rainfall in ahmedabad heavy rain forecast in next two days in gujarat
ફરી મેઘો મંડાયો /
અમદાવાદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન, ગુજરાત માટે આગામી બે દિવસ અતિભારે
Team VTV07:53 AM, 16 Aug 22
| Updated: 09:32 AM, 16 Aug 22
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ફરીવાર જોરદાર જમાવટ કરી છે.
રાજ્ય (Gujarat) માં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી
વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ
ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું
રાજ્ય (Gujarat) માં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વહેલી સવારથી જ પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
વરસાદના કારણે અમદાવાદીઓને સવારે ઓફિસ જવામાં મુશ્કેલી
શહેરમાં વરસાદના કારણે લોકોને સવારમાં ઓફિસ જવા માટે પણ ભારે મુશ્કેલી સર્જાઇ છે. સતત વરસાદના પગલે અમુક વિસ્તારોમાં તો પાણી પણ ભરાઇ જતા લોકોને ઓફિસે જવા ભારે હાલાકી પડી રહી છે. જો કે, સ્કૂલ અને કોલેજોમાં રજા હોવાથી રસ્તાઓ પર ઓછો ટ્રાફિક જોવા મળ્યો હતો.
શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં તડામાર વરસાદ
તમને જણાવી દઇએ કે, શહેરમાં વહેલી સવારથી સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, નહેરુનગર, આંબાવાડી તેમજ પૂર્વના બાપુનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંક ધોધમાર વરસાદ વરસવાના કારણે કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાઇ ગયા છે.
ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ
નોંધનીય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 17 ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.