ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવરાત્રીમાં સ્ટંટબાજ નબીરાઓ પર અમદાવાદ પોલીસ રાખશે બાજ નજર, પોલીસનો એક્શન પ્લાન તૈયાર
Last Updated: 02:29 PM, 5 October 2026
ADVERTISEMENT
નવરાત્રીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. નવરાત્રી દરમિયાન ગરબા રમવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોવાથી મહિલાઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને અકસ્માતોને અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગરબા ગ્રાઉન્ડ તેમજ તેની આસપાસના રસ્તાઓ પર ટુ વ્હીલર અને અન્ય વાહનો પર સ્ટંટ કરતા નબીરાઓ સામે પોલીસની બાજનજર રહેશે.
ADVERTISEMENT
નવરાત્રી દરમિયાન શહેરમાં અલગ અલગ સ્થળોએ મોટા પાયે ગરબાનાં આયોજન થતાં હોય છે, જેના કારણે સાંજથી મોડી રાત સુધી ગરબા ગ્રાઉન્ડ તરફ જતા રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધે છે. આવા સમયે કેટલાક યુવાનો દ્વારા ટુ વ્હીલર પર જોખમી રીતે સ્ટંટ કરવાની કે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી કોઈ ઘટના બને નહીં અને એક વ્યક્તિની બેદરકારીના કારણે અન્ય લોકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ટ્રાફિકના જેસીપી અશ્વિન ચૌહાણે જણાવ્યું છે કે નવરાત્રીને ધ્યાનમાં રાખીને માઈક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ગરબા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સરળતાથી જળવાઈ રહે તે સાથે સ્ટંટ કરનારા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે ગરબા ગ્રાઉન્ડ આસપાસ બાઈક પર સ્ટંટ કરીને પોતાની તેમજ અન્ય લોકોની સુરક્ષા જોખમમાં મૂકનારા ચાલકો માટે પોલીસ કોઈ છૂટછાટ રાખશે નહીં.
ADVERTISEMENT
પોલીસ દ્વારા ગરબા સ્થળો આસપાસ ટ્રાફિકની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવશે. ગરબા પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં લોકો એકસાથે પોતાનાં વાહનો લઈને રસ્તા પર નીકળતા હોવાથી ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને બેદરકારીપૂર્વક વાહન ન ચલાવે તે માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી સાથે જાગૃતિ રાખવામાં આવશે.
મહત્ત્વનું એ છે કે માત્ર ટુ વ્હીલર જ નહીં, પરંતુ અન્ય વાહનોમાં પણ જોખમી રીતે સ્ટંટ કરતા ચાલકો સામે પોલીસની નજર રહેશે. જાહેર રસ્તા પર વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની શકે છે. તેથી નવરાત્રી દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ચાલકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની તૈયારી પોલીસ દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT
નવરાત્રીનો તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પસાર થાય તે માટે પોલીસ સુરક્ષા અને ટ્રાફિક બંને મોરચે તૈયારીઓ કરી રહી છે. એક તરફ ગરબા સ્થળો પર ભીડનું સંચાલન અને ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવશે, બીજી તરફ રસ્તા પર જોખમી રીતે વાહન ચલાવનારાઓ પર પણ નજર રાખવામાં આવશે.
પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ માત્ર દંડાત્મક કાર્યવાહી કરવાનો નહીં, પરંતુ નવરાત્રી દરમિયાન અકસ્માતોની શક્યતા ઘટાડવાનો અને લોકો સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. ગરબા રમવા નીકળતા લોકો પણ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને સ્ટંટ કે બેદરકારીભરી ડ્રાઈવિંગથી દૂર રહે તે જરૂરી બન્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વૃદ્ધ પર હુમલો કરી અકસ્માતનું તરકટ રચ્યું, CCTV ફૂટેજના આધારે થયો ખુલાસો
બ્રેથ એનેલાઈઝરથી પણ થશે વાહનચાલકોની તપાસ
ADVERTISEMENT
નવરાત્રી દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોની ચકાસણી પણ કરવામાં આવશે. દારૂ પીને વાહન ચલાવતા હોવાની શંકા હોય તેવા ચાલકોની બ્રેથ એનેલાઈઝર દ્વારા તપાસ કરવામાં આવશે. નશાની હાલતમાં વાહન ચલાવતા મળી આવશે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા ખાસ કરીને રાતના સમયે વાહનચાલકોની તપાસ પર ધ્યાન આપવામાં આવશે, જેથી નશામાં ડ્રાઈવિંગના કારણે સર્જાતા અકસ્માતોને અટકાવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો