બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / '20 કરોડ આપો, નહીંતર...': રોહિત શેટ્ટીને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ઓડિયો ક્લિપ દ્વારા ધમકી
5 ફોટો ગેલેરી
Last Updated: 06:05 PM, 28 June 2026
1/5
બોલિવૂડના પ્રખ્યાત ડાયરેક્ટર અને સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી' ના હોસ્ટ રોહિત શેટ્ટી ફરી એકવાર પોતાની સુરક્ષાને લઈને ચર્ચામાં આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, રોહિત શેટ્ટીના સ્ટાફને એક શંકાસ્પદ ઓડિયો ક્લિપ મળી છે, જેમાં તેમની પાસે 20 કરોડ રૂપિયાની માતબર રકમની ખંડણી માંગવામાં આવી છે અને જો પૈસા નહીં આપવામાં આવે તો આ વખતે સીધો જાનલેવા હુમલો કરવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે. આ ધમકી પાછળ કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે.
2/5
મળતી માહિતી મુજબ, રોહિત શેટ્ટીના સ્ટાફને મળેલી આ કથિત ઓડિયો ક્લિપમાં ધમકી આપનારે કહ્યું છે કે, રોહિત શેટ્ટીના ઘરની બહાર અગાઉ જે ફાયરિંગ થયું હતું તે તો માત્ર એક ટ્રેલર હતું. જો આ વખતે 20 કરોડ રૂપિયા નહીં મળે, તો આગામી હુમલો સીધો જ કરવામાં આવશે. જો કે, મુંબઈ પોલીસ દ્વારા હજુ સુધી આ ઓડિયો ક્લિપની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ અવાજ શુબમ લોણકરનો હોવાની શંકા છે, તેથી ઓડિયો ક્લિપને તાત્કાલિક ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે અને જુહુ પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
3/5
નોંધનીય છે કે, આ વર્ષે 1 ફેબ્રુઆરી 2026 ની મોડી રાત્રે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા હાસ્ય કલાકાર મહેમૂદ ચોક નજીક રોહિત શેટ્ટીના ઘરની બહાર અજાણ્યા બદમાશો દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એ સમયે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી હતી. બાદમાં પોલીસે કથિત શૂટર દીપક શર્માની આગ્રાથી ધરપકડ કરી હતી, જે ત્યાં નાસતો ફરતો હતો.
4/5
સુરક્ષાના આ તમામ વિવાદો અને તણાવ વચ્ચે, રોહિત શેટ્ટી 2 વર્ષના લાંબા અંતરાલ પછી 'Khatron Ke Khiladi 15' ના હોસ્ટ તરીકે ટીવી પર કમબેક કરી રહ્યા છે. આ વખતની થીમ 'ડર કા નયા દૌર' રાખવામાં આવી છે. આ શોનું શૂટિંગ દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન ખાતે પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યાં સ્પર્ધકોએ ગગનચુંબી ઈમારતો, પાંજરા, સાપ અને ઝેરી કીડાઓ વચ્ચે હાઈ-રિસ્ક સ્ટન્ટ્સ કર્યા છે. શૂટિંગ પૂરું થયા બાદ રોહિત શેટ્ટીએ કહ્યું કે, આ સીઝન શારીરિક રીતે ખૂબ જ પડકારજનક રહી છે અને દર્શકોને આ વખતે એવા સરપ્રાઈઝ જોવા મળશે જે અગાઉ ક્યારેય નથી જોયા.
5/5
'ખતરોં કે ખિલાડી 15' ની આ સીઝનમાં મનોરંજન જગતના અનેક મોટા સ્ટાર્સ જોવા મળશે, જેમાં, ગૌરવ ખન્ના, રૂબીના દિલૈક, અવિનાશ મિશ્રા, ઓરી (Orry), કરણ વાહી, ઋત્વિક ધનજાની, જેસ્મિન ભસીન, વિશાલ આદિત્ય સિંહ, હર્ષ ગુજરાલ, અવિકા ગોર, શગુન શર્મા અને ફરહાના ભટ્ટ જેવા લોકપ્રિય કલાકારો સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ