ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:10 PM, 21 November 2026
ADVERTISEMENT
લગ્ન કોની સાથે કરવા તે વ્યક્તિગત પસંદગીનો વિષય છે, પરંતુ આ પસંદગીની અસર આગામી પેઢીના સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. ખાસ કરીને નજીકના લોહીના સંબંધીઓ વચ્ચે લગ્ન થાય ત્યારે બાળકોમાં કેટલીક જન્મજાત બીમારીઓનું જોખમ વધી શકે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે સવાલ કર્યો છે કે આવા લગ્ન અટકાવવા માટે કાયદો બનાવી શકાય કે કેમ? સાથે જ લોકોને આ અંગે જાગૃત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.
ADVERTISEMENT
નજીકના લોહીના સંબંધોમાં લગ્ન કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં રજૂ કરવામાં આવ્યું હતું કે આવા લગ્નને કારણે બાળકોને જન્મજાત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે નજીકના લોહીના સંબંધીઓ વચ્ચે થતાં લગ્નને રોકવા માટે કોઈ કાયદાકીય પગલાં લઈ શકાય કે કેમ? જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે લગ્ન કોની સાથે કરવા તે વ્યક્તિની અંગત પસંદગીનો વિષય છે. આથી કોર્ટ પોતે આવા લગ્ન પર સીધો પ્રતિબંધ મૂકી શકે તેમ નથી. આ અંગે કાયદો બનાવવો હોય તો તે સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્વીકાર્યું કે નજીકના લોહીના સંબંધીઓ વચ્ચે લગ્ન થવાથી બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થવાનું જોખમ રહે છે. ખાસ કરીને માતા-પિતા વચ્ચે નજીકનો રક્ત સંબંધ હોય તો બાળકમાં કેટલીક વારસાગત બીમારીઓ આવવાની શક્યતા વધી શકે છે.આવા કિસ્સાઓમાં બાળકોને જન્મથી જ આંખોની તકલીફ, બહેરાશ, શારીરિક વિકાસમાં મુશ્કેલી અને અન્ય જન્મજાત ખામીઓ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં બાળકમાં વિકલાંગતા, ગંભીર બીમારી અથવા શિશુ મૃત્યુનું જોખમ પણ રહે છે. જોકે, દરેક કિસ્સામાં આવું જ થાય તે જરૂરી નથી. આ જોખમ સંબંધની નજીકતા અને વારસાગત જનીનો સહિતના પરિબળો પર આધાર રાખે છે.
ADVERTISEMENT
અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યોમાં નજીકના લોહીના સંબંધીઓ વચ્ચે લગ્ન કરવાની પરંપરા વધુ જોવા મળે છે. અરજીમાં આવા લગ્નનું પ્રમાણ આશરે 30 ટકા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.આ મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે લોકોને આ બાબત પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવવાની જરૂર છે. માત્ર કાયદો બનાવવાથી સમસ્યાનો ઉકેલ આવશે એવું નથી. લોકોને જાણ હોવી જોઈએ કે નજીકના લોહીના સંબંધોમાં લગ્ન કરવાથી આવનારા બાળકોના સ્વાસ્થ્ય પર કેવી અસર થઈ શકે છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે આ મુદ્દે જાગૃતિ લાવવા માટે આંગણવાડી અને પંચાયત સ્તરે પ્રયાસ કરવાની જરૂરિયાત જણાવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો સુધી પણ આ માહિતી સરળ ભાષામાં પહોંચવી જોઈએ, જેથી તેઓ લગ્ન પહેલાં આનુવંશિક જોખમ વિશે સમજી શકે.કોર્ટે સૂચવ્યું કે લોકોને આ અંગે વૈજ્ઞાનિક માહિતી આપવી જોઈએ. માત્ર પ્રતિબંધ મૂકવા કરતાં લોકોને સમજાવવું પણ એટલું જ જરૂરી છે. કેન્દ્ર સરકારે આ દિશામાં કોઈ પગલાં લેવા જોઈએ અથવા જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ તેવો અભિપ્રાય પણ સુનાવણી દરમિયાન સામે આવ્યો હતો.
ADVERTISEMENT
ભારતમાં લગ્નને લઈને અલગ-અલગ કાયદાકીય જોગવાઈઓ છે. મુસ્લિમ પર્સનલ લો હેઠળ અમુક નજીકના સંબંધીઓ વચ્ચે લગ્નને મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ, હિન્દુ મેરેજ એક્ટમાં અમુક નજીકના સંબંધોમાં લગ્ન કરવા પર પ્રતિબંધ છે.હિન્દુ મેરેજ એક્ટમાં પ્રતિબંધિત સંબંધોની યાદી આપવામાં આવી છે. જોકે, કેટલીક પરંપરાગત પ્રથાઓને માન્યતા આપતા અપવાદ પણ છે. એટલે કે દરેક નજીકના સંબંધમાં લગ્ન માટે એકસરખા નિયમો લાગુ પડતા નથી.

આ પણ વાંચોઃ દુનિયાને ભારતનો શાંતિ મંત્ર,SCO મંચ પરથી PM મોદીનો સંસ્કૃતિ અને એકતાનો મોટો સંદેશ
હાલ સુપ્રીમ કોર્ટે આવા લગ્ન પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. કોર્ટે માત્ર આ મુદ્દે કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે. જો આવા લગ્ન રોકવા માટે કોઈ નવો કાયદો બનાવવાની જરૂર જણાશે તો તેના પર નિર્ણય લેવાની જવાબદારી સંસદની રહેશે.આથી અત્યારે ભારતમાં બ્લડ રિલેશનમાં થતાં તમામ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એવું માનવું ખોટું છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે શું જવાબ આપે છે અને આગળ કઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાય છે તેના પર હવે સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.