બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છના રણમાં દટાયેલું હતું પ્રાચીન રહસ્ય! 1000 વર્ષ જૂની વસાહતના પુરાવા, તાંબાના સિક્કા-માટીના વાસણો મળ્યા

ગુજરાત / કચ્છના રણમાં દટાયેલું હતું પ્રાચીન રહસ્ય! 1000 વર્ષ જૂની વસાહતના પુરાવા, તાંબાના સિક્કા-માટીના વાસણો મળ્યા

Published By: Nidhi Panchal
Reported By: Alpesh Goswami

Last Updated: 10:43 AM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના રણમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધે ઇતિહાસકારો અને પુરાતત્ત્વવિદોનું ધ્યાન ખેંચ્યું છે. પાકિસ્તાન સરહદ નજીક મળેલા અવશેષો કચ્છના હજારો વર્ષ જૂના ઇતિહાસના નવા પાનાં ખોલી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કચ્છમાં ફરી એકવાર ઇતિહાસના નવા અધ્યાય લખાવાની શક્યતા ઉભી થઈ છે. પાકિસ્તાન સરહદ નજીક આવેલા પશ્ચિમ ગ્રેટ રણ વિસ્તારમાં એક પ્રાચીન વસાહતના મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. અત્યાર સુધી સામાન્ય ઉજ્જડ વિસ્તાર તરીકે ઓળખાતું આ સ્થળ હવે પુરાતત્ત્વની દૃષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધનમાં અહીંથી 100થી વધુ માનવ હાડપિંજરો, માટીના વાસણો, ટેરાકોટાના રમકડાં, તેલના દીવા, તાંબાના સિક્કા તેમજ ધાતુ ઓગાળવાના અવશેષો મળી આવતા સંશોધકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હાલ આ સ્થળને કામચલાઉ ધોરણે "બરબાદપુર" નામ આપવામાં આવ્યું છે.

Kutch

કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ગૌરવ ચૌહાણના જણાવ્યા અનુસાર આ સ્થળ પશ્ચિમ ગ્રેટ રણ વિસ્તારમાં, ઇન્ડો-પાકિસ્તાન સરહદ નજીક અને હરામી નાળાની ઉત્તર દિશામાં આવેલું છે. કચ્છમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં માનવ હાડપિંજરો એક જ સ્થળે મળી આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તમામ હાડપિંજરો એકસરખા પેટર્નમાં દફનાવવામાં આવ્યા હતા. દરેકમાં માથું ઉત્તર તરફ, પગ દક્ષિણ તરફ અને શરીર પશ્ચિમ દિશા તરફ રાખવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે. પુરુષો, મહિલાઓ અને નાના બાળકોના હાડપિંજરો પણ અહીંથી મળી આવ્યા છે, જે દર્શાવે છે કે અહીં એક સુવ્યવસ્થિત માનવ વસાહત હતી.

BSFના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન થઈ હતી

આ સ્થળની જાણ સૌપ્રથમ વર્ષ 2024 પહેલાં BSFના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન થઈ હતી. ત્યારબાદ આ અંગેની માહિતી તત્કાલીન અધિકારીઓ મારફતે કચ્છ યુનિવર્સિટી સુધી પહોંચી હતી. યુનિવર્સિટીના કુલપતિએ પ્રોફેસર ગૌરવ ચૌહાણને સંશોધનની જવાબદારી સોંપી હતી. છેલ્લા દસ વર્ષથી રણ વિસ્તારમાં સંશોધન કરતા પ્રોફેસર ચૌહાણ અને તેમની ટીમે BSFની પરવાનગી અને સહયોગથી સ્થળનું સર્વેક્ષણ શરૂ કર્યું હતું.

જમીનની સપાટી પર જ અનેક માનવ હાડપિંજરો દેખાતા તેઓ પણ આશ્ચર્યચકિત થઈ

સંશોધકો જ્યારે પ્રથમ વખત સ્થળ પર પહોંચ્યા ત્યારે જમીનની સપાટી પર જ અનેક માનવ હાડપિંજરો દેખાતા તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમનું માનવું છે કે એક સમયે આ હાડપિંજરોને જમીનમાં દફનાવવામાં આવ્યા હશે, પરંતુ વર્ષ 1819ના વિનાશક 'અલ્લાહ બંધ' ભૂકંપ બાદ જમીનની રચનામાં આવેલા ફેરફારો અને વર્ષો સુધી થયેલા ધોવાણના કારણે માટી હટી ગઈ અને હાડપિંજરો બહાર આવી ગયા.

Kutch-2

સર્વેક્ષણ દરમિયાન સ્થળની આસપાસ પ્રાચીન રહેણાંકના પણ સ્પષ્ટ પુરાવા મળ્યા હતા. અહીંથી વિવિધ પ્રકારના માટીના વાસણો, અનાજ સંગ્રહ માટેના મોટા ઘડા, ટેરાકોટામાં બનેલા ઊંટના રમકડાં, તેલના દીવા તેમજ તાંબાના સિક્કા મળી આવ્યા હતા. ઉપરાંત આયર્ન અને કોપર સ્મેલ્ટિંગ દરમિયાન નીકળતા સ્લેગના અવશેષો પણ મળી આવ્યા છે. આ તમામ પુરાવા દર્શાવે છે કે અહીં માત્ર વસાહત જ નહોતી, પરંતુ ધાતુ પ્રક્રિયા અને વેપાર જેવી પ્રવૃત્તિઓ પણ થતી હતી.

ક્યારેક નદીના કિનારે આવેલું સમૃદ્ધ નગર હોઈ શકે

પ્રોફેસર ચૌહાણના જણાવ્યા મુજબ આ સ્થળ ક્યારેક નદીના કિનારે આવેલું સમૃદ્ધ નગર હોઈ શકે છે. અહીં ખેતીલાયક જમીન હતી અને જમીન માર્ગ તેમજ દરિયાઈ માર્ગ – બંને સાથે તેનો સંપર્ક રહ્યો હોવાની સંભાવના છે. આથી તે સમયનું આ સ્થળ વેપાર અને વસવાટ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

kutch-3

આ સંશોધનમાં કચ્છ યુનિવર્સિટી ઉપરાંત ડેક્કન કોલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટી, ઇસરો, બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ના નિષ્ણાતોએ પણ ભાગ લીધો હતો. નિષ્ણાતોના પ્રાથમિક અભ્યાસ મુજબ અહીંથી મળેલા માટીના વાસણો મધ્યયુગના હોવાનું માનવામાં આવે છે અને તેમની ઉંમર અંદાજે 1000થી 1500 વર્ષ વચ્ચે હોઈ શકે છે. સંશોધકોનું કહેવું છે કે કચ્છના રણ વિસ્તારમાં પહેલાથી જ કરીમશાહ, વિઘાકોટ, બસ્તા બંદર, સિંધરી કિલ્લો તેમજ પાકિસ્તાનમાં આવેલા કંજરકોટ અને રહીમ કી બજાર જેવી મધ્યયુગીન અને આયર્ન એજની અનેક વસાહતોના પુરાવા મળી ચૂક્યા છે. નવી મળેલી વસાહતમાં પણ આ સ્થળો સાથે ઘણી સમાનતાઓ જોવા મળી રહી છે.

સમયગાળાને સમજવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ

આ શોધ હડપ્પન સંસ્કૃતિ બાદના સમયગાળાને સમજવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ધોળાવીરા, જૂની કુરાન અને કાનમેર જેવી હડપ્પન સાઇટ્સ લગભગ 3500 વર્ષ પહેલાં ખાલી થઈ ગઈ હતી. ત્યારબાદ ત્યાંના લોકો ક્યાં ગયા અને કેવી રીતે વસવાટ કર્યો તે અંગે હજુ પણ અનેક પ્રશ્નો છે. સંશોધકોનું માનવું છે કે કેટલાક લોકો ઇન્ડો-ગંગેટિક મેદાનો તરફ ગયા હશે, જ્યારે કેટલાક રણ વિસ્તારમાં આવીને વસ્યા હોઈ શકે છે. નવી મળેલી વસાહત આ રહસ્યની મહત્વપૂર્ણ કડી બની શકે છે.

આ સ્થળની મુલાકાત તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ સહિત અનેક અધિકારીઓ અને નિષ્ણાતોએ પણ લીધી હતી. હવે અહીંથી મળેલા માનવ હાડપિંજરો અને અન્ય અવશેષોનું વૈજ્ઞાનિક ડેટિંગ કરવામાં આવશે. વધુ ખોદકામ બાદ આ વસાહતનો ચોક્કસ સમયગાળો, અહીંના લોકોનું જીવન, તેમની સંસ્કૃતિ અને કચ્છના પ્રાચીન ઇતિહાસ અંગે વધુ મહત્વપૂર્ણ માહિતી મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : મોંઘી થઈ દશામાની મૂર્તિ, છતાં ભક્તિમાં નથી ઘટાડો! સુરતમાં 20% ભાવવધારા વચ્ચે ધૂમ ખરીદી

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ (ASI)ની મંજૂરી મળ્યા બાદ આ સ્થળે વધુ વિસ્તૃત સંશોધન અને ખોદકામ હાથ ધરવામાં આવશે. જો આગામી તપાસમાં પણ મહત્વપૂર્ણ પુરાવા મળે, તો કચ્છનું આ સ્થળ ભારતના સૌથી મહત્વપૂર્ણ પુરાતત્ત્વીય કેન્દ્રોમાં સ્થાન મેળવી શકે છે અને કચ્છના પ્રાચીન ઇતિહાસના અનેક અજાણ્યા રહસ્યો પર પ્રકાશ પાડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ancient Settlement Kutch Archaeology Human Skeletons

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ