ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / મિત્ર જ બન્યો કાળ! ઝેરી દારૂથી રિક્ષાચાલકનું મો*તમાં હત્યાનો ખુલાસો
Last Updated: 03:08 PM, 13 September 2026
ADVERTISEMENT
ભાવનગરમાં દારૂ પીવાના કારણે થયેલા મોતના બનાવમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. જે મિત્ર સાથે વર્ષોથી ગાઢ મિત્રતા હતી, એ જ મિત્ર થોડા રૂપિયા કમાવાની લાલચે કાળ બની ગયો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. FSL રિપોર્ટમાં મૃતકના શરીરમાં જીવલેણ મિથેનોલ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ઝેરી દારૂ ક્યાંથી આવ્યો? કોણ લાવ્યું? કોને આપ્યો? અને સૌથી મહત્વનું—મૃતકને આ દારૂ કોણે પીવડાવ્યો? CCTV ફૂટેજ, કોલ રેકોર્ડિંગ અને મોબાઇલ ડિટેઇલ પોલીસ માટે મહત્વની કડી બની અને આખરે ગાઢ મિત્ર જ હત્યાનો આરોપી હોવાનું સામે આવ્યું. પોલીસે મુખ્ય આરોપી મુકેશ પટેલ અને મદદગારી કરનાર સંજય સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતો ભાવેશ વિસાણી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 5 સપ્ટેમ્બરના રોજ ભાવેશને છાતીમાં દુખાવો અને ઉલ્ટીઓની ફરિયાદ થતા તેને સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર દરમિયાન તબિયતમાં સુધારો ન આવતા તબીબોએ પૂછપરછ કરી હતી. જેમાં ભાવેશે દારૂ પીધો હોવાનું સામે આવ્યું હતું. ઝેરી દારૂ પીધાની આશંકા વચ્ચે તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે સારવાર કારગત નીવડી નહોતી અને બીજા દિવસે વહેલી સવારે ભાવેશ વિસાણીનું મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT

ભાવેશના મોત બાદ પરિવારની શંકા અને ફરિયાદના આધારે પોલીસે પેનલ PM કરાવ્યું હતું. મૃતકના વિશેરા જૂનાગઢ તપાસ માટે મોકલાયા હતા, જ્યારે લોહીના નમૂના મિથેનોલની હાજરી તપાસવા ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યા હતા. FSL રિપોર્ટમાં ભાવેશના લોહીમાં 0.0818 ટકા મિથેનોલ મળી આવ્યું હોવાનું સામે આવ્યું હતું. એટલે કે ભાવેશે મિથેનોલ મિશ્રિત ઝેરી દારૂ પીધો હોવાની પોલીસને કડી મળી.
ADVERTISEMENT
પોલીસ તપાસનો દોર શરૂ થયો કે આ દારૂ આવ્યો ક્યાંથી? કોણ લાવ્યું? કોને આપ્યો અને ભાવેશ સુધી પહોંચ્યો કેવી રીતે? તપાસમાં સંજય નામના શખ્સે બે બોટલ દારૂ લાવી હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી એક બોટલ અનોપસિંહને અને બીજી બોટલ મુકેશ પટેલને આપવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. મૃતકના મોબાઇલની ડિટેઇલ અને કોલ રેકોર્ડિંગની તપાસ દરમિયાન મુકેશ પટેલનું નામ સામે આવ્યું અને પોલીસે તેને ઝડપી પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાતો ગયો.

ADVERTISEMENT
મિત્રતા બની દુશ્મનીનું કારણ
પોલીસ તપાસ મુજબ ભાવેશ વિસાણી મુકતા લક્ષ્મી સ્કૂલમાં બાળકોને રીક્ષામાં લાવવા-લઈ જવાની વર્ધી કરતો હતો. મુકેશ પટેલ પણ રીક્ષા ચલાવતો હોવાથી તેણે ભાવેશને આ જ સ્કૂલમાં પોતાને પણ વર્ધીમાં ગોઠવી દેવા માટે રજુઆત કરી હતી.પરંતુ સ્કૂલમાં જગ્યા ન હોવાથી ભાવેશે મુકેશને ના પાડી હતી. આ વાતનું મનદુઃખ મુકેશના મનમાં રહ્યું હતું. જો ભાવેશ આ કામમાંથી હટી જાય તો પોતાને વર્ધી મળી શકે તેવી માનસિકતા સાથે મુકેશે કથિત રીતે ભાવેશને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. અને આ જ મનદુઃખે ગાઢ મિત્રતાને દુશ્મનીમાં ફેરવી નાખી.
ADVERTISEMENT
ઝેરી દારૂની બોટલ અને હત્યાનો પ્લાન
પોલીસ તપાસમાં સામે આવ્યું કે સંજય નામના શખ્સે વરતેજના બુટલેગર પાસેથી ઝેરી દારૂ લાવ્યો હતો અને તેમાંથી બોટલો અનોપસિંહ અને મુકેશ પટેલને આપી હતી. અનોપસિંહે બોટલ પરનું રોયલ સ્ટેગનું લેબલ જોયું હતું. તે સમયે ઝેરી દારૂના કારણે અનેક લોકોના મોત થયાની જાણ હોવાથી તેણે બોટલનો નાશ કરી નાખ્યો હતો અને મુકેશને પણ દારૂ નષ્ટ કરવા કહ્યું હતું. પરંતુ પોલીસના આરોપ મુજબ મુકેશે દારૂનો નાશ કરવાને બદલે આ ઝેરી દારૂનો ઉપયોગ ભાવેશ વિસાણી સામે કર્યો. આ દરમિયાન મુકેશે પોતે પણ દારૂ પીધો હોવાનું અને બાદમાં તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હોવાનું સામે આવ્યું છે. પરંતુ ભાવેશ માટે આ ઝેરી દારૂ જીવલેણ સાબિત થયો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.
ADVERTISEMENT
એક તરફ ગાઢ મિત્રતા... બીજી તરફ ધંધાકીય મનદુઃખ...
અને આ મનદુઃખમાં મિત્ર જ મિત્રનો કાળ બન્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ઝેરી હોવાનું જાણતો હોવા છતાં ડુપ્લિકેટ Royal Stag પીવડાવ્યું. CCTVમાં રીક્ષા અને ઘટનાક્રમની કડીઓ મળી.કોલ રેકોર્ડિંગ અને મોબાઇલ ડિટેઇલથી આરોપી સુધી પોલીસ પહોંચી.3 સપ્ટેમ્બરે આનંદનગર બસ સ્ટેન્ડ પાસે ભાવેશને દારૂ પીવડાવવામાં આવ્યો હોવાનો FIRમાં ઉલ્લેખ છે.ભાવેશના મોત બાદ આવેલા FSL રિપોર્ટમાં તેના લોહીમાં 0.0818 ટકા મિથેનોલ મળ્યું હોવાનું સામે આવ્યું.પોલીસના જણાવ્યા મુજબ મુકેશે બોટલ નષ્ટ કરી હોવાનું કહી તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો.જોકે CCTV, કોલ રેકોર્ડિંગ, મોબાઇલ ડિટેઇલ અને FSL રિપોર્ટ જેવી કડીઓ જોડાતાં આખરે ગાઢ મિત્રતા પાછળ છુપાયેલો કથિત હત્યાનો પ્લાન બહાર આવ્યો. હાલ પોલીસે મુકેશ પટેલ અને સંજય સામે BNS સહિતની કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો