બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:19 PM, 14 April 2026
Pakistan Health News: પાકિસ્તાનના પંજાબ પ્રાંતના તાઉંસા શહેરમાંથી સામે આવેલા HIV સંક્રમણના કેસોએ સમગ્ર આરોગ્ય સિસ્ટમને ઝંઝોળી નાખી છે. નવેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 દરમિયાન કુલ 331 બાળકો HIV પોઝિટિવ મળ્યા હોવાની માહિતી બહાર આવી છે. જે એક ગંભીર જાહેર આરોગ્ય સંકટ તરફ ઈશારો કરે છે. શરૂઆતમાં આ કેસો અલગ-અલગ લાગતા હતા. પરંતુ એક આઠ વર્ષના બાળક મોહમ્મદ અમીનના મોત પછી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. તેના પરિવારના આક્ષેપો મુજબ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંક્રમિત સોયના ઉપયોગને કારણે બાળકોમાં ચેપ ફેલાયો હતો.
ADVERTISEMENT
એક મીડિયા રિપોર્ટની તપાસમાં તાઉંસા સ્થિત THQ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. 32 કલાકની અંડરકવર રેકોર્ડિંગમાં જોવા મળ્યું કે સિરીંજનો વારંવાર ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને એક જ દવાની શીશીમાંથી અનેક બાળકોને ઇન્જેક્શન આપવામાં આવતું હતું. આ ઉપરાંત ઘણા કિસ્સાઓમાં સ્ટાફે સ્ટરીલાઇઝ્ડ ગ્લોવ્ઝ વગર સારવાર આપી હતી. જે સંક્રમણ ફેલાવવાનું મોટું કારણ બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભલે નવી સોય લગાવવામાં આવે છતાં સિરીંજના અન્ય ભાગોથી વાયરસ ફેલાઈ શકે છે. જે અત્યંત જોખમી છે.
ADVERTISEMENT
આ મામલે હોસ્પિટલ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આક્ષેપોનો ઇનકાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલના અધિકારીઓએ વીડિયો ફૂટેજને જૂના અથવા બનાવટી ગણાવ્યા છે. તેમ છતાં ખાનગી ક્લિનિકના ડૉક્ટર ગુલ કૈસરાણી દ્વારા પ્રથમ સંક્રમણની ઓળખ કરવામાં આવી હતી અને તેમણે નોંધ્યું કે મોટાભાગના બાળકોની સારવાર THQ હોસ્પિટલમાં થઈ હતી. પંજાબ એઇડ્સ સ્ક્રીનિંગ પ્રોગ્રામના ડેટામાં અડધાથી વધુ કેસોમાં દૂષિત સોયને જવાબદાર ગણાવવામાં આવી છે. બીજી તરફ WHO અને યુનિસેફના અહેવાલમાં ખાનગી ક્લિનિક અને અસુરક્ષિત બ્લડ ટ્રાન્સફ્યુઝનને પણ સંભવિત કારણ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ ઘટના પાકિસ્તાનમાં આરોગ્ય સેવાઓની નબળાઈને ઉજાગર કરે છે. અગાઉ પણ 2019માં સિંધના રતોદેરોમાં આવી જ ઘટના બની હતી. જ્યાં સેંકડો બાળકો HIV પોઝિટિવ મળ્યા હતા. નિષ્ણાતોના મતે દેશમાં જરૂર કરતાં વધુ ઇન્જેક્શન આપવાની પ્રથા, સંસાધનોની અછત અને સંક્રમણ નિયંત્રણની ખામી આ સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. આ સંક્રમણનો સૌથી મોટો પ્રભાવ બાળકો અને તેમના પરિવારો પર પડી રહ્યો છે. સામાજિક તિરસ્કાર અને અજ્ઞાનતાને કારણે સંક્રમિત બાળકો એકલતા અનુભવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તાઉંસાની આ ઘટના માત્ર એક હોસ્પિટલની બેદરકારી નહીં પરંતુ સમગ્ર આરોગ્ય પ્રણાલીમાં રહેલી ખામીઓનું પ્રતિબિંબ છે. સંક્રમણ નિયંત્રણના કડક નિયમો, જાગૃતિ અને યોગ્ય સંસાધનો વિના આવી ઘટનાઓ ફરીથી બનવાની શક્યતા રહે છે. હવે જરૂરી છે કે સરકાર અને આરોગ્ય સંસ્થાઓ તાત્કાલિક પગલાં લઈ અને આવનારા સમયમાં આવા સંકટોને રોકે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.