Team VTV12:53 PM, 01 Jan 22
| Updated: 03:11 PM, 01 Jan 22
વડોદરામાં વોર્ડ નં.14ના ભાજપના મહિલા નગરસેવિકા ભૂલ્યા ભાન.. પુત્રને છોડાવવા પોલીસ સાથે કર્યુ ઉદ્ધતાઇ ભર્યુ વર્તન, વીડિયો થયો વાયરલ
વડોદરાના નગરસેવિકાની દાદાગીરી આવી સામે
પુત્ર નશાની હાલતમાં ઝડપાતા નગરસેવિકાની દાદાગીરી
નગરસેવિકાએ પોલીસ સાથે કર્યું ગેરવર્તન
એક તરફ કોરોના વાયરસ અને બીજી તરફ નવા વર્ષને આવકારવા માટેનો ઉત્સાહ. 31 ડિસેમ્બરે સેલિબ્રેશનના થનગનાટમાં રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હતા.ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં વડોદરાની મહિલા નગરસેવિકાનો પુત્ર નશાની હાલતમાં ઝડપાયો.
નગરસેવિકાએ પોલીસ સ્ટેશન લીધું માથે
પોલીસ જાપ્તામાં ઉભેલો આ શખ્સ છે કૃણાલ ચોક્સી. આ નામ તો કંઇ મોટુ નથી પરંતુ તેવર એવા છે કે જાણે કોઇ રાજકીય વગ ધરાવતા હોય. જો કે કાયદો તો સૌ માટે સમાન હોય. પરંતુ વડોદરા વોર્ડ નં.14ના ભાજપના મહિલા કાઉન્સિલર જેલમબેને પોતાના પુત્રને બચાવવા પોલીસ સ્ટેશન માથે કર્યુ.31મી ડિસેમ્બરની રાત્રે પોલીસ દ્વારા બ્રેથ એનલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કૃણાલ ચોક્સી નશાની હાલતમાં ઝડપાયો હતો.મહિલા નગરસેવિકા પુત્રને છોડાવવા સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.કાયદાની શરમ રાખ્યા વિના પોલીસની સામ સામે આવી ગયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પોલીસકર્મીનું જેકેટ ફાટી ગયું
વડોદરાના વોર્ડ નં.14ના ભાજપના મહિલા કોર્પોરેટરને દિકરાને પોલીસે પકડ્યો હોવાથી જાણ થતા જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસકર્મચારીઓને કહ્યુ કે આ કોઇ મોટો ગુનો નથી કે, તમે બધા તેને ફરી વળ્યા છો. દૂર હટી જાઓ, એમ કહી હોબાળો મચાવ્યો હતો. મહિલા કોર્પોરેટરના ટેકેદારો અને પરિવારજનોએ પોલીસ સામે રોષે ભરાયા હતા. આ રોષ એટલો હતો એક પોલીસકર્મીનું જેકેટ પણ ખેંચમતાણમાં ફાટી ગયું હતું.
તમે દાદાગીરી કરો છો યોગ્ય નથી- પોલીસ
નશાની હાલતમાં ઝડપાયેલા પુત્રને છોડાવવા ઉલટાનું મહિલા કોર્પોરેટરે પોલીસને કાયદાના પાઠ ભણાવ્યા. પુત્રએ કાયદાનું ઉલ્લંઘન કર્યુ છે તે બદલ પુત્રને સમજાવવાનું તો દૂર પરંતુ પોલીસની ઝાટકણી કાઢી નાંખી.કૃણાલને માર માર્યો હોવાનો આરોપ લગાવીને પોલીસ સાથે બાખડી પડ્યા. જેલરે કૃણાલનો હાથ પકડી કસ્ટડીમાં લઇ જવાનો પ્રયાસ કર્યો ત્યાં જ જેલમબેન ફરીથી ગુસ્સે થઇ ગયા હતા.જો કે મહિલા કોર્પોરેટરની દાદાગીરી સામે પોલીસે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે તમારી દાદાગીરી યોગ્ય નથી. તમે કોર્પોરેટરે છો તો શું થઇ ગયું.. આમ કહેતા જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
સળગતા સવાલ
જો કે સમગ્ર ઘટનાને પગલે અહીં સવાલ એ થાય છે કે શું નગરસેવિકા બન્યા એટલે તમામ છૂટ મળે છે ?નેતાના પુત્ર નશો કરે તો શા માટે પોલીસે ચલાવી લેવાનું ? પુત્રએ એવું તો કયુ સારૂ કામ કર્યું કે નગરસેવિકાએ બબાલ કરી ? શું સત્તાનો સાથે હોય તો ગેરવર્તન કરવાની છૂટ મળે ? એવો તો કેવો પુત્ર મોહ કે પુત્રના કારસ્તાનોનો ઢાંકપીછોડો કરવાનો? ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવ્યો ક્યાંથી એની તપાસ થશે?