ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / અમદાવાદની અનોખી પોળ, જ્યાં ઢિંગલા-ઢીંગલી ચડાવવાથી થઈ જાય છે લગ્ન અને સંતાન, લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર
Last Updated: 11:18 AM, 12 October 2025
ADVERTISEMENT
આજકાલ સંતોનાના લગ્ન ન થવાનો કે મોડા થવાનો પ્રશ્ન દરેક સમાજમાં ખૂબ વિકરાળ બનતો જાય છે. તમારી જ આસપાસ કેટલાક એવા યુવક-યુવતીઓ હશે જેમની ઉંમર 30 - 32 વર્ષ કે તેથી વધારે હશે, અને તેમના લગ્ન નહીં થતા હોય. લાખ પ્રયત્ન છતાંય, કોઈને કોઈ અડચણ આવતી હશે. આવી પરિસ્થિતિમાં માતા-પિતા પોતાના સંતાનો માટે બાધા-આખડી રાખતા હોય છે. અમદાવાદમાં એક એવી અનોખી પોળ છે, જ્યાં આવેલા મંદિરમાં ઢીંગલા-ઢીંગલી ચડાવવાથી જેમના લગ્ન ન થતા હોય, તેમના લગ્ન થઈ જાય છે. એટલું જ નહીં જો કોઈ કપલ્સને સંતાન પ્રાપ્તિ ન થતી હોય, તો તેના માટે પણ અહીં બાધા રાખવાની પોઝિટિવ પરિણામ મળતા હોવાની માન્યતા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અહીં ફક્ત ઢીંગલા-ઢીંગલી મુકવાની પરંપરા એટલી શક્તિશાળી છે કે, વર્ષોથી વિલંબ થતા લગ્ન પણ માતાજીની કૃપાથી સંપન્ન થઈ જાય છે. કહેવાય છે કે જે અહીં એકવાર સાચા હૃદયથી ઈચ્છા રાખે, તેની માનતા વારાહી માતા જરૂર પૂરી કરે છે. અમદાવાદના જૂના શહેરના ધમધમતા રસ્તાઓ વચ્ચે, આ મંદિરે હજારો લોકો દર્શન કરવા માટે આવે છે. વાત છે અમદાવાદના કોટ વિસ્તારની ભંડેરી પોળમાં આવેલા વારાહી માતાજીના પ્રાચીન મંદિરની. અમદાવાદ, જે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્ય છે, આ શહેરની દરેક પોળ પોતાની આગવી ઓળખ અને કથા ધરાવે છે. કાલુપુર વિસ્તારની ભંડેરી પોળ એમાંની જ એક છે, જ્યાં ખાસ કરીને નવરાત્રિના આઠમના નોરતે હજારો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી માતાજીના દર્શન માટે પહોંચે છે. અહીં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ લગ્ન માટે પ્રાર્થના કરે કે સંતાનપ્રાપ્તિ માટે બાધા રાખે, તો વારાહી માતા તેમની ઈચ્છા પૂરી કરે છે.

ADVERTISEMENT
આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીં મંદિર તરફથી શ્રદ્ધાળુઓને ઢીંગલા-ઢીંગલી આપવામાં આવે છે. મંદિરના મુખ્ય પૂજારી હરિપ્રસાદ રાવલજી, જેઓ છ પેઢીથી સેવા કરી રહ્યા છે, તેઓ કહે છે,“અહીં કોઈને બાધા રાખવાનું બળજબરીથી નથી કહેવામાં આવતું. પરંતુ જો કોઈ લગ્ન માટે આવે છે, તો અમે તેમને ઢીંગલા-ઢીંગલી આપીએ છીએ. આ બંને પાત્રો યુગલનું પ્રતિક છે. જ્યારે તેમની માનતા પૂરી થાય, ત્યારે તે લોકો આ ઢીંગલા-ઢીંગલી પાછી લાવીને માતાજી સમક્ષ પધરાવે છે.” તે જ રીતે, સંતાનની ઈચ્છા રાખનાર દંપતીને રમકડાં અથવા ઢિંગલું આપવામાં આવે છે અને જ્યારે તેઓને સંતાન પ્રાપ્તિ થાય, ત્યારે આ રમકડાં કે ઢીંગલું મંદિરમાં પાછાં અર્પણ કરે છે. આ રીતે મંદિર શ્રદ્ધા અને વિશ્વાસનું અનોખું કેન્દ્ર બની ગયું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ મંદિરની એક બીજી અનોખી વાત એ છે કે, મંદિર આસપાસનો વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવે છે, છતાં ક્યારેય કોઈ વિવાદ કે તણાવ થયો નથી. હરિપ્રસાદ રાવલજી કહે છે,“મુસ્લિમ બિરાદરો પણ વારાહી માતાજીમાં એટલી જ શ્રદ્ધા ધરાવે છે જેટલી હિંદુઓ રાખે છે. અહીં સૌ ધર્મોનો સમન્વય જોવા મળે છે.”

ADVERTISEMENT
તો વારાહી મંદિરના મિત્ર મંડળના ટ્રસ્ટી દિલીપભાઈ શાહ આ મંદિર અંગેની લોકવાયકા જણાવતા કહે છે કે,'આ મંદિર અમદાવાદ શહેરની સ્થાપના થઈ, તેનાથી પણ પહેલા બનેલું છે. સૌથી પહેલા આ વિસ્તાર ભંડેરીરૂપ તરીકે જાણીતો હતો. અને અહીં એક વડલો હતો. ગામના બધા જ લોકો અહીં દર્શન કરવા આવતા. ત્યારબાદ ગામની સુરક્ષા માટે વારાહી માતાજીની નાનકડી દેરી વડલાની નીચે સ્થપાઈ. અહેમદશાહના શાસન પછી જ્યારે સૂબાઓનું રાજ હતું, ત્યારે સુબાઓની સેના રાજ માહવક હાથી લઈને ગામમાં આવ્યા અને હાથી વડલાના પાન ખાવા લાગ્યા. ગામમાં વારાહી માતાજીના એક ભક્ત દલપતજી રહેતા હતા. માતાજી તેમના સપનામાં આવ્યા અને પૂછ્યું કે ભઈ તુ સુતો છું, અને મારા ઝાડના પાન ચોરાઈ રહ્યા છે. આ સપનામાંથી દલપતજી જાગ્યા અને તાત્કાલિક વડલા પાસે પહોંચ્યા. હાથીને તેમણે પોતાની તલવારથી માર્યો. જવાબમાં સુબાના સૈનિકોએ વડલો કાપવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ વડલાની નજીક આવે, તે પહેલા જ વડલો જાતે જ ધરાશાયી થઈ ગયો અને એક જ્યોત તેમાંથી નીકળી. આ જ જ્યોત મંદિરમાં છે, આ મંદિરમાં માતાજીની કોઈ મૂર્તિ નથી.'

આ મંદિરની બીજી પણ એક ખાસિયત છે. દર નવરાત્રિમાં આઠમના દિવસે અહીં માતાજીની ઘીની મૂર્તિ બનાવવામાં આવે છે. જેમાં આશરે 150થી 160 કિલો ઘી વપરાય છે. આ ઘી ઓગળી ન જાય, તે માટે તેની આસપાસ 600 કિલો બરફ પણ ગોઠવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ઘીથી બનેલા માતાજીના દર્શન કરવા પણ આ મંદિરમાં લાંબી લાઈન લાગે છે. સાથે જ નવરાત્રિમાં અહીં માતાજી સાક્ષાત પધારતા હોવાની પણ માન્યતા છે. નવરાત્રિમાં અહીં જ્યારે માંડવી મૂકાય અને આરતી થાય, ત્યારે પરંપરાગત ભૂંગળના નાદ સાંભળવા મળે છે. સાથે જ માતાજીની સ્તુતિ ગાવાની રીત પણ આ પોળના વાસીઓની અનોખી છે. જે રૂબરુ આવીને જ સમજી શકાય એમ છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય, ત્યાં પુરાવાની શું જરૂર! વારાહી માતાજીના મંદિરે રોજેરોજ આવતા શ્રદ્ધાળુઓ આ જ વાતની સાબિતી છે. આવા તો કંઈક મંદિરો અમદાવાદ સહિત ગુજરાત અને દેશના ખૂણે ખૂણે પથરાયેલા છે.
આજે પણ દરરોજ અનેક લોકો અહીં દર્શન કરવા આવે છે. કેટલાક લગ્ન માટે આશીર્વાદ લે છે, તો કેટલાક સંતાન માટે પ્રાર્થના કરે છે. કોઈ વૈજ્ઞાનિક પુરાવાની જરૂર નથી, કારણ કે લોકો કહે છે —“જ્યાં શ્રદ્ધા હોય, ત્યાં ચમત્કાર આપોઆપ થાય.” અને ભંડેરી પોળનું વારાહી માતાજીનું મંદિર એ જ ચમત્કારનું જીવંત ઉદાહરણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital