ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી
Last Updated: 05:53 PM, 13 September 2026
ADVERTISEMENT
રાપર અને ભચાઉના ગ્રામ વિસ્તારમાં વરસાદ
ADVERTISEMENT
કચ્છના રાપર અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભચાઉના વાંઢીયામાં વરસાદી ઝાપટું પડતાં સ્થાનિકોને રાહત મળી હતી, જ્યારે રાપરના ચિત્રોડ અને ગેડી વિસ્તારમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. રાપર તાલુકાના ખેંગારપર, સુવઈ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. વરસાદ બાદ કેટલાક માર્ગો પર પાણી વહી નીકળતા રસ્તાઓ ભીના બન્યા હતા. બીજી તરફ નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર) ગામમાં પણ વરસાદ વરસતા ગ્રામ્ય પંથકમાં ઠંડક પ્રસરી હતી.
ADVERTISEMENT
દોઢ મહિના બાદ હળવદ પંથકમાં મેઘરાજાની પધરામણી
હળવદ પંથકમાં દોઢ મહિના જેટલા લાંબા વિરામ બાદ આજે ફરી મેઘરાજાએ પધરામણી કરી છે. દિવસભર વાદળછાયું અને વરસાદી વાતાવરણ વચ્ચે બપોરના સમયે ધીમીધારે વરસાદ શરૂ થતાં શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી. હળવદ શહેર ઉપરાંત ઘનશ્યામપુર, સાપકડા, ભલગામડા, માનસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં પણ રાહતની લાગણી પ્રસરી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં વરસાદ બાદ સેટેલાઇટ-રામદેવનગર રોડ પર પાણી ભરાયા
ADVERTISEMENT
અમદાવાદમાં પડેલા વરસાદ બાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રામદેવનગર રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં માર્ગ પર પાણીનો નિકાલ ન થતાં વાહનવ્યવહારને અસર થઈ રહી છે. રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોમાં પણ તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે. વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય અને માર્ગ પર સર્જાયેલી સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT
ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં સમી સાંજે અચાનક ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું હતું. મકરોડા, લીલછા, નવા ભવનાથ સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે ઇડર-ભિલોડા હાઈવે પર પણ પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદમાં યલો તો ભરૂચ-નવસારી-દમણ-વલસાડમાં રેડ એલર્ટ
સાંતલપુરમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં હવામાન વિભાગની આગાહીની અસર જોવા મળી રહી છે. તાલુકાના ચોરાડ પંથકમાં અનેક ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કલ્યાણપુરા, રણમલપુરા, બકુત્રા, ગરામડી, રોજુ સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડા મોડા પણ વરસાદનું આગમન થતાં ખેતરોમાં વાવેલા પાકને જીવતદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. હાલ પડેલો વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે, ત્યારે આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસે તો સાંતલપુર તાલુકાના ખેડૂતોને પાક ઉત્પાદન અંગે મોટી રાહત અને ખુશી મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.