બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 06:02 PM, 28 April 2022
ADVERTISEMENT
દરેક વ્યક્તિ માટે સ્વસ્થ રહેવા સ્વસ્થ જીવનશૈલી-સારો આહાર ખૂબ જ જરૂરી છે, જેથી લાંબા સમય સુધી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે અને તમે રોગોથી દૂર રહી શકો, પરંતુ આજની ફાસ્ટ લાઈફમાં લોકો પાસે પોતાના શરીર પર ધ્યાન આપવાનો સમય નથી. ધીમે-ધીમે ખરાબ જીવનશૈલીની આદતો અપનાવવાના કારણે એક એવો સમય આવે છે, જ્યારે તમે જીવનશૈલીના અનેક રોગોથી ઘેરાયેલા હો છો અને તમે ઈચ્છવા છતાં કંઈ કરી શકતા નથી. આવી સ્થિતિમાં જરૂરી છે કે બધાં કાર્યો કરવાની સાથે તમારા માટે પણ થોડો સમય કાઢો. તમારી જીવનશૈલીમાં સુધારો કરો. સ્વસ્થ આહારની આદતો અપનાવો. ખરાબ ટેવો છોડી દો, જે તમને ઘણી બીમારીઓ આપી શકે છે.
નાસ્તો ક્યારેય છોડશો નહીં
ADVERTISEMENT
ઘણી વખત લોકો સમયસર કોલેજ, ઓફિસે પહોંચવા માટે જમ્યા વગર ઘર બહાર નીકળી જાય છે. આવું ત્યારે જ થાય છે જ્યારે તમે રાતે મોડા સૂઇને સવારે મોડા જાગો છો. જ્યારે તમે યોગ્ય સમયે જાગો છો ત્યારે તમે યોગ્ય સમયે બધું જ મેનેજ કરી શકશો. નાસ્તામાં ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને એનર્જીથી ભરપૂર રહે છે. તંદુરસ્ત અને પૌષ્ટિક નાસ્તો તમને દિવસભર ફિટ અને સક્રિય રાખશે.
કસરત આવશ્યક છે
પોતાને ફિટ રાખવા માટે તમારે દરરોજ કસરત કરવી જોઈએ. ઘણી બીમારીઓથી દૂર રહેવા માટે શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. સ્નાયુઓ, હાડકાં, હૃદય વગેરેને સ્વસ્થ રાખવા માટે દરરોજ કસરત કરવી જરૂરી છે. જો તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરવા માગતા હો તો સવાર-સાંજ ચાલવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તમારી જાતને હાઇડ્રેટેડ રાખો
શરીરના તમામ કોષો, પેશીઓ અને અવયવોને પાણીની જરૂર હોય છે. આવી સ્થિતિમાં દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. દરરોજ આઠ ગ્લાસ પાણી પીઓ.
દરરોજ સવારે વહેલા ઊઠો
જો તમે મોડી રાત સુધી જાગ્યા પછી મોબાઈલ પર ગેમ રમતા રહો છો, ટીવી જોતા રહો છો તો સૌથી પહેલાં આ આદત છોડી દો. આનાથી તમારી આંખોનું સ્વાસ્થ્ય તો બગડશે જ, પરંતુ તમે પૂરતી ઊંઘ પણ નહીં લઈ શકો, જેના કારણે તમે બીજા દિવસે સુસ્તી, આળસ જેવી લાગણી અનુભવશો. આ કારણે તમે તમારું કામ યોગ્ય રીતે કરી શકશો નહીં. સૂવાનો અને જાગવાનો યોગ્ય સમય નક્કી કરો અને તે મુજબ તમારાં બધાં કામ પૂરાં કરો. યોગ્ય સમયે રાત્રિ ભોજન કરો, થોડી વાર વોક કરો અને પછી સૂઈ જાઓ.
પુષ્કળ ઊંઘ લો
તમે કેટલી ઊંઘ લો છો તેના આધારે તમારો મૂડ અને સ્વાસ્થ્ય બરાબર રહેશે. જો તમારી ઊંઘનું સમયપત્રક ખરાબ હોય તો તમે આખો દિવસ સુસ્તી અને ચીડિયાપણું અનુભવશો. યોગ્ય ઊંઘ ન લેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે. સ્વસ્થ જીવન જીવવા માટે દરરોજ સાતથી આઠ કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આખી રાત જાગવાનું ટાળો.
તંદુરસ્ત આહાર લો
સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહાર લેવો જરૂરી છે. સંતુલિત આહાર લેવાથી શરીરને તમામ પ્રકારનાં પોષક તત્ત્વો મળે છે, જેના કારણે તમામ અંગો સારી રીતે કાર્ય કરે છે. તમે શરીર અને મનથી ફિટ રહેશો.
તણાવમાં ના રહો
જો તમે આખો દિવસ કોઈ ને કોઈ વાતને લઈ તણાવમાં રહેશો તો તેનાથી તમારા માનસિક સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે, જ્યારે તમારું માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે ત્યારે તે એકંદર શારીરિક સ્વાસ્થ્યને સીધી અસર કરે છે, જે ઘણા રોગોને જન્મ આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.