taiwan dominates semi conductor industry with highest production world can be badly affected if china attacks
VTV SPECIAL /
ટચૂકડો દેશ તાઇવાન શું આખી દુનિયાના વિકાસ પર બ્રેક લગાવી શકે? અમેરિકા-ભારત સહિતના દેશોને આ વાતનો ડર
Team VTV03:40 PM, 06 Aug 22
| Updated: 03:45 PM, 06 Aug 22
ટચૂકડો દેશ તાઇવાન 21 મી સદીમાં દુનિયાનાં વિકાસની ગતિને બ્રેક લગાવી શકવાની તાકાત ધરાવે છે. ચીન સામે વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સમજો કઈ રીતે આખી દુનિયા આ દેશ પર નિર્ભર છે.
ચીન-તાઇવાન વચ્ચે ભરેલો અગ્નિ
દુનિયાભરનાં દેશોનું ધ્યાન આ નાનકડા દેશ પર
સેમિકંડક્ટર ઇન્ડસ્ટ્રી પર તાઇવાનનું પ્રભુત્વ
નેન્સી પેલોસીની મુલાકાત બાદ વિવાદ
ચીન અને તાઇવાન વચ્ચે તણખા ઝરી રહ્યા છે. યુદ્ધની શક્યતા તો જો કે નહીંવત છે પરંતુ અમેરિકન સ્પીકર નેન્સી પેલોસીની તાઈપેઈ મુલાકાત બાદ ચીનની ધમકીનાં કારણે ફરી આખી દુનિયાનું ધ્યાન એશિયાનાં આ નાનકડા દેશ તરફ દોરાયું છે.
તમે ઘણા ઇલેક્ટ્રોનિક ડિવાઇસિસ પર 'મેડ ઇન તાઇવાન' લખેલું વાંચ્યુ હશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયા આ નાનકડા દેશ પર એક બાબતમાં રીતસર ડીપેન્ડન્ટ (નિર્ભર) છે. અને એ છે સેમિકંડક્ટર્સ!
એક સમયે ચીનનો જ ભાગ ગણાતું તાઇવાન હાલ પોતાને અલગ દેશ ગણાવે છે, પરંતુ ચીન 'વન ચાઈના પોલિસી' લાગુ કરીને ભૂતકાળનાં ચીનનો નકશો ફરી જોડવા ઈચ્છે છે. આ પાછળ વર્તમાન પ્રેસિડેન્ટ ક્ષી ઝિંગપિંગનું સપનું જવાબદાર છે. ચીનનાં આ સપનાનાં કારણે તાઇવાનને એક પ્રકારનો ખતરો ઊભો થયો છે. નેન્સી પેલોસીની મુલાકાત બાદ તાઇવાન સરહદે આકાશમાં ઉડતા ચીની ફાઇટર પ્લેન્સ માત્ર સ્થાનિકો જ નહીં પણ આખી દુનિયાને ફફડાવે છે. અને એની પાછળનું કારણ છે તાઇવાનની સેમિકંડક્ટર ઇન્ડસ્ટ્રી!
ચાલો આજે તમને સમજાવીએ કઈ રીતે ભારતની ટાટા કંપનીથી લઈને ટેસ્લા સુધીની તમામ કાર કંપનીઓ અને એપલથી લઈ ઇન્ટેલ સુધીની કમ્પ્યુટર સાથે સંકળાયેલ કંપનીઓનાં તાર તાઇવાન સાથે જોડાયેલ છે. ભારતનું 5G નું સપનું પણ આ સેમિકંડક્ટર વગર અધૂરું જ છે.
શું છે આ સેમિકંડક્ટર?
સેમિકંડક્ટર એટલે એક ચિપ. જે તમામ ઇલેક્ટ્રોનિક સાધનોનું બ્રેઇન કહેવાય છે. તમે ક્યારેક તો કોઈ તૂટેલો ફોન કે કોઈ ઇલેક્ટ્રોનિક રમકડાંમાં આ ચિપ જોઈ જ હશે. વોશિંગ મશીન હોય કે લેપટોપ, કાર હોય કે ઇલેક્ટ્રોનિક વિડીયો ગેમ. આ તમામ ડીવાઇસસીમાં આવી ચિપ જોવા મળે છે. આ ચિપને સેમિકંડક્ટર કહેવાય છે.
શેમાંથી બને છે સેમિકંડક્ટર?
આ સેમિકંડક્ટર મુખ્યત્વે ત્રણ મેટલ્સમાંથી બનાવી શકાય છે. જરમેનિયમ, સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ. આમાંથી સૌથી વધારે સિલિકોન પ્રાપ્ય હોવાથી મોટે ભાગે સેમિકંડક્ટર્સ પણ તેમાંથી જ બનતા હોય છે. ( અમેરિકાનાં ટેક સિટી- સિલિકોન વેલીનું નામ હવે સમજાયું ને? )
સેમિકંડક્ટર્સનાં ચાર સૌથી મોટા ઉત્પાદક દેશો એશિયામાં સ્થિત છે.
1) ચાઈના
2) તાઇવાન
3) સાઉથ કોરિયા
4) જાપાન
આ ચાર દેશોમાં પણ દુનિયાનાં ટોટલ જરૂરિયાતનાં 64% જેટલો હિસ્સો એકલું તાઇવાન રોકે છે. એટલે કે કુલ જરૂરિયાતનાં 64 ટકા જેટલ સેમિકંડક્ટર્સ પ્રોવાઈડ કરે છે.
સેમિકંડક્ટર ક્રાઇસીસના કેટલી ગંભીર સ્થિતિ?
કોરોના કાળમાં સેમિકંડક્ટર્સની એક મોટી ખોટ ઊભી થઈ હતી.2021 માં સેમિકંડક્ટર ક્રાઇસીસનાં કારણે મારુતિ સુઝુકીનું પ્રોડક્શન 60% જેટલુ ઘટી ગયું હતું. મહિન્દ્રાને પણ 20% પ્રોડક્શન ઘટાડવું પડ્યું હતું. એપલે 6 અબજ ડોલર રૂપિયા ગુમાવ્યા હતા. ઓટો ઇન્ડસ્ટ્રીને 100 અબજ ડોલરનો ફટકો પડ્યો હતો.
TSMC દુનિયાની સૌથી મોટી સેમિકંડક્ટર્સ પ્રોવાઇડર કંપની
તાઇવાનની કંપની TSMC દુનિયાની સૌથી મોટી સેમિકંડક્ટર્સ પ્રોવાઇડર કંપની છે. આખી દુનિયાનાની ટોટલ જરૂરિયાતનાં 54% થી વધારે સેમિકંડક્ટર્સ તાઇવાનની આ એક જ કંપની TSMC પૂરા પાડે છે. એ હિસાબે 21 મી સદીનો તમામ ટેકનોલોજીનો વિકાસ તાઇવાનની આ એક કંપની પર નિર્ભર છે એવું કહીએ તો પણ એમાં બિલકુલ અતિશયોક્તિ નથી. દુનિયાના તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેમાં મેડિકલ્ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ પણ આવી ગયા અને હવે બેઝિક જરૂરિયાત સમુ ઈન્ટરનેટ પણ આવી ગયુ એ આ ઉદ્યોગ પર નભે છે અને તેની 50 ટકાથી વધારે ખપત તાઇવાનની એક જ કંપની પૂરી કરે છે જેના પરથી સમજી શકાય છે કે આ દુનિયા માટે કેટલી ગંભીર અને મહત્વની બાબત છે. તાઇવાનની ટોટલ GDP નાં 15 ટકા હિસ્સો આ કંપની એકલી જ રોકે છે. આ સિવાય ASUS, MEDIATEK અને WINSTON જેવી કંપનીઓનાં નામ પણ તમે સાંભળ્યા હશે, આ તમામ કંપનીઓ તાઇવાનમાં સ્થિત છે.
તમે એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં આવતા Qualcomm પ્રોસેસરનું નામ સાંભળ્યું જ હશે. આ પ્રોસેસરને પણ TSMC દ્વારા જ સેમિકંડક્ટર્સ પૂરા પાડવામાં આવે છે. આ સિવાય એપલને પણ TSMC સેમિકંડક્ટર્સ પૂરા પાડે છે.
ચીનનાં કારણે જો કોઈ રીતે આ ઉદ્યોગ પર બ્રેક લાગે તો દેખીતી રીતે દુનિયાભરની મલ્ટીનેશનલ કંપનીઓને ફટકો પડી શકે. અમેરિકા ભારત સહિતની કંપનીઓના પ્રોડક્શન પર અને જે તે દેશની ઈકોનોમી પર પણ સીધી જ બ્રેક લાગે. માટે આ સંજોગોમાં દુનિયાભરના દેશોને ડર સતાવી રહ્યો છે કે જો કોઈ રીતે આ ઉદ્યોગ બંધ થશે અથવા ચીનની મોનોપોલી સ્થાપિત થશે તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો પાંગળા થઈ જશે.
માટે આવનાર સમયમાં જો ચીન કોઈ રીતે તાઇવાન પર સત્તા મેળવી પણ લે તો દુનિયાની ઇલેક્ટ્રોનિક જરૂરીયાતો પર એક પ્રકારે નિયંત્રણ મેળવી શક્યતા ખરી. આ કારણે ભારત સહિતનાં દુનિયાનાં દેશો ધીમે ધીમે તાઇવાન પર નિર્ભરતા ઓછી કરવા તરફ આગળ વધી રહ્યા છે. જેને લઈને મોદી સરકારે પણ પ્રયાસ શરૂ કરી દીધા છે. MEDIATEK અને WINSTON Qualcomm જેવી કંપનીઓ સાથે પણ ભારત સરકાર ચર્ચા કરી રહી છે.
મિલીટરી તાકાત: ચીન v/s તાઇવાન- હેડ ટુ હેડ
સૈન્ય ક્ષમતાની રીતે જોઈએ તો તાઇવાન કોઈ હિસાબે ચીનને પહોંચી વળે તેમ નથી. અમેરિકાની મદદ મળે તો સમીકરણ બદલાય એ શક્યતા ખરી પરંતુ કાગળ ઉપર ચીન અનેકગણું મજબૂત છે. બીજી તરફ તાઇવાન ગેરીલા યુદ્ધ માટે જાણીતા સૈનિકોની અલગ ક્ષમતા પણ ધરાવે છે. હાલના સંજોગોમાં યુદ્ધની શક્યતા તો ઓછી છે. તેમ છતાં દુનિયાનાં નકશામાં કોઈ ફેરફાર થશે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે.