બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ બાદ પણ રહસ્ય અકબંધ,માતા-પિતાના નવા દાવાથી પોલીસ ચકરાવે
Last Updated: 04:25 PM, 18 April 2026
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતે સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ હૃદયદ્રાવક ઘટનામાં હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને બ્લડ સેમ્પલનો રિપોર્ટ શનિવારે પોલીસને પ્રાપ્ત થઈ ગયો છે, પરંતુ તેમ છતાં બાળકીઓના મોતના સાચા કારણ પરથી હજુ પડદો ઊંચકાયો નથી. ચાંદખેડા પોલીસના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટ હવે પોસ્ટમોર્ટમ કરનાર પેનલ ડોક્ટરોને સોંપવામાં આવ્યો છે. ડોક્ટરો આ રિપોર્ટનો તબીબી દ્રષ્ટિકોણથી ઊંડો અભ્યાસ કરી રહ્યા છે અને સોમવાર અથવા મંગળવાર સુધીમાં 'ફાયનલ કોઝ ઓફ ડેથ' એટલે કે મોતના ચોક્કસ કારણ અંગે પોતાનો લેખિત અભિપ્રાય આપશે. ત્યાં સુધી પોલીસ આ મામલે ઝેર કે અન્ય કોઈ પણ શક્યતા પર સત્તાવાર મહોર મારવાનું ટાળી રહી છે.
ADVERTISEMENT

બીજી તરફ, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૃતક બાળકીઓના માતા-પિતાની અંદાજે બે કલાક સુધી ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન મામલો વધુ ગૂંચવાયો છે, કારણ કે અત્યાર સુધી ઢોસાના ખીરાની વાત કરતા માતા-પિતાએ હવે નવી જ થિયરી રજૂ કરી છે. તેઓએ જણાવ્યું છે કે બાળકીઓએ ખીચડી અને ચોકલેટ પણ ખાધી હતી. માતા-પિતાના નિવેદનોમાં જોવા મળતી આ અસંગતતા અને વારંવાર બદલાતી વાતોને કારણે પોલીસ હવે કોઈ અલગ દિશામાં તપાસ કરવાનું વિચારી રહી છે. શરુઆતમાં જે ખીરાને કારણે ફૂડ પોઈઝનિંગ હોવાનું મનાતું હતું, ત્યાં હવે આ નવા નિવેદનોએ તપાસમાં વળાંક આણ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમરેલી-ધારી હાઇવે પર ખાનગી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 20 જેટલા વિધાર્થીઓ ઇજાગ્રસ્ત
આ દરમિયાન પોલીસને તપાસમાં એક ડાયરી પણ મળી આવી હતી, જેમાં 'પુત્ર પ્રાપ્તિ' અંગેના લખાણો હતા. આ લખાણોને કારણે કેસમાં કોઈ અંધશ્રદ્ધા કે અન્ય શંકાસ્પદ એન્ગલ હોવાની આશંકા જાગી હતી. જોકે, પૂછપરછમાં માતા ભાવનાબેને સ્પષ્ટતા કરી હતી કે એક દીકરી હોવાથી બીજો દીકરો આવે તેવી મધ્યમવર્ગીય પરિવાર જેવી સામાન્ય ઈચ્છા હતી અને તેને કોઈ અન્ય બાબત સાથે સાંકળવી જોઈએ નહીં. હાલમાં પોલીસ ડોક્ટરોના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના આધારે જ ખબર પડશે કે આ માત્ર એક અકસ્માત હતો કે તેની પાછળ કોઈ ગંભીર ષડયંત્ર છુપાયેલું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.