બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / અમેરિકામાં રહેતા ગુજરાતીને જેલ બાદ ડિપોર્ટ કરવાનો આદેશ, CCTVએ ખોલી દીધી આખી પોલ
Last Updated: 09:02 PM, 30 July 2026
અમેરિકામાં U Visa મેળવવા માટે ફેક રોબરીનું કાવતરું રચનારા ગુજરાતી સામે અમેરિકન કોર્ટે કડક કાર્યવાહી કરી છે. મેસાચ્યુસેટ્સમાં રહેતા 40 વર્ષીય મિતુલ પટેલને વિઝા ફ્રોડના ગુનામાં દોષિત ઠેરવી કોર્ટે એક દિવસની જેલ, એક હજાર ડોલરનો દંડ અને સૌથી મહત્વનું એટલે કે અમેરિકામાંથી ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. મિતુલે અગાઉ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો હોવાથી તેને સજામાં રાહત મળી હોવાનું અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે.
ADVERTISEMENT
આ સમગ્ર કેસમાં મિતુલ પટેલ એકલો નહોતો. માર્ચ 2026માં અમેરિકન એજન્સીઓએ કુલ 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસમાં સામેલ દિપીકા પટેલ અગાઉ જ ડિપોર્ટ થઈ ચૂકી છે. જ્યારે અન્ય આરોપીઓમાં જિતેન્દ્ર પટેલ, મહેશ પટેલ, સંજય પટેલ, રમેશ પટેલ, અમિતા પટેલ, રોનક પટેલ, સંગીતા પટેલ, મિંકેશ પટેલ અને સોનલ પટેલના નામ સામેલ છે. તેમાં મિંકેશ અને સોનલ ઓહાયોમાં રહે છે, રમેશ પટેલ કેન્ટકીમાં રહે છે અને બાકીના મોટાભાગના આરોપીઓ મેસાચ્યુસેટ્સના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
માર્ચ 2026માં ધરપકડ બાદ મિતુલ સહિત છ આરોપીઓને બોસ્ટનની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તપાસમાં સહકાર આપવાની શરતે તેમને જામીન પર મુક્ત કર્યા હતા. ત્યારબાદ મિતુલ પટેલે પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. હવે અંતિમ ચુકાદામાં કોર્ટે તેને માત્ર એક દિવસની જેલની સજા ફટકારી છે. જોકે, સાથે જ અમેરિકા છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જો નક્કી કરાયેલી સમયમર્યાદામાં તે સ્વૈચ્છિક રીતે અમેરિકા નહીં છોડે તો ICE (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ) તેની ધરપકડ કરી ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- ચેતીને રહેજો! આંધી-પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ડરામણી આગાહી
ADVERTISEMENT
મિતુલ પટેલ સામે જે કલમો લગાવવામાં આવી હતી, તેમાં વધુમાં વધુ પાંચ વર્ષની જેલ અને 2.5 લાખ ડોલર સુધીના દંડની જોગવાઈ હતી. પરંતુ ગુનો કબૂલ કરવાના કારણે કોર્ટે સજામાં નોંધપાત્ર રાહત આપી છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે મિતુલના પરિવાર અંગે કોઈ માહિતી જાહેર કરી નથી.
ADVERTISEMENT
તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ 2023 દરમિયાન ન્યૂયોર્કના રામ પટેલને ફેક રોબરી કરાવવા માટે કામ સોંપ્યું હતું. તેના બદલામાં સારી એવી રકમ પણ ચૂકવવામાં આવી હતી. યોજના મુજબ મેસાચ્યુસેટ્સના સ્ટોર્સ અને રેસ્ટોરાંમાં બનાવટી લૂંટ કરવામાં આવતી હતી. કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો અનુસાર, નકલી લૂંટ દરમિયાન ગન બતાવી કેશ લૂંટી લેવામાં આવતો હતો. ત્યારબાદ લગભગ પાંચ મિનિટ પછી 'પીડિત' પોલીસને ફોન કરતો હતો. ત્યાં સુધીમાં લૂંટારો ફરાર થઈ જતો હતો. જે સ્ટોર્સ કે રેસ્ટોરાંમાં આ બનાવટી લૂંટ થતી હતી, તેના માલિકોને પણ આ બદલામાં નાણાં ચૂકવવામાં આવતા હતા. પરંતુ આખું કાવતરું CCTV ફૂટેજના કારણે ખુલ્લું પડી ગયું. તપાસ દરમિયાન પોલીસને અનેક શંકાસ્પદ હલચલ જોવા મળી હતી, જેના આધારે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.
ADVERTISEMENT
આ કેસના મુખ્ય સૂત્રધાર ગણાતા રામ પટેલને ઓગસ્ટ 2025માં અમેરિકન કોર્ટે 20 મહિનાની જેલ અને અંદાજે 8.5 લાખ ડોલરનો દંડ ફટકાર્યો હતો. રામ પટેલ જ ફેક રોબરી ગોઠવતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આ પ્રકારના U Visa ફ્રોડમાં લ્યૂઝિયાનાના ચંદ્રકાંત પટેલ ઉર્ફે લાલાની પણ ધરપકડ થઈ ચૂકી છે. તેણે મે 2025માં ગુનો કબૂલ કર્યો હતો. તેની સજા અંગેનો ચુકાદો 10 સપ્ટેમ્બર, 2026ના રોજ આવશે. અમેરિકન એજન્સીઓએ તેની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. તેણે જે ગુનો કબૂલ કર્યો છે તેમાં તેને 15 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
અમેરિકામાં વર્ષોથી ઘણા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે U Visaના નામે નકલી લૂંટના કેસો ઉભા કરીને કાયદેસર સ્ટેટસ મેળવ્યો હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. જોકે, અત્યાર સુધી પકડાયેલા લોકોની સંખ્યા ઓછી છે. હવે અમેરિકન તપાસ એજન્સીઓ આ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. તપાસમાં સામેલ અધિકારીઓનું માનવું છે કે ફેક રોબરી કરાવી ઇમિગ્રેશન લાભ મેળવનારા અન્ય લોકો સામે પણ આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.