બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં આજે જળયાત્રા, 108 કળશમાં જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાશે
Last Updated: 07:46 AM, 29 June 2026
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજથી ધાર્મિક ઉજવણીનો પ્રારંભ થશે. જેઠ સુદ પૂર્ણિમાના પાવન દિવસે આજે ભવ્ય જળયાત્રા યોજાશે. સવારના સમયે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરથી ધજા-પતાકા, હાથી, અખાડા અને ઢોલ-નગારાના તાલ સાથે જળયાત્રા વાજતે-ગાજતે નીકળશે અને સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચશે. અહીં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગંગા પૂજન કરવામાં આવશે. ત્યારબાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈ 108 પવિત્ર કળશમાં જળ ભરી મંદિર તરફ પરત ફરશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મંદિરમાં લાવવામાં આવેલા 108 પવિત્ર કળશના જળ વડે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક પૂર્ણ થયા બાદ ભગવાન ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ કરશે. દર વર્ષે યોજાતો આ ધાર્મિક કાર્યક્રમ મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે અને રથયાત્રા પૂર્વેનું મહત્વપૂર્ણ આયોજન માનવામાં આવે છે.

ADVERTISEMENT
આજે સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજી વાજતે-ગાજતે સરસપુર સ્થિત રણછોડરાય મંદિર, એટલે કે પોતાના મોસાળમાં પ્રસ્થાન કરશે. અહીં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં રોકાશે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શનનો લાભ લઈ શકશે. આ પરંપરા વર્ષોથી નિભાવવામાં આવે છે અને ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ધાર્મિક મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મેયર હિતેશ બારોટ સહિતના મંત્રીઓ અને ધારાસભ્યો હાજરી આપશે. જળયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 500થી વધુ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. સમગ્ર રૂટ પર CCTV કેમેરાની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે અને ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ પણ રાખવામાં આવશે. ઉપરાંત રથયાત્રાના માર્ગ પર રાતથી જ ઇ-વ્હીકલ દ્વારા ખાસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : પ્રખ્યાત પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ પાસે વહેલી સવારે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ADVERTISEMENT
અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથજી મંદિરમાં આગામી 149મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજે યોજાનારી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મંદિર પ્રશાસન અને તંત્ર રથયાત્રા તેમજ જળયાત્રાનું આયોજન ભવ્ય અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે એક્શન મોડમાં આવી ગયું છે. મંદિર પરિસરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.