બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / મોટો ઉલટફેર: આયર્લેન્ડની ભારત સામે ઐતિહાસિક જીત, અય્યરની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનો ધબડકો
Last Updated: 09:46 PM, 26 June 2026
ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત કરતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે આયર્લેન્ડ સામેની બે મેચોની T20 સીરીઝ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો કે, બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ મેદાન પર રમાયેલી પ્રથમ T20 મેચમાં યજમાન આયર્લેન્ડે અશક્યને શક્ય કરી બતાવ્યું છે. આયર્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ભારતીય ટીમને 34 રનથી માત આપીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં ભારત સામે પોતાની પ્રથમ ઐતિહાસિક જીત નોંધાવી છે. 183 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 18.5 ઓવરમાં માત્ર 148 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ખિતાબી વિજય પછી ભારત આ ફોર્મેટમાં પ્રથમ વખત કોઈ મેચ રમી રહ્યું હતું. સૂર્યકુમાર યાદવની જગ્યાએ હવે ટીમની કમાન શ્રેયસ અય્યરના હાથમાં સોંપવામાં આવી છે, પરંતુ નવા કેપ્ટનની આગેવાની હેઠળ ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે.
ADVERTISEMENT
History in Belfast as Ireland script their first win over India across formats 👏
— ICC (@ICC) June 26, 2026
📝: https://t.co/6mBPoGJvwG pic.twitter.com/WWPiyfXtaY
ADVERTISEMENT
રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સંજુ સેમસન (5 રન), ઈશાન કિશન (1 રન) અને કેપ્ટન શ્રેયસ અય્યર (3 રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. આયર્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરી રહેલા રાઈટ આર્મ ફાસ્ટ બોલર મેથ્યુ હોલાર્ડ અને લેફ્ટ આર્મ પેસર જય મૂંદરાએ ભારતીય ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. સંજુને જય મૂંદરાએ બોલ્ડ કર્યો હતો, જ્યારે ઈશાન અને શ્રેયસને મેથ્યુ હોલાર્ડે આઉટ કર્યા હતા.
જો કે, બીજી તરફ ઓપનર અભિષેક શર્માએ પાવરપ્લેમાં આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. ભારતે પાવરપ્લેમાં 68 રન બનાવ્યા, જેમાંથી 47 રન માત્ર અભિષેકના હતા. અભિષેક શર્માએ માત્ર 19 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પરંતુ અર્ધસદી કર્યાના તરત જ પછીના બોલે તે 20 બોલમાં 50 રન (7 ચોગ્ગા, 2 છગ્ગા) બનાવીને લિયામ મેકકાર્થીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ તિલક વર્મા (19 રન) અને વોશિંગ્ટન સુંદર (9 રન) પણ ફ્લોપ રહ્યા હતા. સુંદર આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 100/6 હતો. શિવમ દુબે અને અક્ષર પટેલે 7th વિકેટ માટે 35 રન જોડ્યા હતા પરંતુ જય મૂંદરાએ શિવમને આઉટ કરીને ભારતની આશા તોડી નાખી હતી. અક્ષર પટેલ પણ મોટી હિટ મારવાના ચક્કરમાં 148 ના સ્કોર પર ગેરેથ ડેલાનીને વિકેટ આપી બેઠો હતો.
ADVERTISEMENT
આ પહેલા આયર્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જો કે, આયર્લેન્ડની શરૂઆત પણ નબળી રહી હતી અને પાવરપ્લેમાં જ ઓપનર રોસ અડાયર (12 રન) અને ટીમ ટેક્ટર (17 રન) ને હર્ષિત રાણાએ આઉટ કર્યા હતા. વળી, અનુભવી બેટર હેરી ટેક્ટરને અર્શદીપ સિંહે ખાતું પણ ખોલવા દીધું ન હતું. ભારતને ચોથી સફળતા 'બર્થડે બોય' શિવમ દુબેએ અપાવી હતી, જેણે બેન્જામિન કેલિટ્ઝને (15 રન) આઉટ કર્યો હતો. 4 વિકેટ ઝડપથી પડી ગયા પછી કેપ્ટન લોર્કન ટકર અને ગેરેથ ડેલાનીએ 5th વિકેટ માટે 16 બોલમાં 49 રનની તોફાની ભાગીદારી કરી હતી. લોર્કન ટકરે 36 બોલમાં 50 રન (5 ચોગ્ગા, 2 છગ્ગા) ફટકાર્યા હતા જેને હર્ષિત રાણાએ આઉટ કર્યો હતો. ત્યારબાદ ગેરેથ ડેલાનીએ પણ વિસ્ફોટક બેટિંગ કરતા 32 બોલમાં 49 રન બનાવ્યા હતા, જેમાં પ્રસીધ ક્રિશ્નાની 17th ઓવરમાં બંને બેટર્સે ભેગા મળીને 27 રન ખાંડ્યા હતા. ભારત તરફથી હર્ષિત રાણાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી, જ્યારે અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી હતી.
ADVERTISEMENT
આ મેચમાં ભારતના 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11 માં સ્થાન મળ્યું ન હતું, જેના કારણે તેના આંતરરાષ્ટ્રીય ડેબ્યુની રાહ થોડી લંબાઈ છે. આ જીત પહેલા ભારત અને આયર્લેન્ડ વચ્ચે કુલ 8 T20 મેચ રમાઈ હતી અને તમામ 8 મેચ ભારતે જીતી હતી. બેલફાસ્ટના મેદાન પર બંને ટીમો વચ્ચે આ પ્રથમ T20 મેચ હતી. આ પહેલા વર્ષ 2007 માં આ મેદાન પર રમાયેલી એકમાત્ર વનડે મેચમાં ભારતે આયર્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.