બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓ સાથે રમ્યા બેડમિન્ટન, ફિટનેસ અને રમતગમતનો પ્રેરણાદાયી સંદેશ
Last Updated: 07:27 PM, 12 June 2026
જામનગર સ્થિત વિશ્વવિખ્યાત આયુર્વેદ સંસ્થા ITRA (Institute of Teaching and Research in Ayurveda) ની મુલાકાત દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સંસ્થાના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનને રજૂ કરતી વિશેષ ઝાંખી નિહાળી હતી. સાથે જ તેમણે સમગ્ર કેમ્પસની મુલાકાત લઈને ITRA દ્વારા આપવામાં આવતી જનકલ્યાણલક્ષી સેવાઓ અને અત્યાધુનિક સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.
ADVERTISEMENT

આ પ્રસંગે ITRA ના ડાયરેક્ટર તનુજા નેશ્રી દ્વારા મંત્રીને સંસ્થાની શૈક્ષણિક અને ચિકિત્સા પદ્ધતિઓ અંગે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. મંત્રીએ સંસ્થાના સમૃદ્ધ પુસ્તકાલય, મ્યુઝિયમ અને રમતગમત સંકુલની પણ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદના કારણે જામનગરને વિશ્વભરમાં આગવી ઓળખ મળી છે. આયુર્વેદના પ્રણેતા ઝંડુ ભટ્ટજી પણ જામનગરની ધરતીના સપૂત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરને GCTM (Global Centre for Traditional Medicine) અને ITRA જેવી વૈશ્વિક કક્ષાની સંસ્થાઓની ભેટ આપી છે. આજે વિશ્વના વિવિધ દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીં આયુર્વેદનું જ્ઞાન મેળવવા આવે છે, જે સમગ્ર જામનગર માટે ગૌરવની બાબત છે.
ADVERTISEMENT
મુલાકાત દરમિયાન મંત્રીએ તાજેતરમાં તૈયાર કરાયેલા અને લોકાર્પણ પામેલા આધુનિક બેડમિન્ટન કોર્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું. કોર્ટની સુવિધાઓ અને રમતગમત માટેની વ્યવસ્થાઓ જોઈને તેમણે વિદ્યાર્થીઓ સાથે બેડમિન્ટન રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહપૂર્વક રમત રમી હતી. રૅકેટ હાથમાં લઈને તેમણે પ્રોફેશનલ ખેલાડીની જેમ રમતનો આનંદ માણ્યો હતો, જેને જોઈને વિદ્યાર્થીઓમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
મંત્રી રિવાબા જાડેજાની આ રમતગમત પ્રવૃત્તિ પાછળ વડાપ્રધાનના ‘ફિટ ઇન્ડિયા’, ‘ખેલો ઇન્ડિયા’ અને રાજ્ય સરકારના ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ જેવા અભિયાનોને વધુ મજબૂત બનાવવાનો હેતુ હતો. તેમણે યુવાનોને ડિજિટલ યુગમાં મોબાઇલ અને સ્ક્રીનથી બહાર આવીને મેદાનમાં સમય પસાર કરવા તથા શારીરિક તંદુરસ્તી જાળવવા માટે પ્રેરિત કર્યા હતા.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની અને રાજ્યમંત્રી હોવા છતાં રિવાબા જાડેજાની સરળતા અને સહજતાએ સૌનું દિલ જીતી લીધું હતું. પ્રોટોકોલથી દૂર રહી વિદ્યાર્થીઓ સાથે ભળી જવાની તેમની શૈલીથી સંસ્થાના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ ખૂબ પ્રભાવિત થયા હતા.
ADVERTISEMENT
મુલાકાતના અંતે મંત્રીએ યુવાઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તંદુરસ્ત જીવન અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો મજબૂત પાયો છે. તેમની આ પહેલથી વિદ્યાર્થીઓમાં રમતગમત અને સ્વાસ્થ્ય પ્રત્યે નવી જાગૃતિ જોવા મળી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલા જામનગરના ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી બહાદુર કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ કર્યું હતું. જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન અને જામનગર જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ ટુર્નામેન્ટમાં તેમણે બેટિંગ કરીને મેચની શરૂઆત કરાવી હતી. રમતગમત પ્રત્યેનો તેમનો ઉત્સાહ અને ખેલાડીઓ માટેનો પ્રોત્સાહક અભિગમ તે સમયે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.