બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / મહારાષ્ટ્રમાં કાકા વિરુદ્ધ ભત્રીજાનો જંગ પહેલીવાર નથી, સત્તા માટે કાકાએ કરાવી હતી સગા ભત્રીજાની હત્યા, જાણો મરાઠા ઇતિહાસનું એક રક્તરંજિત પ્રકરણ

કાકા વર્સિસ ભત્રીજા / મહારાષ્ટ્રમાં કાકા વિરુદ્ધ ભત્રીજાનો જંગ પહેલીવાર નથી, સત્તા માટે કાકાએ કરાવી હતી સગા ભત્રીજાની હત્યા, જાણો મરાઠા ઇતિહાસનું એક રક્તરંજિત પ્રકરણ

Published By: Vikram Mehta

Last Updated: 01:31 PM, 9 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજનીતિમાં સત્તાના સિંહાસન માટે કાકા અને ભત્રીજા આમને સામને આવી ગયા હોય એવા દાખલાઓ આપણી પાસે પડેલા છે. ઉત્તરપ્રદેશમાં અખિલેશ વર્સિસ શિવપાલ, બિહારમાં ચિરાગ પાસવાન વર્સિસ પશુપતિ કુમાર પારસ, પંજાબમાં પ્રકાશસિંહ બાદલ વર્સિસ મનપ્રિતસિંહ બાદલના ઉદાહરણો આપણી આંખ સામે છે. મહારાષ્ટ્રમાં શરદ પવારની સામે ભત્રીજા અજીત પવારની બગાવત તો મહારાષ્ટ્રના રાજકારણનું એક મહત્વપૂર્ણ પ્રકરણ છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીના નગારા વાગી રહ્યા છે અને કાકા-ભત્રીજા આમને સામને છે. મહારાષ્ટ્રના ઇતિહાસમાં લટાર મારીએ ત્યારે પૂણેના શનિવારવાડામાંથી સંભળાય છે સત્તા પ્રાપ્તિ માટે અંધ બનેલા કાકાના હાથે લખાયેલી એક કલંકિત કથા. એક એવી કથા કે જેમાં પેશ્વા નારાયણ પોતાના જ કાકા રઘુનાથરાવના ઝેરીલા ષડયંત્રનો ભોગ બનીને મૃત્યુને ભેંટ્યા. આજે પણ શનિવારવાડામાં આ કલંકિત કથાની ભૂતાવળ ભટકે છે..

તારીખ 30 ઓગષ્ટ, 1773.
પેશ્વાઇ ઇતિહાસના એ રક્તરંજિત દિવસનું બપોરટાણું. મરાઠા સામ્રાજ્યના નવા પેશ્વા નારાયણ રાવ બપોરનું ભોજન પતાવીને પોતાના શયનખંડમાં આરામ કરી રહ્યા હતા. ત્યાં જ શનિવારવાડાની અંદર કસાયેલ બાંધાના હથિયારધારી યુવકોનું ટોળું આવી ચડ્યું. અચાનક પેશ્વાને ઓરડાની બહાર કંઇક શોરબકોર સંભળાયો. સેવકોને બોલાવીને કારણ પુછ્યું તો જાણવા મળ્યું કે સુરક્ષાદળનો વડો સુમેરસિંહ ગર્દી કેટલાક હથિયારબદ્ધ માણસો સાથે શનિવારવાડામાં ઘુસી આવ્યો છે. સુમેરસિંહની કટાર પેશ્વા નારાયણનું કાસળ કાઢી નાખવા માટે ઉતાવળી થઇ રહી હતી.

નારાયણરાવ દેવઘરની તરફ દોડી ગયા કે જ્યાં એમના કાકા રઘુનાથ રાવ પૂજા કરી રહ્યા હતા. નારાયણ રાવે કાકા આગળ જીવ બચાવવા વિનંતી કરી. પણ રઘુનાથ રાવના ચહેરા પર એક ક્રુર સ્મિત ઉપસી આવ્યું. સુમેરસિંહ ગર્દી નારાયણરાવ તરફ ધસી આવ્યો અને એક ધારદાર કટારથી...

શનિવારવાડામાં નારાયણરાવની ચીસો ગુંજતી રહી: કાકા, માલા વાચવા , કાકા, માલા વાચવા..( કાકા, મને બચાવી લો! )

નારાયણરાવની હત્યા પાછળ મૂળ તો સત્તાની પાશવી લાલસા કેન્દ્રમાં હતી. પેશ્વાના સુવર્ણ ઇતિહાસમાં લોઢાની મેખ સમાન આ પ્રકરણ મરાઠા ઇતિહાસનો એક બહુ મહત્વનો વળાંક છે.

thumb-2

પેશ્વાઓનો ઇતિહાસ સંભળાવતો શનિવારવાડાનો કિલ્લો

કોણ હતા પેશ્વા?
એક સમયે મુઘલોએ ભારતનો મોટા ભાગનો ભાગ કબજે કરી લીધો હતો. એ સમયે છત્રપતિ શિવાજી મહારાજે મહારાષ્ટ્રમાં મુઘલો સામે ટક્કર લીધી અને મુઘલોને ભગાડીને હિંદુ સામ્રાજ્યનો પાયો નાખ્યો. હિંદુઓના આ મરાઠા સામ્રાજ્યમાં વડાપ્રધાનોને પેશ્વા કહેવામાં આવતા હતા. એ રાજાની સલાહકાર સમિતિના વડા હતા.તેનું સ્થાન રાજા પછી આવતું. શિવાજી મહારાજના આઠ મુખ્ય પ્રધાનમંડળમાં, વડા પ્રધાન અથવા વઝીરનો પર્યાય પદ 'પેશ્વા' હતું. પેશ્વાનું પદ વંશપરંપરાગત નહોતું. એમની શક્તિ અને બુદ્ધિમત્તાથી પેશ્વાઓએ ભારતનો મોટો હિસ્સો મુઘલોથી આઝાદ કરાવ્યો હતો.

બાલાજી વિશ્વનાથ: મરાઠા સામ્રાજ્યના ચાણ્કય
છત્રપતિ શિવાજી મહારાજના સમયથી મરાઠા સામ્રાજ્યમાં પેશ્વાઓએ ઘણું યોગદાન આપ્યું હોવા છતાં, દેશના લોકો પર પેશ્વાઓની સીધી અસર સાતમા પેશ્વા બાલાજી વિશ્વનાથ ભટ (1662-1720)ના સમયમાં શરૂ થઈ હતી. છત્રપતિ મહારાજા શાહુજીના દુશ્મનોને માત કરીને એમને ગાદીએ બેસાડવામાં પણ તેમની મોટી ભૂમિકા હતી. આ કાર્યોના બદલામાં છત્રપતિ શાહુજી મહારાજે 1713માં ‘બાલાજી વિશ્વનાથ’ને પેશવા તરીકે નિયુક્ત કર્યા. તેમની મુત્સદ્દીગીરીના કારણે તેઓ મરાઠા સામ્રાજ્યના ચાણ્કય તરીકે ઓળખાતા.

41 યુદ્ધોમાં મરાઠા સામ્રાજ્યના વાવટા ફરકાવનાર બાજીરાવ પેશ્વા
1720માં તેમના મૃત્યુ પછી, તેમનો 19 વર્ષનો પુત્ર બાજીરાવ પેશવા બન્યો. તેઓ પ્રથમ પેશ્વા હતા જે પેશવાના પુત્ર હતા. બાજીરાવ પેશ્વાએ પોતાની શોર્ય અને કાબેલિયતથી મરાઠા સામ્રાજ્યને ભારતમાં એ સમયનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય બનાવ્યું. કુલ વીસ વર્ષોમાં બાજીરાવે કુલ 41 યુદ્ધો લડ્યા અને દરેક યુદ્ધમાં જીતના વાવટા ફરકાવ્યા. ભારતના આ મહાન યોદ્ધા, તેમની ચરમ સમૃદ્ધિના સમયે 40 વર્ષની નાની વયે 28 એપ્રિલ 1740ના રોજ અકાળે અવસાન પામ્યા. બાજીરાવ અને એમની પ્રેમિકા મસ્તાનીની કથા આપણે ‘સંજય’ નજરે ફિલ્મી પડદે જોઇ ચૂક્યા છીએ.

વડ એવા ટેટા, બાપ એવા બેટા
1740માં બાજીરાવ પેશ્વા પ્રથમના મૃત્યુ પછી, તેમના મોટા પુત્ર બાલાજી બાજીરાવ ઉર્ફે નાના સાહેબને (1721 - 1761) ને છત્રપતિના પેશવા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. નાના સાહેબ તેમના પિતાથી અલગ સ્વભાવના હતા, જ્યારે તેમના પિતા એક યોદ્ધા હતા, નાના સાહેબ તેમના દાદા બાલાજી વિશ્વનાથ જેવા મહાન રાજદ્વારી હતા. નાના સાહેબની બુદ્ધિમત્તા અને તેમના પિતરાઈ ભાઈ સદાશિવરાવભાઈની બહાદુરીએ ભારતનું નસીબ પલટાવી નાખ્યું. બંનેએ સાથે મળીને હાલના મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશના મોટા ભાગ પર ભગવો લહેરાવીને મુઘલ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા.

નાના સાહેબનું સમગ્ર ધ્યાન દિલ્હી પર હતું પરંતુ કમનસીબે એ જ સમયે છત્રપતિ શાહુજી મહારાજ બીમાર પડી ગયા. શાહુજી મહારાજ નાદુરસ્ત થયા પછી, માલવામાં હોલકરે અને બુંદેલખંડમાં સિંઘિયાએ પોતાનું શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો. 15 ડિસેમ્બર 1749 ના રોજ શાહુજી મહારાજના મૃત્યુ પછી, સિંધિયા અને હોલકરે અલગ-અલગ રહેવાનું શરૂ કર્યું. ઘણા પ્રયત્નો છતાં, નાના સાહેબ હોલકરો અને સિંધિયાઓ વચ્ચેની દીવાલ ભાંગી ન શક્યા.

પાણીપતનું યુદ્ધ: મરાઠાઓની હાર, અબ્દાલીનો નરસંહાર
આ દરમિયાન આક્રાંતા નાદિર શાહ અને અહેમદ શાહ અબ્દાલીએ ઉત્તર ભારતમાં નરસંહાર શરુ કર્યો. અહેમદ શાહ અબ્દાલીના હુમલા સમયે પેશ્વાએ તેને દિલ્હી પહેલા રોકવાની યોજના બનાવી. પાણીપતના મેદાનમાં મરાઠાઓ અને અફઘાનો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પાણીપતની એ લડાઈની આગેવાની મરાઠા સરદારો દત્તાજી સિંધિયા અને સદાશિવ રાવે કરી હતી. પરંતુ આ પાણીપતના યુદ્ધમાં મરાઠાઓને નામે કારમો પરાજય લખાયો.

પાણીપતનું એ યુદ્ધ 14 જાન્યુઆરી 1761 ના રોજ, મકરસંક્રાંતિના દિવસે લડાયું હતું. મહારાષ્ટ્ર,ગુજરાત,મધ્યપ્રદેશમાં રહેતા મરાઠાઓ હાડ ધ્રુજાવતી ઠંડીથી ટેવાયેલા ન હતા કે ન તો એમની પાસે ગરમ વસ્ત્રો હતા. સ્થાનિક લોકોએ મરાઠા સૈનિકોને ભોજન અને ગરમ કપડાં પણ આપ્યા ન હતા. આ યુદ્ધમાં મરાઠાને હાર આપીને અબ્દાલીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભયાનક નરસંહાર અને લૂંટફાટ આદરી.

પાણીપતની હારનો આઘાત
નરસંહાર કરવા ઉપરાંત, અબ્દાલીએ ભારતમાંથી હજારો પુરુષો/સ્ત્રીઓને પકડ્યા અને તેમને ગુલામ તરીકે રાખ્યા. નાના સાહેબ સમગ્ર હિંદુ રાજાઓને એક કરીને અબ્દાલીનો સામનો કરવા માંગતા હતા, તેમણે ઉત્તર ભારતના હિંદુ રાજાઓને એક કરવાના ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ પોતાના હિતોને કારણે નાના સાહેબની વાત કાને ન ધરાઇ અને હવે એનું પરિણામ સામે દેખાઇ રહ્યું હતું!

પાણીપતના યુદ્ધમાં નાના સાહેબે પોતાના મોટા પુત્ર વિશ્વાસરાવને પણ ગુમાવ્યા હતા. પાણીપતની આ કારમી હારનો આઘાત નાના સાહેબ સહન કરી શક્યા નહીં અને આ આઘાતને કારણે 40 વર્ષની નાની વયે તેમનું અવસાન થયું.

પેશ્વા માધવરાવના પરાક્રમની દેણ: મહારાષ્ટ્રની દહીહાંડી
1761માં નાના સાહેબ પેશવાના અવસાન પછી, તેમના બીજા પુત્ર માધવરાવે માત્ર સોળ વર્ષની ઉંમરે પેશવાનું પદ સંભાળ્યું. માધવરાવે પાણીપતની હારથી નિરાશ થયેલા મરાઠાઓમાં ઉત્સાહ ભર્યો. માધવરાવ એક સફળ રાજકારણી, કુશળ લડવૈયા અને કુશળ વહીવટકર્તા હતા. તેમનું અંગત જીવન એકદમ દોષરહિત હતું. માધવ રાવે ટૂંક સમયમાં જ મરાઠાઓને ફરીથી શક્તિશાળી બનાવ્યા.પેશ્વા માધવરાવે  પવિત્ર વ્રજ ભૂમિ (મથુરા, વૃંદાવન, ગોકુલ, બરસાના)ને મુઘલોથી મુક્ત કરાવી. એમની જીતની ઉજવણી કરવા માટે, જન્માષ્ટમીના રોજ સમગ્ર મહારાષ્ટ્રમાં "દહી હાંડી" નો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રથા આજે પણ ચાલુ છે.  

કાકા વર્સિસ ભત્રીજા
પેશ્વા માધવરાવ અને એમની દેખરેખ રાખતા એમના કાકા રઘુનાથ રાવ વચ્ચે વારંવાર ચણભણ થયા કરતી. રઘુનાથ રાવ એક કુશળ યૌદ્ધા અને રણનીતિકાર હતા. મરાઠાઓને મળેલી જીતમાં એમનો ફાળો અગત્યનો હતો પણ એમની સત્તા લોલુપ નજર પેશ્વાપદ પર મંડાયેલી હતી. કાકા રઘુનાથ રાવ અને પેશ્વા માધવરાવ વચ્ચે એક તબક્કે યુદ્ધની નોબત ઉભી થઇ. પેશ્વા માધવરાવે રઘુનાથ રાવને હરાવીને એમને શનિવારવાડામાં નજરકેદ રાખ્યા. જોકે, પછીથી માધવરાવે કાકા રઘુનાથ રાવને માફી આપીને છોડી મુક્યા. રઘુનાથ રાવે જાહેરમાં માફી માગી પણ એની અંદરની સત્તાની મહત્વકાંક્ષા હજુ ઠરી નહોતી.

516px-thumbnail

રઘુનાથ રાવને રાઘોબા તરીકે પણ ઓળખવામાં આવે છે

માધવરાવનું ક્ષયથી અવસાન: પેશ્વાપદની ખેંચતાણ
જ્યારે પેશવા માધવરાવના નેતૃત્વમાં હિંદુઓ સતત જીતી રહ્યા હતા, એ જ સમયે અચાનક પેશ્વા માધવરાવને ક્ષય રોગ લાગુ પડ્યો અને તારીખ 18 નવેમ્બર,1772ના રોજ માત્ર 27 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. મોટાભાગના ઈતિહાસકારો માને છે કે પેશવા માધવરાવનું અકાળે મૃત્યુ એ ભારત માટે પાણીપતની હાર કરતાં પણ મોટો ફટકો હતો. પેશવા માધવરાવ પછી, મરાઠાઓમાં પણ આપસી સંઘર્ષ શરૂ થયો. આનો લાભ લઈને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનો પગદંડો જમાવવાનું શરૂ કર્યું. અહીંથી મરાઠા સામ્રાજ્યનું પતન શરૂ થયું અને અંગ્રેજોએ તેનો ભરપૂર લાભ ઉઠાવ્યો.

રઘુનાથ રાવ પેશ્વાપદના ગુલાબી સ્વપ્નમાં રાચતા હતા પણ રઘુનાથના સપનાઓ પર પાણી ફરી વળ્યું જ્યારે પેશવા માધવ રાવના વહેલા મૃત્યુને કારણે, તેમના 18 વર્ષના નાના ભાઈ નારાયણરાવ (જન્મ 1755-મૃત્યુ 1773)ને 13 ડિસેમ્બર 1772ના રોજ અગિયારમા પેશ્વા તરીકે જાહેર કરવામાં આવ્યા.

666px-Narayanrao_Peshwa

નારાયણરાવ પેશ્વા

નારાયણરાવનો કાંટો કાઢવો પડશે!
‘આટલા વર્ષના યોગદાનની આ કિંમત, તમે પેશ્વા બનવાને લાયક છો. હજુ મૂછનો દોરો પણ નથી ફૂટ્યોને પેલો નારાયણરાવ પેશ્વા બની જાય...જરા વિચારો..જો તમારે પેશ્વાપદ મેળવવું હશે તો આ નારાયણરાવને તમારે કોઇ પણ રીતે હટાવવો પડશે..’

પેશ્વાપદ ન મળતા સમસમી ગયેલા રઘુનાથ રાવના કાનમાં એમના પત્ની આનંદીબાઇએ છાતી સોંસરવા ઉતરી જાય એવા તિક્ષ્ણ શબ્દોનું ઝેર ભર્યું. બળતામાં ઘી હોમાયું. રઘુનાથ રાવની મહત્વકાંક્ષાને પોષવામાં એમના પત્ની આનંદીબાઇની પણ વરવી ભૂમિકા હતી. રઘુનાથરાવ અને આનંદીબાઇની આ મહત્વકાંક્ષા એમને દીકરા જેવા સગા ભત્રીજા નારાયણરાવની હત્યા કરવા સુધીના સ્તરે દોરી ગઇ. આનંદીબાઇની ચડવણીથી રઘુનાથરાવે તેમના ભત્રીજા પેશ્વા નારાયણરાવ વિરુદ્ધ કાવતરું ઘડ્યું.

પેશ્વાપદ પામવા માટે તડપી રહેલા રઘુનાથ રાવે સુમેરસિંહ ગર્દીને સાધ્યો. આ સુમેરસિંહ પેશ્વાના સંરક્ષણ દળનો સરદાર હતો. નારાયણરાવને હટાવવાના બદલામાં રઘુનાથ રાવે એને દસ લાખ રૂપિયા ઈનામ તરીકે આપવાનો વાયદો કર્યો. અને આખરે એક દિવસ સુમેરસિંહ ગર્દી પોતાના કેટલાક સૈનિકો સાથે શનિવારવાડામાં ઘૂસી ગયો અને કત્લેઆમ મચાવી. માત્ર નારાયણરાવ જ નહીં પરંતુ સુમેરસિંહ ગર્દીએ શનિવારવાડાના નોકરોને પણ જીવતા ન છોડ્યા. એમ કહેવાય છે કે શનિવારવાડામાં દોઢ કલાક સુધી આ હત્યાકાંડ ચાલ્યો હતો. એક વાત એવી પણ છે કે રઘુનાથ રાવે નારાયણરાવને માત્ર પકડવાનો આદેશ આપ્યો હતો જ્યારે આનંદીબાઇએ આ આદેશને પલટાવીને સુમેરસિંહને મારી નાખવાનો આદેશ આપ્યો હતો.

બાર મરાઠા સરદારે જ્યારે એક મહિનાના બાળકને આગામી પેશ્વા જાહેર કર્યો
પેશ્વા નારાયણ રાવની હત્યા કરીને રઘુનાથરાવ પોતે પેશવા બન્યા. અલબત મરાઠા હિત અને દેશહિતને બદલે સ્વહિતમાં રાચતા રઘુનાથ રાવ પ્રત્યે મરાઠા સેનામાં નારાજગીનો સૂર હતો. પેશ્વા રઘુનાથરાવના નિર્ણયોમાં આનંદીબાઇની દખલઅંદાજી પણ મરાઠા સૈન્યના મોભીઓને ખટકતી હતી.

આ દરમિયાન, ભૂતપૂર્વ પેશ્વા નારાયણ રાવની વિધવાએ એક પુત્રને જન્મ આપ્યો. જેનું નામ રાખવામાં આવ્યું સવાઇ માધવરાવ. જેને ઇતિહાસમાં માધવરાવ બીજા તરીકે ઓળખવામાં આવે છે. પેશ્વા માધવરાવને વફાદાર અને પેશવા રઘુનાથરાવને નાપસંદ કરનારા નાના ફડણવીસની આગેવાનીમાં બાર મરાઠા સરદારોએ એક મહિના અને અઢાર દિવસના બાળકને તેરમા પેશવા તરીકે જાહેર કરીને વહીવટ ચલાવ્યો.

હવે મરાઠા શક્તિના બે કેન્દ્રો બની ગયા હતા. એક બાજુ પેશ્વા રઘુનાથ રાવ અને બીજી બાજુ બાળક માધવરાવ બીજાના નામે વહીવટ ચલાવતા તેમના વાલી નાના ફડણવીસ. નાના ફડણવીસનું સાચું નામ બાલાજી જનાર્દન ભાનુ હતું. નાના ફડણવીસના પૂર્વજો પેશ્વા પરિવારના ખૂબ જૂના વફાદાર હતા.

561px-Nana_Fadnavis_Painting

પેશ્વાઓના વફાદાર નાના ફડણવીસ

સત્તા, સ્વાર્થ અને સુરતની સંધિ
સ્વાર્થમાં અંધ બનેલા રઘુનાથરાવે હવે પેશ્વાની ગાદી પર બેસવા માટે અંગ્રેજો પાસે મદદ માગી. રઘુનાથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની બોમ્બે ઓફિસ સાથે સંધિ કરી. આને સુરતની સંધિ કહેવાય છે. 1775ની આ સંધિ મુજબ એવું નક્કી થયું કે, સાલસેત્તે અને વસઈની જમીન રઘુનાથરાવ અંગ્રેજોને હસ્તક કરે અને સુરત અને ભરુચ  જિલ્લાના મહેસુલમાં હિસ્સો અંગ્રેજોને સોંપે. તેના બદલામાં અંગ્રેજો રઘુનાથરાવને 2500 સૈનિકો પૂરા પાડે.

960px-Maratha_British_Treaty

સુરત સંધિનું ચિત્ર

મરાઠાઓએ અંગ્રેજોને ધૂળ ચાટતા કરી દીધા, રઘુનાથરાવનો પેશ્વા પદનો દાવો રદ થયો
કલકત્તા સ્થિત અંગ્રેજ સમિતિએ સુરતની સંધિની ટીકા કરી અને તે રદ કરી અને કારભારીઓ સાથે નવી સંધિ કરવા કર્નલ અપટનને પુણા ખાતે રવાના કર્યા. તારીખ 1 માર્ચ 1776ના રોજ પુરંધરની સંધિ કરવામાં આવી અને સુરતની સંધિ રદ કરવામાં આવી. માધવરાવ સવાઇને પેશ્વાની માન્યતા અંગ્રેજોએ આપી અને સાલસેત્તે અને ભરુચના મહેસૂલનો  હક્ક પોતાની પાસે રાખ્યો. પણ પછી નાના ફડણવીસે કલકત્તા સાથેની સંધિ શરતોનો ભંગ કર્યો અને ફ્રેન્ચોને પશ્ચિમી તટ પર બંદર આપ્યું. અંગ્રેજોએ તેના વિરોધમાં પુણે તરફ સૈન્ય રવાના કર્યું અને આમ ઇતિહાસમાં વિખ્યાત એંગ્લો-મરાઠા યુદ્ધના મંડાણ થયા જેમાં મરાઠાઓની જીત થઇ. વડગાંવ ખાતે એક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે મુજબ રઘુનાથરાવનો પેશવાના પદ પરનો દાવો રદ કરવામાં આવ્યો હતો. એમ તો રઘુનાથ રાવે પોર્ટુગીઝ પાસે પણ મદદના હાથ લંબાવ્યા હતા પણ નિષ્ફળતા મળી હતી.

રઘુનાથ રાવનું પછી શું થયું?
રઘુનાથરાવ તેમના વિશ્વાસુ સરદાર સંતાજીરાવ વાબલાના સ્થાને કોપરગાંવ ગયા અને 11 ડિસેમ્બર 1783ના રોજ ત્યાં જ એમનું અવસાન થયું. રઘુનાથના બે પુત્રો બાજી રાવ દ્વિતીય અને ચિમાજી રાવ દ્વિતીય હતા. વધુમાં, એમણે અમૃત રાવને દત્તક લીધો હતો. રઘુનાથના મૃત્યુ પછી, એની પત્ની આનંદીબાઈ અને તેમના ત્રણ પુત્રોને નાના ફડણવીસને કેદમાં રાખ્યા હતા. પેશવા માધવરાવ સવાઈનું શંકાસ્પદ રીતે મૃત્યુ થતાં , નાના ફડણવીસ અને શક્તિશાળી વડા દૌલતરાવ સિંધિયાએ બાજી રાવ દ્વિતીયને પેશવા તરીકે ઘોષિત કર્યા. જો પેશ્વા નારાયણ રાવની હત્યા થઇ ન હોત તો ઇતિહાસ કંઇક જુદો હોત. પણ જો અને તો વચ્ચે લખાય એનું નામ જ ઇતિહાસ ને!

સંકળાયેલા મુદ્દાઓ

sharadpawar Maharashtrapolitics bajirao mastani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ