ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ, ઉકાઈમાં 11.81 ઈંચ ખાબક્યો; દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી વરસાદથી ખેડૂતોમાં ખુશી!
9 ફોટો ગેલેરી
Last Updated: 11:13 AM, 13 September 2026
1/9
લાંબા વિરામ બાદ ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કણબીવાડ, શિવાજી સર્કલ, નિલમબાગ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો, જ્યારે આતાભાઈ ચોક અને વાઘાવાડી રોડ પર પણ ભારે વરસાદ નોંધાયો હતો. લાંબા સમય બાદ વરસાદ વરસતા કાળઝાળ ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. બીજી તરફ, વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થવાની આશાએ ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
2/9
બોટાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. મોડીરાતથી બોટાદ શહેર સહિત જિલ્લાના ગઢડા, રાણપુર અને બરવાળા તાલુકામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઢડા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. ખાસ કરીને કપાસ, મગફળી, જુવાર, તલ અને એરંડા સહિતના પાકને વરસાદથી જીવનદાન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. ખેતીના પાકને પાણીની તાતી જરૂરિયાત હતી ત્યારે વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. વરસાદનું પ્રમાણ વધે તો જિલ્લામાં ખેતીના પાકને વધુ ફાયદો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
3/9
રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોર પકડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તાપીના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ઉમરપાડામાં 8.35 ઈંચ, સુબિરમાં 5.71 ઈંચ, વઘઈમાં 5.67 ઈંચ અને સોનગઢમાં 5.51 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગમાં 4.37 ઈંચ અને ડેડિયાપાડામાં 4.25 ઈંચ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમય બાદ પડેલા સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.
4/9
રાજકોટ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ મહેર કરી છે. વહેલી સવારથી શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના આગમનથી એક તરફ જળસંકટ વચ્ચે લોકોને રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા મગફળી અને કપાસ સહિતના પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વધી હતી. હવે સારો વરસાદ થતાં પાકને જીવનદાન મળવાની આશા જાગી છે. વરસાદથી ખેતી માટે જરૂરી ભેજ જળવાઈ રહેવાની સાથે આગામી દિવસોમાં પણ સારો વરસાદ પડે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે
ADVERTISEMENT
5/9
ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ મહેર કરી છે. મોડી રાતથી મહુવા સહિત આસપાસના વિસ્તારોમાં સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
6/9
જેતપુર શહેરમાં આજે વરસાદી માહોલ છવાયો હતો. સ્ટેન્ડ ચોક અને તીનબત્તી ચોક સહિત વડલી ચોક તથા ફૂલવાડી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતી. પેઢલા, ગુંડાળા અને મંડલીકપુર સહિતના ગામોમાં વરસાદ જામ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી.
ADVERTISEMENT
7/9
નર્મદા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં જોરદાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. ડેડિયાપાડા, સાગબારા અને ગરુડેશ્વર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજપીપલાના સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, સાગબારા તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને પગલે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
8/9
ઉપલેટા પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને શહેર સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જીરાપા પ્લોટ, દ્વારકાધીશ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રેલવે સ્ટેશન રોડ, કટલેરી બજાર અને શાક માર્કેટ વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. સારા વરસાદને કારણે મગફળી, એરંડા, સોયાબીન અને કપાસ જેવા પાકોને જીવનદાન મળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
ADVERTISEMENT
9/9
નવસારી શહેર બાદ હવે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ચીખલી, વાંસદા, જલાલપોર, ખેરગામ અને ગણદેવી સહિતના તમામ તાલુકાઓમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ડાંગર, શેરડી અને ચીકુ જેવા પાક માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વરસાદના કારણે ખેતીમાં જરૂરી ભેજ મળતા ખેડૂતોને પાકના વિકાસમાં રાહત મળવાની આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ