બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું, માછીમારોને દરિયો ના ખેડવા પાઇ સૂચના, આ વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:24 PM, 31 July 2026
1/5
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર મધ્યમ વરસાદ અને દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા બંદર તંત્રે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
2/5
દાંતા-અંબાજી પંથકમાં ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયોથી લઈને મધ્યમ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા સ્થળોએ રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા અને જરૂરી ન હોય તો આવા વિસ્તારોમાં અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે.
3/5
આણંદ જિલ્લામાં ભારે વરસાદ અને જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે 1 ઓગસ્ટે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો છે. આદેશ મુજબ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત તમામ કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. જિલ્લા પ્રશાસને વાલીઓ અને વિદ્યાર્થીઓને અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
4/5
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે કિમ નદીમાં સતત પાણીની ભારે આવક થઈ રહી છે, જેના કારણે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે કિમ નદી પર આવેલા હાઈ બેરલ બ્રિજની સપાટી સુધી પાણી પહોંચી ગયું છે. જો બ્રિજ ડૂબી જશે તો મોટા બોરસરા ગામનો આસપાસના અન્ય ગામો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી જવાની શક્યતા છે. બીજી તરફ, જિલ્લામાં ભારે વરસાદને કારણે 87 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આજે સુરત જિલ્લાના 'ચેરાપુંજી' તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. કિમ નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી તંત્ર દ્વારા લુવારા, સિમોદ્રા સહિતના ગામોમાંથી ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. હાલ જિલ્લામાં કુલ 121 સ્થાનિકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા હોવાનું તંત્રે જણાવ્યું છે.
5/5
અંકલેશ્વર-હાંસોટ અને સુરતને જોડતો મહત્વનો માર્ગ ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. સતત વરસાદને પગલે આમલાખાડી ઓવરફ્લો થતાં માર્ગ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ નિર્ણય લીધો. આ ચોમાસાની સીઝનમાં બીજી વખત માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. વિસ્તારમાં ભારે વરસાદ સાથે તેજ પવન પણ ફૂંકાતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. તંત્રએ લોકોને જરૂરી કામ સિવાય મુસાફરી ટાળવા તેમજ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ