બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની અનોખી નવરાત્રિ, પ્રવેશ સાવ ફ્રી, ઉપરથી ગિરનારી ખીચડ઼ી અને છાશનો પ્રસાદ

નવરાત્રિ / અમદાવાદની અનોખી નવરાત્રિ, પ્રવેશ સાવ ફ્રી, ઉપરથી ગિરનારી ખીચડ઼ી અને છાશનો પ્રસાદ

Jaydeep Shah

Last Updated: 04:13 PM, 10 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક બાજુ જ્યાં નવરાત્રિમાં ફિલ્મી ગીતોની રમઝટ બોલાઈ રહી છે, એક બાજુ જ્યાં નવરાત્રિના ગરબા ગરબા ઓછા અને કોન્સર્ટ વધારે લાગી રહી છે, ત્યારે હજીય સમાજમાં કેટલાક એવા વીરલાઓ છે, જે સામા પાણીએ તરીને ગરબાનું આદ્ય સ્વરૂપ સાચવી રહ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પરંપરાગત ગરબા છૂટેછવાયે સચવાઈ રહ્યા છે, ક્યાંક માઈક વગર, ક્યાંક લાઈટની ઝાકમઝોળ વગર ગરબાની પરંપરા જળવાઈ રહી છે. પણ અમદાવાદમાં એક એવી નવરાત્રિ યોજાઈ રહી છે, જેમાં ભાગ લેવા માટે લોકોમાં પડાપડી થઈ રહી છે. અહીં ન તો સેલ્ફી પોઈન્ટ્સ છે, ન તો રંગીન લાઈટોનો આંખ આંજી દેતો પ્રકાશ. છતાંય, આખા અમદાવાદમાંથી યુવાનો આ ગરબામાં ભાગ લેવા માટે તલપાપડ થતા જોવા મળી રહ્યા છે.

આ આયોજનની ખાસ વાત એ છે કે અહીં એન્ટ્રી સાવ ફ્રી છે. એક બાજુ જ્યાં મોંઘા મોંઘા પાસમાં પાર્ટીપ્લોટમાં એન્ટ્રી મળે છે, ત્યાં નવશક્તિના ગરબા તદ્દન ફ્રી છે. બસ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. વળી અહીં ગુજરાતી ભાષાના દિગ્ગજ ગાયક, જેમને ત્રણ ત્રણ પેઢી સાંભળીને મોટી થઈ છે, જેમના નામે 7000થી વધુ ગરબા બોલે છે, તેવા પ્રફુલ દવે પોતે ગરબા કરાવે છે. સાથે જ તેમનો સાથ પુરાવે છે તેમના પુત્ર હાર્દિક દવે. હવે આટલું મોટું આયોજન કરવામાં ખર્ચ તો થાય, એટલે ખેલૈયાઓ જે પણ શ્રદ્ધાથી પોતાની શક્તિ અનુસાર અનુદાન આપે, તે સ્વીકારવામાં આવે છે. વળી વ્યવસ્થા માટે પણ સ્વયંસેવકો પોતાની મરજીથી આવી જાય છે.

ચા અને ગિરનારી ખીચડી

જો તમે નવશક્તિના ગરબામાં જઈ રહ્યા છો, તો શક્ય છે કે પ્રફુલ દવેની સાથે સાથે તમને સોનામાં સુગંધ ભળે તેમ કોઈ વાર ભીખુદાન ગઢવી, આદિત્ય ગઢવી, ઈશાની દવે જેવ જબરજસ્ત ગાયકોના કંઠને સાંભળવાનો પણ લાભ મળે. આ વખતની નવરાત્રિમાં જુદા જુદા દિવસે આ બધા જ કલાકારો ખેલૈયાઓને ઝૂમાવી ચૂક્યા છે. વળી જેમ શેરી ગરબામાં કે ગામના ગરબામાં નાસ્તાનું આયોજન હોય, એમ અહીં પણ યુવાનોને ભાવતા ભોજન પીરસાય છે. નવશક્તિ નવરાત્રીમાં ખેલૈયાઓ પ્રસાદમાં છાશ અને ગિરનારી ખીચડી પેટ ભરીને જમાડવામાં આવે છે. આની પાછળનું મહત્વ જણાવતા પ્રફુલભાઇના નાના ભાઈ શૈલેષભાઇ જણાવે છે કે,' નવશક્તિ નવરાત્રિમાં માત્ર ગરબા નહીં સાથે મળીને ભોજન બનાવવાનું પણ આયોજન હોય છે. તેના માટે અહીંયા કોમ્યુનિટી કિચન બનાવવામાં આવ્યું છે જેમાં યુવાનો એકબીજાનો સાથ મેળવીને ગિરનારી ખીચડી બનાવીને લોકોને ખવડાવે છે. આ ખીચડીમાં શાકભાજી નાખવામાં આવે છે જેના કારણે ખેલૈયાઓમાં એનર્જી બની રહી અને શરીરને કોઇ નુકસાન ન પહોંચે.

ક્રાઉડ ફંડિંગથી યોજાય છે ગરબા

હાર્દિકભાઇના મિત્ર ભાર્ગવ પુરોહિત જણાવે છે કે હાર્દિકભાઇને એક વિચાર આવ્યો કે કોઈ પણ પ્રકારના સ્પોન્સરશીપ વગર ફક્ત ક્રાઉડ ફંડીગ દ્વારા ગરબાનું આયોજન કરવું છે. નવરાત્રિમાં ગરબાના આયોજન તમામ સ્થળે થાય છે. પરંતુ તેમાંથી લોકો ગરબા સિવાય કંઈ કરી શકતા નથી. આ આયોજનમાં ખેલૈયાઓ માની આરાધના કરે છે, ધ્યાન કરે છે, ગરબાનું મહત્વ અને તેના અર્થ સમજી શકે છે. ઉપરાંત આ આયોજનમાં ભાગ લેતા સ્વયંસેવકો વિવિધ જગ્યાએથી આવતા હોય છે. ભારતીય સંસ્કૃતિ સૌ કોઈને ભેગા મળીને આગળ વધવાની છે. સમાજનો દરેક વર્ગ સાથે મળીને આગળ વધે, એકબીજાને મદદરૂપ થાય અને તહેવારોમાં ભેગા મળીને આયોજન કરી ઉત્સવનો લાભ લઇએ તેવા ઉદ્દેશથી આ પ્રકારની નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ આયોજન થકી અમે પણ ઘણું શીખ્યા છીએ, અને હજી શીખી રહ્યા છે.

નવશક્તિ નવરાત્રીનો અર્થ સમજાવતા વિવિધ પોસ્ટર

નવશક્તિ નવરાત્રી દ્વારા ગ્રાઉન્ડમાં થોડા થોડા અંતરે વિવિધ પોસ્ટર મુકવામાં આવ્યા છે. જેમાં કલાદાન, ધ્યાન, અનુદાન, કોમ્યુનિટી કિચન, કેન્દ્રમાં નવદુર્ગા જેવા વિષયો પર લેખ લખવામાં આવ્યો છે. જેના થકી ખેલૈયાઓ નવશક્તિ નવરાત્રીના મહત્વના આ શબ્દોનો અર્થ સમજી શકે અને આ આયોજન પાછળના મહત્વ થકી "સાથે મળીને ચાલવાની ભાવના" ને પોતાના જીવનમાં ઉતારી શકે.

પ્રફુલ દવેએ આપ્યું પહેલું પેમેન્ટ

નવશક્તિ નવરાત્રિની અમે જ્યારે મુલાકાત લીધી તો પ્રફુલભાઈ દવે સાથે પણ વાત કરી. જેમની સાથેની વાતચીતમાં આ આખા આયોજનના હાર્દ વિશે ખ્યાલ આવ્યો. પ્રફુલભાઈ કહે છે કે,' અમને ખબર હતી કે અમારે સામા પાણીએ ચાલવાનું છે, આખું ક્ષેત્ર બગડી ગયેલું હોય તેને રિપેર કરવાનું છે. આ કામ સહેલું નથી. અમે આ આયોજનમાં કોમ્યુનિટીને બોલાવી છે ક્રાઉડને નહી. છોકરાઓ મિસ ગાઈડ થયા હોય તો તેમને સમજાવીને સત્ય તરફ તો વાળવા પડે. સમાજમાંથી કોઇએ તો આ કામગીરી કરવી પડશે. જે કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. નવશક્તિ નવરાત્રિમાં આવતા યંગસ્ટર્સને સંબોધીને મે લખ્યું છે કે "જે કોઇ ન કરી શકે તે કરી બતાવ્યું છે, નેવાનું પાણી મોભે ચઢાવી બતાવ્યું છે, નવશક્તિ કેરુ શોષે પાણી બતાવ્યું છે તમે, જે વિઘ્ન છે તે ફગાવી બતાવ્યું છે તમે." નવરાત્રીના દિવસોએ કલાકાર માટે બ્રેડ બટર સમાન છે. આ તહેવારોમાં કલાકારનું ઓછામાં ઓછું બજેટ 5 લાખ રૂપિયા થતું હોય છે. આ ટાણે કોઈ સાથે આદર્શની વાત કરો તો તરત સહમત ન થાય કેમકે વર્ષમાં એક આ મુખ્ય તહેવાર આવતો હોય છે. કોઇકએ આ પેમેન્ટ કરવું પડે ને, આ વાત મે હાર્દિકને કરી એણે કીધું કે હું પે કરી દઇશ, કમાવવાને બદલે આ ગુમાવવાની વાત થઇ. પણ મુખ્ય વાત એ છે કે "લડવા જતા પહેલા પોતાના કાંડે ધા ઝેલવાની તાકાત હોવી જોઇએ". એટલે મે હાર્દિકને એક પ્રોગ્રામનું પેમેન્ટ એક પિતા તરફથી દિકરાને ભેટરૂપે આપ્યું હતું. નવશક્તિ નવરાત્રિમાં ગાવા ઉપરાંત તમામ લોકોએ કંઇકને કંઇક આપ્યું છે. જેના થકી જ આ નોરતા ઉજવાય છે. બધાની સ્કિલ ભેગી થાય અને જનસમુહ દ્વારા જે ઉજવાય એ જ સાચી નવરાત્રી.

સંકળાયેલા મુદ્દાઓ

navshakti navratri hardik dave praful dave
Jaydeep Shah
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ