામાં બેંક બાકી લોનની રકમ માટે જીવિત કો-બોરોઅરનો સંપર્ક કરી શકે છે. તેથી લોન લેતી વખતે કયા દસ્તાવેજ પર સહી કરવામાં આવી રહી છે તે સમજવું ખૂબ જરૂરી છે. માત્ર સાક્ષી તરીકે સહી કરવી અને ગેરંટર કે કો-બોરોઅર તરીકે સહી કરવી, આ બંને વચ્ચે મોટો તફાવત છે.

શું બેંકના રિકવરી એજન્ટ પરિવારને હેરાન કરી શકે?

લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થયા પછી બેંક અથવા તેના રિકવરી એજન્ટ પરિવારનો સંપર્ક કરી શકે છે. તેઓ બાકી લોનની માહિતી આપી શકે છે અને કાયદાકીય રીતે રકમ ચૂકવવા માટે વાત કરી શકે છે. પરંતુ વસૂલીના નામે પરિવારને ધમકાવવા, ગાળો આપવા કે અપમાનિત કરવાનો અધિકાર તેમને નથી.રિઝર્વ બેંકના નિયમો મુજબ બેંક અને રિકવરી એજન્ટે વસૂલી કરતી વખતે યોગ્ય વર્તન રાખવું જરૂરી છે. તેઓ પરિવારના સભ્યોને ધમકી આપી શકતા નથી, જાહેરમાં અપમાનિત કરી શકતા નથી કે વારંવાર ખોટા સમયે ફોન કરીને હેરાન કરી શકતા નથી.જો કોઈ રિકવરી એજન્ટ આવી હરકત કરે તો પરિવાર બેંકના ફરિયાદ વિભાગમાં લેખિત ફરિયાદ કરી શકે છે. બેંક તરફથી યોગ્ય જવાબ ન મળે તો નિયમો મુજબ રિઝર્વ બેંકની ફરિયાદ વ્યવસ્થા એટલે કે ઇન્ટિગ્રેટેડ લોકપાલનો સંપર્ક પણ કરી શકાય છે.

બેંક લોન ભરવાની નોટિસ મોકલે તો પરિવારે શું કરવું?

કોઈ વ્યક્તિના મૃત્યુ પછી બેંક તેના પરિવારને લોન ભરવા માટે નોટિસ મોકલે તો ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલાં નોટિસમાં શું લખ્યું છે અને કયા આધારે પૈસા માગવામાં આવ્યા છે તે સમજવું જરૂરી છે.સૌથી પહેલાં બેંકને મૃતકનું ડેથ સર્ટિફિકેટ આપવું જોઈએ. ત્યારબાદ બેંક પાસેથી લોનની બાકી રકમ, અત્યાર સુધી ભરેલા હપ્તા અને અન્ય ચાર્જની વિગત સાથેનું સ્ટેટમેન્ટ માગવું જોઈએ.જો પરિવારનો કોઈ સભ્ય કો-બોરોઅર કે ગેરંટર ન હોય તો બેંકને લેખિતમાં જાણ કરવી જોઈએ કે તેણે લોનની જવાબદારી સ્વીકારી નથી. આ સાથે મૃતક વ્યક્તિએ લોન પ્રોટેક્શન ઇન્શ્યોરન્સ લીધો હતો કે નહીં તે પણ તપાસવું જોઈએ.જો આવી વીમા પોલિસી હોય તો તેની શરતો પ્રમાણે વીમા કંપની બાકી લોનની રકમ ચૂકવી શકે છે. જોકે, દરેક પોલિસીમાં કવર અને ચૂકવણીની શરતો અલગ હોય છે. તેથી પોલિસીના દસ્તાવેજો તપાસવા જરૂરી છે.બેંક કે રિકવરી એજન્ટ દ્વારા ખોટી રીતે દબાણ કરવામાં આવે તો તેની સામે લેખિત ફરિયાદ કરવી જોઈએ. જો નોટિસમાં મિલકત જપ્ત કરવાની વાત હોય અથવા કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ હોય તો સમયસર વકીલની સલાહ લેવી જોઈએ.

શું કહે છે કાયદો? જાણો પરિવારના અધિકારો

ભારતીય કરાર અધિનિયમ, 1872ની કલમ 37 મુજબ કરારમાંથી ઊભી થતી કેટલીક જવાબદારીઓ વ્યક્તિના મૃત્યુ પછી તેના કાયદેસરના પ્રતિનિધિઓ પર લાગુ થઈ શકે છે. જોકે, આ જવાબદારી સામાન્ય રીતે મૃતક પાસેથી મળેલી સંપત્તિની હદ સુધી જ રહે છે.સિવિલ પ્રક્રિયા સંહિતા (CPC)ની કલમ 50(2)માં પણ કાયદેસરના પ્રતિનિધિઓની જવાબદારી અંગે જોગવાઈ છે. તેના આધારે મૃતકની સંપત્તિ વારસામાં મેળવનાર વ્યક્તિ પાસેથી તે સંપત્તિની હદ સુધી બાકી લોનની વસૂલી થઈ શકે છે.આનો અર્થ એ છે કે બેંકને લોનની બાકી રકમ મેળવવાનો કાયદાકીય અધિકાર છે, પરંતુ માત્ર મૃતકના પરિવારના સભ્ય હોવાના કારણે કોઈની અંગત કમાણી કે પોતાની મિલકત પર દાવો કરી શકાય નહીં. જો વ્યક્તિ લોનમાં ગેરંટર કે કો-બોરોઅર હોય તો તેની જવાબદારી અલગ રહે છે.આથી કોઈના મૃત્યુ પછી બેંક લોન બાકી હોય તો સૌથી પહેલાં લોનના દસ્તાવેજો, ગેરંટર, કો-બોરોઅર અને વીમાની વિગતો તપાસવી જોઈએ. ઉતાવળમાં પૈસા ચૂકવવા કે કોઈ દસ્તાવેજ પર સહી કરવાને બદલે કાયદાકીય સ્થિતિ સમજીને નિર્ણય લેવો વધુ યોગ્ય છે.

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Loan After Death Bank Loan Rules Loan

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ