મહેસાણાઃ જિલ્લાનાં કડીમાં લૂંટારૂઓએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. હજુ તો કડીમાં રૂ.36 લાખની લૂંટની ઘટના સર્જાતાં પંદર જ દિવસ થયાં છે ત્યારે ગઈ કાલે સાંજે આંગડિયા પેઢીનાં કર્મચારી પર તલવારોનાં ઘા ઝીંકી રૂ.43 લાખની લૂંટ થઇ હોવાંની એક ઘટના સામે આવી છે.
જો કે આ ઘટનામાં ઇજાગ્રસ્ત બંને લોકોને હાલ સારવાર હેઠળ મોકલી દેવામાં આવ્યાં છે. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે આ ફૂટેજ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની સમગ્ર વિગત એવી છે કે કડીનાં પ્રવેશદ્વાર પાસે આવેલાં શક્તિ બ્રોકર્સનાં કર્મચારી હિરેન પ્રજાપતિ અને કમલેશ ડાભી રૂ.43 લાખ લઈને મહારાષ્ટ્રમાં આંગડીયા પેઢીમાં હવાલો પાડવાની રકમ લઈને પાસે આવતા ડાયમંડ પ્લાઝાની સીડીઓ ચઢતાં હતાં.
તેવામાં સ્વિફ્ટ કારમાં તલવાર અને અન્ય હથિયારો સાથે આવેલાં ચાર અજાણ્યાં શખ્સોએ તેઓ પર હથિયારથી હુમલો કર્યો હતો. હુમલા બાદ તેઓ રૂ.43 લાખ ભરેલી રકમની બેગ લઈ ફરાર થઈ ગયાં હતાં. જેનાં પગલે પોલીસે વધુ ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ બંને કર્મચારીઓ જ્યારે એકટીવા લઈને ડાયમંડ પ્લાઝાની સીડીઓ ચડવા જાય છે. એવામાં સ્વિફ્ટ ડીઝાયર કારમાં આવેલાં ચાર અજાણ્યાં શખ્સો તલવારનાં ઘા ઝીંકીને જોતજોતામાં રૂ.43 લાખ ભરેલ થેલો લઈને ફરાર થઇ ગયાં હતાં.
ઈજાગ્રસ્ત હિરેન પ્રજાપતિ અને કમલેશ ડાભીને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી કમલેશ ડાભીને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો.