ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચકચારી ભાયલી સામૂહિક દુ*ષ્કર્મ કેસમાં 5 આરોપીઓને આજીવન કેદ, ₹10 લાખનો દંડ, 22 મહિના બાદ પીડિતાને મળ્યો ન્યાય
Last Updated: 02:09 PM, 31 August 2026
ADVERTISEMENT
વડોદરાના ભાયલી વિસ્તારમાં 2024માં બનેલા ચકચારી ગેંગરેપ કેસમાં આખરે પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વડોદરાની વિશેષ પોક્સો કોર્ટે આરોપી મુન્ના બંજારા, શાહરુખ બંજારા, મુમતાઝ બંજારા, અજમલ બંજારા અને સૈફઅલી બંજારાને સજા સંભળાવી છે. કોર્ટે પાંચેય આરોપીઓને સજા સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 20 ઓગસ્ટ 2026ના રોજ કોર્ટે પાંચેયને દોષિત ઠેરવ્યા હતા અને ત્યારબાદ સજા અંગેની દલીલો પૂર્ણ થયા બાદ આજે સજાનું એલાન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

આ ચકચારી ઘટના 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીના બીજા નોરતાની રાત્રે બની હતી. વડોદરામાં રહેતી 16 વર્ષની સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી. ત્યારબાદ બંને ભાયલીના એક નિર્જન વિસ્તારમાં બેઠા હતા. તે સમયે બે બાઇક પર પાંચ શખસો ત્યાં આવ્યા હતા. આરોપીઓએ પહેલા બંનેની ટુ-વ્હીલરની ચાવી લઈ લીધી હતી અને પરિવારને બોલાવી દેવાની ધમકી આપી હતી. પાંચમાંથી બે આરોપીઓએ સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી, જ્યારે બાકીના ત્રણ આરોપીઓએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
ADVERTISEMENT
આરોપીઓએ સગીરાનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો. સગીરાએ મદદ માટે બૂમો પાડતા બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ બાકીના ત્રણ આરોપીઓએ સગીરા અને તેના મિત્રને ધમકાવીને ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ સગીરા અને તેનો મિત્ર ખૂબ જ ગભરાઈ ગયા હતા. જોકે, ભાયલી પોલીસ સ્ટેશન માત્ર 2 કિલોમીટર દૂર હોવાથી બંને ત્યાં પહોંચ્યા અને સગીરાએ પોલીસને સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ઘટનાસ્થળ નિર્જન હોવાથી અને ત્યાં CCTV કેમેરા ન હોવાથી પોલીસ સામે આરોપીઓને શોધવાનો મોટો પડકાર હતો. પોલીસે ઘટનાસ્થળથી આરોપીઓના સંભવિત રૂટ સુધીના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. આશરે 45 કિલોમીટરના રૂટના 1,100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. 200થી વધુ પોલીસકર્મીઓની ટીમો તપાસમાં જોડાઈ હતી અને ઘટનાસ્થળની આસપાસના 3 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 1,000થી વધુ ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આરોપીઓને ઝડપી પાડવામાં સગીરાનો લૂંટાયેલો મોબાઈલ ફોન પણ મહત્વની કડી બન્યો હતો. સગીરાની માતાએ રાત્રે લગભગ 12.30 વાગ્યે તેના ફોન પર ફોન કર્યો હતો. આરોપીઓએ ભૂલથી ફોન ત્રણ સેકન્ડ માટે રિસીવ કર્યો હતો અને ત્યારબાદ ફોન કટ કરી દીધો હતો. આ ત્રણ સેકન્ડ દરમિયાન પાછળથી ઢોલ-ડીજેનો અવાજ સંભળાયો હતો. પોલીસે આ લોકેશનને ઘટનાસ્થળના લોકેશન સાથે જોડીને તપાસ આગળ વધારી હતી.
ADVERTISEMENT
બીજી તરફ પોલીસે ટાવર ડમ્પ ડેટાનું પણ એનાલિસિસ કર્યું હતું. પાંચથી છ ટાવરના 4 લાખથી વધુ ફોન લોકેશનની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી લગભગ 60 શંકાસ્પદ ફોન લોકેશન મળ્યા હતા. બાદમાં 10 ફોન લોકેશન આરોપીઓના રૂટ સાથે મળતા આવ્યા હતા. એક શંકાસ્પદ ફોનનું લોકેશન સુશેન-તરસાલી રોડ પર મળ્યું હતું. તપાસ કરતા આ ફોન મુન્ના બંજારાનો હોવાનું સામે આવ્યું હતું. મુન્નાનું લોકેશન ઘટનાસ્થળે પણ મળ્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓ ઘટના બાદ રાત્રે આશરે દોઢ વાગ્યે રજવાડી હોટલ પર ચા પીવા ગયા હોવાનું પણ સામે આવ્યું હતું.
ADVERTISEMENT
પોલીસે રાત્રે 12 વાગ્યે મુન્નાનું લોકેશન મેળવ્યું અને તેના ઘરે પહોંચી હતી. તેની માતાએ મુન્નો બહારગામ ગયો હોવાનું કહ્યું હતું, પરંતુ તેનો ફોન લોકેશન આસપાસ જ મળી રહ્યો હતો. પોલીસે તપાસ ચાલુ રાખી અને રાત્રે 1 વાગ્યે મુન્નાને તેના ઘરથી ત્રીજા ઘરમાં સૂતો ઝડપી લીધો હતો. તેની પૂછપરછ બાદ મુમતાઝ અને શાહરુખને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણેયની પૂછપરછના આધારે અગાઉ ભાગી ગયેલા અજમલ અને સૈફઅલીને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. રાત્રે 1 વાગ્યાથી મળસ્કે 4 વાગ્યા સુધી ચાલેલા આ ઓપરેશનમાં પોલીસે તમામ પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. ઘટનાના માત્ર 48 કલાકમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે પાંચેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને વર્ષોથી વડોદરામાં રહેતા હતા. તેઓ તાંદલજા વિસ્તારમાં રહેતા હતા અને મજૂરી તેમજ POP-કલરનું કામ કરતા હતા.
આરોપીઓની ધરપકડ બાદ પોલીસ સામે હવે કોર્ટમાં ગુનો સાબિત કરવાનો મોટો પડકાર હતો. પોલીસે અને SITએ પીડિતા અને તેના મિત્રના નિવેદન, અન્ય સાક્ષીઓ, CCTV ફૂટેજ, મેડિકલ પુરાવા, FSL રિપોર્ટ અને DNA સહિતના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસે 17 દિવસમાં પોક્સો કોર્ટમાં આશરે 6,000 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં લગભગ 100 સાક્ષીઓના નિવેદનો, FSL અને મેડિકલ રિપોર્ટ, DNA સેમ્પલ તથા CCTV સહિતના પુરાવા સામેલ હતા.
સગીરાનો મોબાઈલ ફોન પણ તપાસમાં મહત્વની કડી રહ્યો હતો. આરોપીઓએ પુરાવાનો નાશ કરવાના હેતુથી ફોન વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. ફોન શોધવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓએ કામગીરી કરી હતી અને તેમની જુબાની પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મેડિકલ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓને પણ કોર્ટે મહત્વ આપ્યું હતું.
ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન તરફથી 45 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને વિવિધ દસ્તાવેજી તથા વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. સગીરાના કપડાંમાંથી મળેલા આરોપીઓના શરીર પ્રવાહીના વૈજ્ઞાનિક પુરાવા પણ કેસમાં મહત્વપૂર્ણ બન્યા હતા. સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં દલીલ કરી હતી કે પ્રોસિક્યુશન દ્વારા સાંયોગિક પુરાવાની દરેક કડી શંકાથી પર સાબિત કરવામાં આવી છે.
સરકારી પક્ષે જણાવ્યું હતું કે ઘટનાની શરૂઆતમાં પાંચમાંથી બે આરોપીઓએ સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી અને ત્યારબાદ અન્ય ત્રણ આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. મોબાઈલ લૂંટ અને તેને નદીમાં ફેંકી દેવા સહિતના પુરાવાનો નાશ કરવાના પ્રયાસને પણ કોર્ટે સ્વીકાર્યો હતો. પોલીસ અને SIT દ્વારા એકત્ર કરવામાં આવેલા પુરાવાઓની તમામ કડીઓ એકબીજા સાથે જોડાય છે તેવી દલીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : શોખીનને ઝટકો! ગુજરાતમાં ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ લંબાવાયો, ક્યાં સુધી રહેશે અમલી?
4 ઓક્ટોબર 2024ની રાતથી શરૂ થયેલી તપાસમાં ધરપકડ, રિમાન્ડ, ઓળખ પરેડ, હજારો પાનાની ચાર્જશીટ, સાક્ષીઓની જુબાની અને વૈજ્ઞાનિક પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આખરે 20 ઓગસ્ટ 2026ના રોજ વડોદરાની વિશેષ પોક્સો અદાલતે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. હવે કોર્ટે પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા સાથે 10 લાખ રૂપિયાનો દંડ ફટકારીને આ ચકચારી કેસમાં સજાનું એલાન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT