બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાયદેસર આવક સામે કરોડોની અપ્રમાણસર મિલકત, કેતકી વ્યાસની ACBએ ધરપકડ કરી
Last Updated: 07:38 PM, 13 August 2026
આણંદના તત્કાલીન નાયબ કલેક્ટર કેતકી વ્યાસ સામે અપ્રમાણસર મિલકતના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ધરપકડ કરી છે. વર્ષ 2023થી ચાલી રહેલી તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણીએ કરોડો રૂપિયાની વધારાની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ ACBએ તેમની શોધખોળ તેજ કરી હતી.
ADVERTISEMENT
બહેનના ઘરેથી ઝડપી લેવામાં આવ્યા
ACBના જણાવ્યા અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી લોકેશન ટ્રેસ કર્યા બાદ કેતકી વ્યાસને શેલા વિસ્તારમાં આવેલી તેમની બહેનના ઘરેથી ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમના પરિવારના આશરે 24 બેન્ક ખાતાં, મિલકતો, વાહનો, શેરબજારના વ્યવહારો, પોસ્ટ તથા LICની વીમા પોલિસીઓ સહિતના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

કાયદેસર આવક કરતાં કરોડોની વધારાની સંપત્તિ
ADVERTISEMENT
ACBના DySP હરેશ મેવાડાના જણાવ્યા મુજબ, કેતકી વ્યાસની કુલ કાયદેસરની આવક આશરે રૂ. 5.17 કરોડ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેની સામે તેમની પાસે આશરે રૂ. 3.56 કરોડની અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે. ACBનો દાવો છે કે આ વધારાની સંપત્તિ અંગે કેતકી વ્યાસ કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યા નથી. આ કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
માતા-પિતાના નામે પણ મિલકતો
ADVERTISEMENT
તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે કેતકી વ્યાસે પોતાની સાથે તેમના માતા-પિતાના નામે પણ વિવિધ સંપત્તિઓ વસાવી હોવાનું ACBનું કહેવું છે. તેમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ શિવાલિક લીગસીમાં ફ્લેટ, સાયન્સ સિટી રોડ પરની મિલકત, ત્રાગડમાં બંગલો તથા વિરમગામમાં દુકાનનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
બેન્ક ખાતાંમાં જમા રકમની પણ તપાસ ચાલુ
આ ઉપરાંત પરિવારના નામે વિવિધ વાહનો તથા બેન્ક ખાતાંમાં જમા રકમની પણ તપાસ ચાલી રહી છે. ACBના જણાવ્યા અનુસાર, વિરમગામમાં કર્મકાંડ અને બુક સ્ટોલનો વ્યવસાય કરતા પિતાની આવકનો ઉપયોગ સંપત્તિના સ્ત્રોતને કાયદેસર દર્શાવવા માટે થયો હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
10 વર્ષમાં રસોડા ખર્ચ માટે માત્ર રૂ. 1,590 ઉપાડ્યાનો દાવો
આ કેસમાં ACB દ્વારા કરવામાં આવેલો એક મહત્વનો દાવો ઘરખર્ચને લઈને છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, વર્ષ 2012-13થી 2022-23 સુધીના દસ વર્ષના ચેક પિરિયડ દરમિયાન કેતકી વ્યાસે આશરે રૂ. 78 લાખનો પગાર મેળવ્યો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન બેન્ક ખાતામાંથી રસોડા ખર્ચ માટે માત્ર રૂ. 1,590ની રોકડ રકમ ઉપાડવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ACBનું માનવું છે કે આ વ્યવહાર અસામાન્ય હોવાથી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ સાંદીપની આશ્રમ પરિસરમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી આપી કર્યું કુકર્મ
લાંબી સરકારી કારકિર્દી
કેતકી વ્યાસ વર્ષ 2001માં ચીફ ઓફિસર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. ત્યારબાદ GPSC પાસ કરીને વર્ષ 2005ની આસપાસ મામલતદાર તરીકે નિમણૂક થઈ હતી. આગળના વર્ષોમાં નાયબ કલેક્ટર અને અધિક કલેક્ટર સહિતના હોદ્દા પર પ્રમોશન મેળવ્યા હતા. હવે ACB તેમની સંપત્તિ અને આવકના સ્ત્રોત વચ્ચેના તફાવતની તપાસ કરી રહી છે. આજે, 13 ઓગસ્ટે, બોડકદેવ સ્થિત તેમના ફ્લેટનું પંચનામું કરવાની સાથે વધુ સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું તપાસ એજન્સીએ જણાવ્યું છે. કેસની તપાસ દરમિયાન મળેલા બેન્ક વ્યવહારો, પ્રોપર્ટીના દસ્તાવેજો અને અન્ય નાણાકીય રેકોર્ડના આધારે સમગ્ર સંપત્તિનો સ્ત્રોત શોધવામાં આવી રહ્યો છે. ACB દ્વારા સમયસર ચાર્જશીટ રજૂ કરી ટ્રાયલની કાર્યવાહી આગળ વધારવા માટે ધરપકડ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.